નવીદિલ્હી, તા.25
એશિયા કપને લઈને બીસીસીઆઈ અને પીસીબી વચ્ચે વિવાદનો ઉકેલ આવી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. ટૂર્નામેન્ટની યજમાની પાકિસ્તાનને મળેલી છે પરંતુ બીસીસીઆઈ પાકિસ્તાનમાં રમવા માટે તૈયાર નથી. આ પછી પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે હાઈબ્રિડ મોડલનો પ્રસ્તાવ આપ્યો હતો. આ વખતે ટૂર્નામેન્ટના મુકાબલા વન-ડે ફોર્મેટમાં રમાવાના છે જેને ધ્યાનમાં રાખી એશિયા કપ અત્યંત મહત્ત્વનો બની રહેશે.
જિયો ન્યુઝના અહેવાલ પ્રમાણે બીસીસીઆઈએ પીસીબીના હાઈબ્રિડ મોડલનો સ્વીકાર કરી લીધો છે મતલબ કે હવે ટૂર્નામેન્ટના પ્રારંભીક ચાર મુકાબલા પાકિસ્તાનમાં રમાશે. જ્યારે બાકી બચેલી મેચ ન્યુટ્રલ વેન્યુ એટલે કે તટસ્થ સ્થળ ઉપર રમાશે મતલબ કે ટીમ ઈન્ડિયા પોતાના તમામ મુકાબલા ન્યુટ્રલ વેન્યુ ઉપર રમશે.
અત્યાર સુધી ન્યુટ્રલ વેન્યુને લઈને નિર્ણય લેવાયો નથી. આ રેસમાં શ્રીલંકા, યુએઈ અને ઈંગ્લેન્ડ છે. સપ્ટેમ્બરમાં વધુ પડતી ગરમી હોવાને કારણે અનેક દેશ યુએઈમાં આયોજન કરાવવાના પક્ષમાં નથી. બીજી બાજુ પીસીબી ચેરમેન નઝમ સેઠીનું પસંદગીનું ગ્રાઉન્ડ દુબઈ જ છે.
વધુમાં મળી રહેલી જાણકારી પ્રકારે પાકિસ્તાનમાં પ્રારંભીક ચાર મેચ લાહોરના ગદ્દાફી સ્ટેડિયમમાં રમાશે અને બાકીની મેચ દુબઈમાં રમાઈ શકે છે. ટૂર્નામેન્ટની વાત કરવામાં આવે તો તેમાં ભારત અને પાકિસ્તાન ઉપરાંત શ્રીલંકા, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન, નેપાળ ભાગ લેવાના છે. આ ટીમોને બે ગ્રુપમાં વહેંચવામાં આવી છે.
લીગ રાઉન્ડ બાદ બન્ને ગ્રુપની ટૉપ-2 ટીમો સુપર-4માં પ્રવેશ કરશે અને પછી ટૉપ-2 ટીમો વચ્ચે ફાઈનલ મુકાબલો રમાશે. ભારત અને પાકિસ્તાનને એક જ ગ્રુપમાં રાખવામાં આવી છે આવામાં બન્ને વચ્ચે ચાર મુકાબલા થઈ શકે છે.
ભારતમાં આક્ટોબર-નવેમ્બરમાં વન-ડે વર્લ્ડકપ રમાવાનો છે. એશિયા કપની મેચ માત્ર ન્યુટ્રલ વેન્યુની વાત પર પીસીબીએ ધમકી આપી હતી કે ત્યારે તે પણ આઈસીસી ટૂર્નામેન્ટ રમવા માટે ભારત નહીં આવે. તેના મુકાબલા ન્યુટ્રલ વેન્યુ જેમ કે બાંગ્લાદેશમાં રમાડવામાંઆવે. ઉલ્લેખનીય છે કે 2025માં પાકિસ્તાનમાં ચેમ્પિયન્સ ટ્રોફી રમાવાની છે આવામાં બીસીસીઆઈ અને પીસીબી વિવાદ નથી ઈચ્છતા.