નવીદિલ્હી, તા.26
બીસીસીઆઈ સચિવ જય શાહે મહત્ત્વપૂર્ણ નિવેદન આપતાં કહ્યું કે, એશિયા કપના આયોજન સ્થળનો નિર્ણય આઈપીએલ ફાઈનલ બાદ મળનારી બેઠકમાં લેવામાં આવશે. આ બેઠકમાં એશિયન ક્રિકેટ કાઉન્સીલ (એસીસી)ના ટોચના પદાધિકારીઓ પણ ભાગ લેશે. આ વર્ષે એશિયા કપની યજમાનીનો અધિકાર પાકિસ્તાન પાસે છે પરંતુ ભારતીય ક્રિકેટ ટીમ કેન્દ્ર સરકારની પરવાનગી વગર પાડોશી દેશ પાકિસ્તાનની યાત્રા કરી શકે તેમ નથી.
આવામાં પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી)ના પ્રમુખ નઝમ સેઠીએ એક ‘હાઈબ્રિડ મોડેલ’નો પ્રસ્તાવ રાખ્યો છે જેના ચાર મેચનું આયોજન પાકિસ્તાનમાં થઈ શકે છે અને ભારત પોતાની મેચ ન્યુટ્રલ વેન્યુ ઉપર રમી શકે છે. જો કે નઝમ સેઠીને આઈપીએલ ફાઈનલ માટે ઔપચારિક રીતે આમંત્રિત કરવામાં આવ્યા છે કે નહીં તેની સ્પષ્ટતા થઈ શકી નથી.
જય શાહે કહ્યું કે, હજુ સુધી એશિયા કપના આયોજન સ્થળને લઈને નિર્ણય લેવાયો નથી. અમે અત્યારે આઈપીએલમાં વ્યસ્ત છીએ પરંતુ શ્રીલંકા ક્રિકેટ, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડના ટોચના પદાધિકારી આઈપીએલ ફાઈનલ જોવા માટે આવી રહ્યા છે એટલા માટે મેચ બાદ અમે એશિયા કપના આયોજન સ્થળ અંગે ચર્ચા કરીે યોગ્ય સમયે નિર્ણય કરશું.
ઉલ્લેખનીય છે કે, એશિયા કપનું આયોજન આ વર્ષે 1થી 17 સપ્ટેમ્બર સુધી થવાનું છે. આ ટૂર્નામેન્ટમાં ભારત, પાકિસ્તાન, શ્રીલંકા, નેપાળ, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન રમશે. ગ્રુપ-1માં ભારત, પાકિસ્તાન, નેપાળ સામેલ છે તો ગ્રુપ-2માં શ્રીલંકા, બાંગ્લાદેશ અને અફઘાનને સામેલ કરવામાં આવ્યા છે.