રાજકોટ, તા.25 : મહાનગરપાલિકા દ્વારા આજે 21 સફાઈ કામદારો પૈકી ફિક્સ પગારમાંથી કાયમી થતા 3, રોજમદારમાંથી કાયમી 1, સ્વૈચ્છિક નિવૃત્તિ વારસદાર 8, ચાલુ ફરજે અવસાન પામેલ સફાઈ કામદારોના વારસદાર 7ને નોકરીના ઓર્ડર તેમજ સ્વૈચ્છિક નિવૃત્ત થયેલ સફાઈ કામદારોને નિવૃત્તિના ઓર્ડરમેયર ડો.પ્રદિપ ડવ, ડે.મેયર કંચનબેન સિધ્ધપુરા,
સ્ટે. ચેરમેન પુષ્કરભાઈ પટેલ, શાસક પક્ષ નેતા વિનુભાઈ ઘવા, દંડક સુરેન્દ્રસિંહ વાળાના હસ્તે આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે વાલ્મીકી સમાજના અગ્રણીઓ મુકેશભાઈ પરમાર, ગિરધરભાઈ વાઘેલા, જયેશભાઈ ઘાવરી, ગૌતમભાઈ ચૌહાણ, દિલીપભાઈ વાઘેલા, કપિલભાઈ વાઘેલા, દિનેશભાઈ ગોહેલ, રામભાઈ પરમાર વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
આ અવસરે મેયર ડો.પ્રદિપ ડવે જણાવ્યું હતું કે સ્વચ્છતામાં કામદારોનું ખુબ મોટું યોગદાન હોય છે. તંત્ર દ્વારા પણ સફાઈ કામદારોને તેઓની કામગીરી બદલ સ્વચ્છતા એવોર્ડ આપવામાં આવે છે. હાલમાં રાજકોટ સ્વચ્છતા સર્વેક્ષણમાં સાતમાં ક્રમે છે તે આગામી સમયમાં 1 થી 3 ના ક્રમે આવે તે માટે પ્રમાણિકતાથી અને પુરા ખંતથી ફરજ બજાવવા અપીલ કરી હતી. જે સંસ્થા નોકરી આપે તે આપણી માતૃ સંસ્થા ગણાય જેથી શ્રેષ્ઠ કામગીરી કરી સંસ્થાનું ઋણ ચુકવવું જોઈએ.તેમ જણાવી તેમણે કર્મચારીઓનું આરોગ્ય સારું રહે તેવી શુભેચ્છા આપી હતી.