રાજકોટ, તા.25
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ઉપર આવતીકાલે હોમટીમ ગુજરાત ટાઈટન્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે આઈપીએલનો ક્વોલિફાયર-2 મુકાબલો રમાવાનો છે તે પહેલાં જ ટીમ ગુજરાતને મોટો ઝટકો લાગ્યો છે. ગુજરાતની મેચ હોય એટલે બ્રેક દરમિયાન ‘હેલો મારો સાંભળો’ અને ‘મારા પાલવનો...’ ગીત અચૂક વાગે છે ત્યારે આવનારી મેચમાં હવે આ ગીત સાંભળવાનહીં મળે !
ગુજરાત ટાઈટન્સ સહિતના પક્ષકારો સામે ગાંધીનગર કોર્ટમાં દાવો દાખલ કરવામાં આવ્યો હતો. કોપીરાઈટ એક્ટ 1957 હેઠળ મે.રેકોર્ડેડ મ્યુઝિક પરફોર્મન્સ લિમિટેડ દ્વારા રજૂઆત થઈ હતી કે કોપીરાઈટ નહીં હોવા છતાં તેમના બે ગીતો વગાડવામાં આવી રહ્યા છે. કોર્ટે આ મામલે વધુ સુનાવણી હાથ ધરતા નોટિસ ઈશ્યુ કરી હતી જેની સુનાવણી દરમિયાન ગુજરાત ટાઈટન્સ અને ડીએનએ એન્ટરટેઈનમેન્ટ નેટવર્ક પ્રાિ.લ. તરફથી હવેની મેચોમાં આ ગીતો નહીં વગાડવા અદાલતને ખાતરી અપાઈ હતી.
ગુજરાત ટાઈટન્સ સામે ગાંધીનગર કોમર્શિયલ કોર્ટમાં મેસર્સ રેકોર્ડેડ મ્યુઝિક પરફોર્મન્સ લિમિટેડ દ્વારા દાવો કરવામાં આવ્યો હતો જેમાં આઈપીએલ મેચમાં બ્રેક દરમિયાન વગાડવામાં આવતાં બે ગુજરાતી ગીતોને લઈને દાવો કરવામાં આવ્યો હતો. ‘હેલો મારો સાંભળો’ અને ‘મારા પાલવનો...’ આ બંને ગીતોના કોપીરાઈટ ભંગ કરીને મેચમાં ગીતો વગાડાતા હોવાની લેખિતમાં કોર્ટમાં રજૂઆત કરવામાં આવી હતી. ઉપરાંત વિવિધ નોટિસો બાદ પણ ટાઈટન્સ અને ડીએનએ એન્ટરટેન્મેન્ટ નેટવર્ક પ્રા.લિ. તરફથી ગીતો વગાડવાનું બંધ ન થતાં ગાંધીનગરના ત્રીજા એહિશનલ ડિસ્ટ્રિક્ટ જજની કોર્ટમાં દાવો કરાયો હતો.
આ મામલે સુનાવણીમાં અરજદાર આરએમપીએલ તરફથી એડવોકેટ રોહન લવકુમારે કોર્ટનું ધ્યાન દોરતા જણાવ્યું કે અગાઉ પણ 2020માં ગુજરાત ટાઈટન્સ અને ડીએનએ એન્ટરટેન્મેન્ટ નેટવર્ક પ્રા.લિ. દ્વારા આ બંને ગીતો કોપીરાઈટ એક્ટનો ભંગ કરીને વગાડવામાં આવ્યા છે અને આ વર્ષે પણ આઈપીએલની સાતથી વધુ મેચોમાં આ બંને ગીતો વગાડવામાં આવ્યા છે જેમાં દેખીતી રીતે કોપીરાઈટ એક્ટનો ભંગ કરવામાં આવ્યો છે.
આ સંજોગોમાં કોર્ટે પ્રતિવાદી કંપનીને આ ગીતો વગાડવાપર પ્રતિબંધ ફરમાવવો જોઈએ કારણ કે હવે આઈપીએલ તેના અંતિમ તબક્કામાં છે અને સેમિફાઈનલ-ફાઈનલ જેવી અંતિમ મેચો બાકી રહી છે ત્યારે જો અરજદારને રાહત નહીં અપાય તો દાવો નિરર્થક બની જશે તેથી કોર્ટે પ્રતિવાદી કંપનીને આ બંને ગીતો વગાડવામાં ન આવે તેઓ હુકમ કરવો જોઈએ.
આ દરમિયાન ગુજરાત ટાઈટન્સ, ડીએનએ એન્ટરટેન્મેન્ટ, ડીજે અક્કીસ સ્પીન ગુરુઝ, બીસીસીઆઈ, ગુજરાત ક્રિકેટ એસો.ને નોટિસ ઈશ્યુ કરાઈ હતી.