♦ મને સાંભળવા ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાનની સાથે પુર્વ વડાપ્રધાન અને તમામ સાંસદો મૌજૂદ: સંસદના નવા ભવનના ઉદઘાટનમાં વિપક્ષોના બહિષ્કાર પર મોદીના ચાબખા: દેશ માટે સૌ સાથે બેસે તે જ લોકશાહીની સુંદરતા
♦ આજે હું બોલુ છું તે દુનિયા સાંભળે છે પણ આ મોદીને નહી 140 કરોડ ભારતીયોને યશ છે: ત્રણ દેશોના વિદેશ પ્રવાસ બાદ સ્વદેશ પરત ફરેલા વડાપ્રધાનનું દિલ્હી વિમાની મથકે ભવ્ય સ્વાગત
નવી દિલ્હી: દેશમાં નવા સંસદભવનના ઉદઘાટન મુદે સર્જાયેલા વિવાદ પર વિપક્ષોને આડકતરી રીતે નિશાન બનાવતા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ પોતાના ખાસ કરીને ઓસ્ટ્રેલિયાના પ્રવાસમાં જે રીતે સીડનીમાં ઓલીમ્પીક પાર્કમાં 20000થી વધુ ભારતીયો ઉપસ્થિત રહ્યા અને ઓસ્ટ્રેલિયન વડાપ્રધાન તથા તેમની કેબીનેટના સભ્યો અને વિપક્ષના નેતાઓ પણ ઉપસ્થિત હતા તેનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે, આ તમામ મોદીને પ્રેમ કરવાવાળા વ્યક્તિઓ ન હતા પણ આ ભારતને પ્રેમ કરનારા ભારતીયો હતા.
હું દુનિયાના દેશોમાં જઈને વિશ્વના મહાન લોકોને મળું છું. તેઓને ભારતના સામર્થ્યની વાત કરું છું અને ભારતનો યુવા વર્ગ શું છે તે તમોને દર્શાવવા પ્રયત્ન કરું છું. મોદીએ વિપક્ષોને નિશાન પર લેતા કહ્યું કે, સીડનીમાં તમને સાંભળવા 20000 લોકો એકત્ર થયા હતા. ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થની અલ્બનીઝ પણ હતા અને તેની સાથે ઓસ્ટ્રેલિયાના પુર્વ વડાપ્રધાન અને પુરો વિપક્ષ પણ ઉપસ્થિત હતો.
પુરો વિપક્ષ તેના દેશ માટે સામેલ હતો. વડાપ્રધાને ખાસ કરીને ભારતમાં જે રીતે વિપક્ષ નવા સંસદભવનના ઉદઘાટનનો જે મુદો ચગ્યો છે તેમાં જવાબ આપવાની સાથે વિપક્ષને નિશાન પર લીધો હતો. શ્રી મોદીએ કહ્યું કે આજે હું જયારે બોલુ છું તો દુનિયા સાંભળે છે. ભારતને સાંભળવા-સમજવા અને ભારતની સાથે આવવા આતુર છે. હું જયારે કહું છું કે ભારતના તિર્થક્ષેત્ર પરના હુમલા સ્વીકાર્ય નથી તો દુનિયા મારી સાથે રહે છે.
ઓસ્ટ્રેલિયા આજે ભારતને પોતાનું ગણુ છું અને ભારતને સન્માન આપે છે અને તેઓ ભારતના ભવિષ્ય સાથે પોતાનું ભવિષ્ય પણ જોડે છે. સીડનીના કાર્યક્રમમાં ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાનનું આવવું કોઈ નાની બાબત નથી. પુર્વ વડાપ્રધાન પણ હતા અને સતા પક્ષ વિપક્ષ બન્નેના સાંસદ હતા. તેઓ સૌ કોઈ એક સાથે ભારતના કાર્યક્રમમાં સામેલ થયા હતા. આ યશ મોદીને નહી હિન્દુસ્તાનના પુરુષાર્થને જાય છે. 140 કરોડ હિન્દુસ્તાનીઓના જુસ્સાની કમાલ છે.
