રાજકોટ તા.25
સૌરાષ્ટ્ર-ગુજરાતમા એકાદ અઠવાડીયાથી આકરી ગરમી બાદ ફરી વખત હવામાન આંશીક અસ્થિર થવાની અને અમુક દિવસોમાં છાંટાછૂંટી પડવાની આગાહી જાણીતા વેધર એનાલીસ્ટ અશોકભાઈ પટેલે કરી છે.
તેઓએ આજે વાતચીતમાં કહ્યું હતું કે ગત તા.19 મેના રોજ નિકોબારમાં ચોમાસાના શ્રીગણેશ થયા હતા પરંતુ ત્યારપછી આગળ વધ્યુ નથી અને એકાદ સપ્તાહથી સ્થગીત જેવી હાલત છે તાપમાન પર નજર કરવામાં આવે તો નોર્મલ આસપાસ જ રહે છે. હાલ નોર્મલ તાપમાન 41 ડીગ્રી ગણ્યા છે. અમદાવાદનાં 43.2 ડીગ્રી રાજકોટમાં 41.8 ડીગ્રી, વડોદરામાં 41 ડીગ્રી, અમદાવાદમાં 41.4 ડીગ્રી હતુંતે સરેરાશ કરતાં એક ડીગ્રી વધુ હતું. ભૂજમાં 38.9 ડીગ્રી નોર્મલ તાપમાન હતું.
તા.25 થી 31 મેના રોજ સમયગાળાની આગાહી કરતા તેઓએ કહ્યું કે અરબી સમુદ્રમાંથી ફુંકાતા તેજ પવન તથા ઉપલા લેવલની અસ્થિરતાને કારણે રાજયમાં અમુક સ્થળોએ અમુક દિવસોમાં છાંટાછુંટી થઈ શકે છે.સૌરાષ્ટ્રનાં કોસ્ટ ક્ષેત્રોમાં એકલ-દોકલ વિસ્તારમાં એકાદ-બે દિવસ છાંટાછુંટીની શકયતા છે.
આઝાદીના સમયગાળામાં પવનનું જોર રહેશે 20 થી 30 કિલોમીટરની ઝડપે પવન ફુંકાશે સૌરાષ્ટ્ર-કચ્છ-ઉતર ગુજરાતમાં 28 મી સુધી બપોરથી સાંજે પવનની ઝડપ 30 થી 40 કિલોમીટરની રહેવાની શકયતા છે.
તાપમાનમાં પણ ચઢ-ઉતર રહેવાની સંભાવના છે.તા.27 સુધી તાપમાન નોર્મલથી નીચે રહેશે અને કદાચ 40 ડીગ્રીથી પણ નીચે ઉતરી શકે છે. 28-29 મીએ તાપમાન કરી નોર્મલ થઈ જશે જયારે 30-31 મીએ ફરી ગરમી વધવાની અને પારો 42 ડીગ્રીને આંબી જવાની શકયતા છે.