અમદાવાદ, તા.26
મુંબઈ ઈન્ડિયન્સ અને ગુજરાત ટાઈટન્સ પાસે આઈપીએલના ફાઈનલમાં જગ્યા બનાવવા માટે આજે અંતિમ તક છે. આજે જ્યારે ક્વોલિફાયર-2માં આ બન્ને ટીમો આમને-સામને થશે ત્યારે તેમનો લક્ષ્યાંક જીત મેળવી ફાઈનલમાં જગ્યા બનાવવા પર રહેશે. રોહિત અને હાર્દિક પંડ્યા સારી રીતે જાણે છે કે તેમને આ વર્ષે હવે બીજી તક મળવાની નથી આવામાં આ મુકાબલો અત્યંત રોમાંચક બની રહેશે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર રમાનારી આ મેચમાં હારનારી ટીમના અભિયાનનો અંત આવશે અને જીતનારી ટીમ ટ્રોફી માટે રવિવારે ચેન્નાઈ સુપરકિંગ્સ સામે ટકરાશે.
મુંબઈએ એલિમિનેટરમાં ફાસ્ટ બોલર આકાશ મધવાલની વેધક બોલિંગથી લખનૌ ઉપર મોટી જીત હાંસલ કરી છે જેના કારણે તેનું મનોબળ વધી ગયું છે. મધવાલે પાંચ રન આપીને પાંચ વિકેટ મેળવી છે. ટીમને ફરી તેની પાસે ઉમદા પ્રદર્શનની આશા રહેશે. જસપ્રીત બુમરાહ અને જોફ્રા આર્ચર જેવા દિગ્ગજ ખેલાડીઓની ગેરહાજરી છતાં મુંબઈની આ મોટી જીત ગુજરાત માટે ખતરાની ઘંટડી છે. મુંબઈનું આ સીઝનમાં પ્રદર્શન ઉતાર-ચડાવયુક્ત રહ્યું છે પરંતુ હવે લાગે છે કે તેની ટીમ યોગ્ય સમયે પોતાના સર્વશ્રેષ્ઠ ફોર્મમાં પરત ફરી છે.
કેમરન ગ્રીન, સૂર્યકુમાર યાદવ અને ટીમ ડેવિડે અત્યાર સુધી પડકારોનો સારી રીતે સામનો કર્યો છે. તેના ઉપરાંત યુવા બેટર નેહલ વઢેરા પણ પોતાનો પ્રભાવ છોડી રહ્યા છે. રોહિત શર્મા અને ઈશાન કિશનની ઓપનિંગ જોડી પણ પોતાની ભૂમિકા ભજવી રહી છે જેના કારણે ટીમ પોતાના છઠ્ઠા ખીતાબ તરફ મજબૂતિથી આગળ વધી રહી છે. આ બેટરો સામે ગુજરાતના બોલરોની અગ્નિપરીક્ષા થઈ જો જેની આગેવાની ફાસ્ટ બોલર મોહમ્મદ શમી કરી રહ્યો છે.
મુંબઈના અન્ય બોલરોમાં અનુભવી લેગ સ્પીનર પિયુષ ચાવલાની ફિરકી પણ ખૂબ ચાલી રહી છે. ફાસ્ટ બોલર જેસન બેહરેનડૉર્ફએ પણ પોતાની બોલિંગથી સૌને પ્રભાવિત કર્યા છે. ગુજરાત પ્રથમ ક્વોલિફાયરમાં ધોનીની ચેન્નાઈ સામે પરાજય ખમ્યા બાદ આજે ઉતરશે. તેણે સળંગ બીજી વખત ફાઈનલમાં જગ્યા બનાવવા માટે પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવું પડશે.
ગુજરાતના તમામ ખેલાડીઓએ અત્યાર સુધી મહત્ત્વનું યોગદાન આપ્યું છે. બેટિંગમાં શુભમન ગીલ અને વિજય શંકરે શાનદાર પ્રદર્શન કર્યું છે. ગીલ ચેન્નાઈ વિરુદ્ધ અપેક્ષિત પ્રદર્શન ન્હોતો કરી શક્યો પર લીગ સ્ટેજની અંતિમ બે મેચમાં સદી બનાવનારો ગીલ મુંબઈ માટે સૌથી મોટો પડકાર રહેશે. ગીલે બેટિંગની જવાબદારી બખૂબી રીતે સંભાળી રાખી છે.
મુંબઈની નજર સાતમા ફાઈનલ ઉપર
રોહિત શર્માની ટીમ મુંબઈની નજર ત્રણ વર્ષ બાદ પહેલાં જ્યારે કુલ સાતમા ફાઈનલ પર ટકેલી હેશે. ટીમ છ વખત ફાઈનલમાં પહોંચી છે અને માત્ર એક વખત હારી છે. ફાઈનલમાં તેને એકમાત્ર હાર 2010માં ચેન્નાઈ વિરુદ્ધ મળી હતી. આ પછી તે જ્યારે પણ ફાઈનલમાં પહોંચી છે એટલે ચેમ્પિયન જ બની છે.