શ્રી મોદીએ કહ્યું કે, પડકારો ઉપાડવાનો મારો સ્વભાવ છે. હું ટીકાથી ડરતો નથી. દેશના જ કેટલાક લોકોએ મને પૂછયું છે. મે શા માટે દુનિયાને કોવિડ વેકસીન આપી તો હું કહેવા માગું છું કે આ મહાત્મા ગાંધી અને બૌદ્ધની ભૂમિ છે. જે તેના દુશ્મનોની પણ ચિંતા કરે છે. આજે તેનીજ દુનિયા જાણવા માંગે છે કે ભારત શું વિચારે છે.
વિદેશમાં ભારત-મોદીની તાકાત કેટલી ? કિસ્સા વર્ણવતા જયશંકર
ઓસીઝ વડાપ્રધાને મોદીને ‘BOSS’ કહ્યા તે સત્તાવાર ભાષણનો ભાગ નહતો : વિશ્વગુરૂ તરીકે ઓળખ મળી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દેશોની મુલાકાત બાદ ભારત પરત ફર્યા છે. વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું કે, પીએમ મોદી સાથે આ વિદેશ પ્રવાસ પર જવું તે તેમનું સૌભાગ્ય હતું. તેમણે કહ્યું કે, આજે દુનિયા ભારતને જે રીતે જોઈ રહી છે તે પીએમ મોદીના નેતૃત્વને કારણે છે. આટલું જ નહીં, જયશંકરે ઓસ્ટ્રેલિયન પીએમ એન્થોની અલ્બેનીસે પીએમ મોદીને બોસ કહેવાની સ્ટોરી પણ શેર કરી.
એસ. જયશંકરે કહ્યું, હું આ પ્રવાસમાં પીએમ મોદી સાથે ગયો હતો. હું કેટલીક બાબતો કહેવા માંગુ છું કે, વિશ્વ આપણા વડાપ્રધાનને કેવી રીતે જુએ છે. સિડની પ્રવાસનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે, ઓસ્ટ્રેલિયન પીએમ, પીએમ મોદીને ’ધ બોસ’ કહ્યા હતા, તે તેમના ભાષણનો ભાગ ન હતો. તે કંઈક હતું જે તેમના મનમાંથી બહાર આવ્યું હતું.
એસ જયશંકરના જણાવ્યા અનુસાર, કાર્યક્રમ પછી ઓસ્ટ્રેલિયાના પીએમએ તેમને કહ્યું હતું કે, મોદીને ’ધ બોસ’ કહેવા મારા મનની વાત છે. એ કોઈ કાગળ કે ભાષણનો ભાગ નથી એ મારી આંતરિક લાગણી હતી. એસ જયશંકરે કહ્યું કે, જ્યારે પીએમ મોદી પાપુઆ ન્યૂ ગિનીમાં ઉતર્યા હતા, ત્યારે બધાએ જોયું કે જે રીતે વડાપ્રધાને તેમનું સ્વાગત કર્યું.
એસ જયશંકરે કહ્યું કે પાપુઆ ન્યૂ ગિનીના પીએમએ તો ત્યાં સુધી કહ્યું કે પીએમ મોદી મારા માટે માત્ર દેશના વડાપ્રધાન નથી, તેઓ મારા માટે ગુરુ છે. વડાપ્રધાન મોદી વિશ્વગુરુ છે. તેમની પાસેથી આપણને પ્રેરણા મળે છે. આજ સુધી મેં આવું દ્રશ્ય જોયું નથી. આ સમગ્ર વિશ્વની વિચારસરણી હતી.
આજે અલગ-અલગ બેઠકોમાં જે ચર્ચા થઈ રહી છે તે ભારતના પરિવર્તનને લઈને છે. લોકો પીએમ મોદી પાસેથી જાણવા માંગતા હતા કે તમે કોરોના દરમિયાન કેવી રીતે કામ કર્યું, ડિજિટલ ઈન્ડિયા કેવી રીતે કામ કરી રહ્યું છે, રસીકરણ કેવી રીતે કરવામાં આવ્યું? મહામારી દરમિયાન 80 કરોડ લોકોને મફત રાશન કેવી રીતે આપવામાં આવ્યું?