શાપરમાં ડ્રાઇવરે કંપનીની બોલેરો ગુમ કરી દીધી, ડીઝલ કાર્ડ પેટ્રોલ પંપ પર સ્વાઈપ કરાવી રોકડ રકમ લઈ લીધી

25 May 2023 12:36 PM
Gondal Crime
  • શાપરમાં ડ્રાઇવરે કંપનીની બોલેરો ગુમ કરી દીધી, ડીઝલ કાર્ડ પેટ્રોલ પંપ પર સ્વાઈપ કરાવી રોકડ રકમ લઈ લીધી

► અમદાવાદની એમ.એન્ડ બી એન્જીયરીંગ પ્રાઇવેટ લીમીટેડ પ્રોફલેસ કંપનીની સાઇટ પર બનેલો બનાવ : આરોપીની ધરપકડ

► ખેડાના વસિમે ડીઝલ કાર્ડનો ઉપયોગ કરી પેટ્રોલ પંપના કર્મચારી પાસેથી રૂ.99 હજાર રોકડા લીધા ડીઝલ ન પુરાવતા સ્ટેટમેન્ટ પરથી ખુલાસો થયો

શાપરમાં ડ્રાઇવરે કંપનીનો બોલેરો ગુમ કરી દીધો છે. આરોપીએ ડીઝલ કાર્ડ પેટ્રોલ પંપ પર સ્વાઈપ કરાવી રોકડ રકમ લઈ લીધી હતી. અમદાવાદની એમ.એન્ડ બી એન્જીયરીંગ પ્રાઇવેટ લીમીટેડ પ્રોફલેસ કંપનીની શાપર ખાતે ચાલતી સાઇટ પર બનાવ બન્યો છે. આરોપીની ધરપકડ લરાઈ છે. ખેડાના આરોપી વસિમે ડીઝલ કાર્ડનો ઉપયોગ કરી પેટ્રોલ પંપના કર્મચારી પાસેથી રૂ.99 હજાર રોકડા લીધા અને ડીઝલ ન પુરાવતા સ્ટેટમેન્ટ પરથી ખુલાસો થયો હતો. મૂળ બિહારના અને હાલ અમદાવાદ આંબાવાડી વિસ્તારમાં રહેતા તેમજ અમદાવાદની એમ.એન્ડ બી એન્જીયરીંગ પ્રાઇવેટ લીમીટેડ પ્રોફલેસ કંપનીમાં સાઇટ ઇન્ચાર્જ તરીકે કામ કરતા ફરિયાદી આશીષકુમાર શત્રુઘન સિંહ (રાજપુત) (ઉં.વ. 20)એ જણાવ્યું કે,

હું એમ. એન્ડ બી. કંપનીમાં છેલ્લા એક વર્ષથી નોકરી કરું છું. અમારી કંપનીની સાઈટો ગુજરાત અને ગુજરાત બહાર પણ ચાલતી હોય છે. હાલ રાજકોટના વેરાવળ(શાપર)માં આવેલ મસ્કત પોલીમર્સ લીમીટેડ કંપનીમાં અમારી કંપનીનું સ્ટફ રુફિંગનું કામ ચાલે છે. અમારી કંપનીની જી.જે. 1 - આરએલ - 6803 નંબરની બોલેરો કાર છે. આ કારનો ઉપયોગ સાઇટ માટેનો સામાન લેવા, સ્ટાફને હોટલથી આવવા જવા, મજૂરોનો જમવાનો સામાન લેવા વગેરેમાં થાય છે. આ બોલેરો ગાડીના ડ્રાઇવર તરીકે વસીમભાઇ યુનુસભાઇ વ્હોરા (રહે. ઠાસરા જિ.ખેડા) નોકરી કરે છે. બોલેરો ગાડી સિવાય બીજી અશોક લેલન ટ્રક તેમજ મોલ્ડીંગ મશીન છે, જેમાં ડીઝલ પેટ્રોલ પંપમાંથી નાખવા માટે કંપનીએ ટ્રક ડ્રાઇવર પ્રમોદ યાદવને એચ.પી. પંપનું ડીઝલ કાર્ડ આપેલ છે. પરંતુ ટ્રક ડ્રાઇવર પ્રમોદ યાદવને પંપમાંથી ડીઝલ નાખવા માટે એચ.પી. પંપ ડીઝલ કાર્ડનો ઉપયોગ કરતા ન આવડતું હોય

