♦ વિપક્ષ દ્વારા તિરસ્કાર અને બહિષ્કારની આ પ્રથમ ઘટના નથી, છેલ્લા નવ વર્ષમાં વિપક્ષ દ્વારા વારંવાર સંસદીય પ્રક્રિયાઓ અને નિયમની અવમાન્યા કરી છે : પ્રહાર
ગાંધીનગર,તા.25
રાજ્યના પ્રજાવત્સલ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે, 28 મે 2023ના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની લોકશાહીના મંદિર સમાન સંસદ ભવનના નવનિર્મિત સંકુલનું લોકાર્પણ થવા જઈ રહ્યું છે એ સમસ્ત દેશવાસીઓ માટે ગૌરવપૂર્ણ બાબત છે. દેશની સંસદમાં જ દેશની નીતિઓ પર નિર્ણય થતા હોય છે જેનાથી નાગરિકોના જીવનમાં બદલાવ આવતો હોય છે ત્યારે 19 વિપક્ષી દળો દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે લોકાર્પણનો વિરોધ કરવો દેશના લોકતાંત્રિક મૂલ્યો પર હુમલો છે.
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, અફસોસની વાત છે કે વિપક્ષ દ્વારા તિરસ્કાર અને બહિષ્કારની આ પ્રથમ ઘટના નથી, છેલ્લા નવ વર્ષમાં વિપક્ષ દ્વારા વારંવાર સંસદીય પ્રક્રિયાઓ અને નિયમની અવમાન્યા કરી છે, સંસદ સત્ર અને અટકાવ્યા છે. દેશની સંસદનો વિરોધ એટલે લોકતાંત્રિક પ્રક્રિયાનું સરેઆમ અપમાન. આજ વિપક્ષે જીએસટીના વિશેષનો બહિષ્કાર કર્યો, પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી ને ભારત રત્ન થી સન્માનિત કરાયા ત્યારે ઉપસ્થિત ન રહ્યા.
પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને વર્તમાન રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુનો અનાદર કરીને રાજનીતિક મર્યાદાને નિમ્નસ્તરે પંહોચાડી અનુસૂચિત જાતિ અને જનજાતિ સમાજનું ઘોર અપમાન કર્યું છે.
દેશમાં આપાતકાલ લાગુ કરી અને કલમ 356 નો દુરુપયોગ કરી કોંગ્રેસે નાગરિક સ્વતંત્રતાનું હનન કર્યું છે. લોકશાહીનું અપમાન મહાત્મા ગાંધી, સરદાર પટેલ, ડો. બાબાસાહેબ આંબેડકર જેવા દેશસેવકોનું અપમાન છે. આઝાદીના અમૃતવર્ષમાં વિપક્ષ દ્વારા દેશની 140 કરોડ જનતાનું અપમાન ભૂલાય તેમ નથી. ભાજપ વિપક્ષના વલણને સખત શબ્દોમાં વખોડે છે.