ડુપ્લેસીસ કરતાં આગળ નીકળવાની ગીલ પાસે તક
ગુજરાત વતી રમતો શુભમન ગીલ અત્યારે શાનદાર ફોર્મમાં છે. તે અત્યાર સુધી 15 મેચમાં 722 રન બનાવી ચૂક્યો છે. તે સૌથી વધુ રન બનાવનારા બેંગ્લોરના કેપ્ટન ફાફ ડુપ્લેસિસ (730 રન)થી માત્ર આઠ રન દૂર છે. આ મેચમાં જો તે આઠ રન બનાવશે તો ડુપ્લેસિસ પાછળ છૂટી જશે. ગીલે 55.53ની સરેરાશ અને 149.17ના સ્ટ્રાઈક રેટથી આટલા રન બનાવ્યા છે જેમાં બે સદી અને ચાર ફિફટી સામેલ છે.
આ ખેલાડીઓ પર રહેશે સૌની નજર
મુંબઈ
સૂર્યકુમાર યાદવ | 15 મેચ | 544 રન | એક સદી | ચાર ફિફટી |
ઈશાન કિશન | 15 મેચ | 454 રન | 0 સદી | ત્રણ ફિફટી |
પીયુષ ચાવલા | 15 મેચ | 21 વિકેટ | 22/3 સર્વશ્રેષ્ઠ | 58 ઓવર |
બેહરેનડૉર્ફ | 11 મેચ | 14 વિકેટ | 23/3 સર્વશ્રેષ્ઠ | 38 ઓવર |
ગુજરાત
વિજય શંકર | 12 મેચ | 301 રન | 0 સદી | 3 ફિફટી |
રિદ્ધિમાન સાહા | 15 મેચ | 299 રન | 0 સદી | 1 ફિફટી |
મોહમ્મદ શમી | 15 મેચ | 26 વિકેટ | 11/4 સર્વશ્રેષ્ઠ | 59 ઓવર |
રાશિદ ખાન | 15 મેચ | 25 વિકેટ | 30/4 સર્વશ્રેષ્ઠ | 60 ઓવર |
ગુજરાત ફાઈનલમાં પહોંચશે તો રચાશે ઈતિહાસ
આજે મુંબઈ-ગુજરાત વચ્ચે ક્વોલિફાયર-2 મુકાબલો રમાવાનો છે ત્યારે તેમાં જો જીત મેળવીને ગુજરાત ફાઈનલમાં પહોંચશે તો ઈતિહાસ રચાઈ જશે. આઈપીએલ ફાઈનલમાં ચેન્નાઈ સુપરકિંગ્સ પહોંચી ગઈ છે. જો ગુજરાત ટીમ ફાઈનલમાં પહોંચે છે તો ટૂર્નામેન્ટના ઈતિહાસનો એક તોફાની રેકોર્ડ નોંધાશે. આ રેકોર્ડ ઓપનિંગ મેચ અને ફાઈનલ સાથે જોડાયેલો છે. આઈપીએલના ઈતિહાસમાં અત્યાર સુધી ઓપનિંગ (પ્રથમ) મેચ રમનારી બન્ને ટીમો એ જ સીઝનના ફાઈનલમાં નથી પહોંચી. આ સીઝનનો પ્રથમ મેચ ચેન્નાઈ-ગુજરાત વચ્ચે અમદાવાદમાં જ રમાયો હતો અને તેમાં ગુજરાતે પાંચ વિકેટે જીત મેળવી હતી. જો બન્ને ટીમો ફરી ફાઈનલમાં ટકરાય છે તો ચેન્નાઈ એ હારનો બદલો લેવાની સાથે જ પાંચમી વખત ખીતાબ જીતવાના ઈરાદે મેદાને ઉતરશે.
આઈપીએલ ઓપનિંગ મેચ સાથે જોડાયેલા ખાસ આંકડા
► અત્યાર સુધી માત્ર પાંચ વખત (2011, 2014, 2015, 2018, 2020) પહેલી મેચ રમનારી ટીમ ચેમ્પિયન બની
► માત્ર ત્રણ વખત (2011, 2014, 2018) પહેલી મેચ જીતનારી ટીમ ચેમ્પિયન બની
► માત્ર બે વખત (2015, 2020) પહેલી મેચ હારનારી ટીમ ચેમ્પિયન બની, બન્ને વખત આ કારનામું મુંબઈએ કર્યું છે