જેથી મહીન્દ્રા બોલેરો ગાડીના ડ્રાઇવર વસીમને આ કાર્ડ આપ્યું છે.વધુમાં આશીશકુમાર સિંહે જણાવ્યું કે, વસીમએ ગઇ તા. 30/4/23ના રોજ વડોદરા, નિઝામપુર રોડ, મીલીટરી બોયસ હોસ્ટેલ પાસે આવેલ એચ.પી પંપમાં સ્વાઇપ મશીનમાં કાર્ડ સ્વાઇપ કરી ડીઝલ પુરાવ્યા વગર પંપ વાળા પાસેથી રૂ.85486 રોકડા લઇ લીધા હતા એ પછી ગઇ તા.13/5/23 ના રોજ જૂનાગઢ ચોબારી રોડ પર આવેલ એચ.પી. પંપમાં સ્વાઇપ મશીનમાં કાર્ડ સ્વાઇપ કરી ડીઝલ પુરાવ્યા વગર પંપ વાળા પાસેથી રૂ.13923 રોકડા લઇ લીધેલ. એમ રૂ. 99,409 ડીઝલ પુરાવ્યાં વગર રોકડા લઇ લીધેલ. તા.16 મે ના રોજ કંપની તરફથી ડીઝલ પુરાવ્યા અંગેનુ સ્ટેટમેન્ટ આવતા આ હકીકત જાણ થઈ. વસીમને આ બાબતે પૂછતાં તેણે કબુલ્યું હતું કે, રોકડા રૂપિયા લીધા હતા. બે દિવસમાં રૂપિયા પરત કરી આપશે તેવી ખાતરી આપેલી. પરંતુ વસીમએ રકમ આપી નહોતી. જેથી છેલ્લે તા.18/5/23ના બપોરના 2કમ આપવા જણાવેલ.

ત્યારે રાતે રૂપિયા આપે દેશે તેવી વાત વસિમે કરેલી. દરમિયાન રાત્રે વસીમ આવ્યો નહોતો અને સાઈટના મજૂરો બધા સુતા હતા ત્યારે બોલેરો લઈ તે જતો રહેલો. તા. 19મીના રોજ વસીમ અને બોલેરો બન્ને ન દેખાતા વસીમને ફોન કરતા તેણે કહ્યું કે, તે અમદાવાદ છે અને શાપર મારૂતિ પંપે ગાડી રાખેલ છે. ત્યાં તપાસતા ગાડી મળી નહોતી. જેથી ફરી ફોન કરતા તેણે જણાવેલ કે શીતળા મંદીર સામે આવેલ એચ.પી.ના પંપે ગાડી રાખેલ છે. ત્યાં પણ ગાડી ન હોય ફરી ફોન કરતા વસિમે ગાડી રાજકોટ ગ્રીન લેન્ડ ચોકડીએ રાખી હોવાનું કહ્યું હતું. રાજકોટ ગ્રીન લેન્ડ ચોકડી જઈ તપાસ કરતા ત્યાં પણ બોલેરો કાર નહોતી. જેથી મેં અમારા અમદાવાદ સ્થિત ઓફિસના મેનેજર સંતોષ અનુકતરને વાત કરતા તેમણે શાપર પોલીસમાં ફરિયાદ નોંધાવવા જણાવતા ફરિયાદ દાખલ કરાવી હતી. વસીમ દોઢેક વર્ષથી અહીં નોકરી કરતો હતો. હાલ શાપર પોલીસે તેને દબોચી લીધો છે. જોકે બોલેરો હજુ હાથ લાગ્યો નથી.

બોલેરો મેં ગ્રીન લેન્ડ ચોકડીએ પાર્ક કરેલો, ત્યાંથી કોઈ ચોરી કરી ગયું, આરોપીનો બચાવ
શાપર પોલીસે આરોપીની પૂછપરછ કરતા તેણે પોતાનો બચાવ કરતા જણાવ્યું કે, બોલેરો મેં ગ્રીન લેન્ડ ચોકડીએ પાર્ક કર્યો હતો. પછી અમદાવાદ જતો રહ્યો. પાર્ક કર્યો ત્યાંથી બોલેરો કોઈ શખ્સ ચોરી કરી ગયું છે. આરોપીના બચાવમાં કેટલી હકીકત છે?તે જાણવા શાપર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


Related News

Advertisement
Advertisement