નવીદિલ્હી, તા.26
ટીમ ઈન્ડિયાના દિગ્ગજ બેટર વિરાટ કોહલીના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર 25 કરોડ (250 મિલિયન) ફૉલોઅર્સ થઈ ગયા છે. તે ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આટલા વધુ ફૉલોઅર્સ ધરાવતો પ્રથમ એશિયન છે.
એશિયામાં ઈન્સ્ટાગ્રામ પર સૌથી વધુ ફૉલો થનારા લોકોની યાદીમાં બીજા નંબરે ઈઝરાયલની અભિનેત્રી ગૈલ ગૈડટ 10.3 કરોડ (103 મિલિયન) અને ત્રીજા ક્રમે થાઈલેન્ડની મ્યુઝિશિયન લીસા 9.4 કરોડ (94 મિલિયન છે)
કોહલી ઈન્સ્ટાગ્રામ ઉપર 25 કરોડ ફૉલોઅર્સના આંકડાને સ્પર્શ કરનારો ત્રીજો ખેલાડી છે. પહેલાં નંબરે પોર્ટુગલનો ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો (585 મિલિયન) અને બીજા ક્રમે આર્જેન્ટીનાનો લિયોનેલ મેસ્સી (461 મિલિયન) છે. તેના પહેલાં કોહલી ઈન્સ્ટાગ્રામ ઉપર 100 મિલિયન ફૉલોઅર્સ પૂર્ણ કરનારો પ્રથમ ભારતીય પણ હતો.
ઈન્સ્ટાગ્રામ ઉપર ઓવરઓલ ફોલોઅર્સ મામલે કોહલી 16મા ક્રમે છે. આ મામલે ખુદ ઈન્સ્ટાગ્રામના સૌથી વધુ 631 મિલિયન ફૉલોઅર્સ છે. ભારતમાં ફોલોઅર્સ મામલે વિરાટ ટોચ પર છે. પ્રિયંકા 87.6 મિલિયન ફૉલોઅર્સ સાથે બીજા અને શ્રદ્ધા કપૂર 80.8 મિલિયન ફૉલોઅર્સ સાથે ત્રીજા ક્રમે છે.
ઉલ્લેખનીય છે કે કોહલી આઈપીએલમાં આ વખતે ગજબ ફોર્મમાં રમ્યો હતો. તેણે 14 મેચમાં 639 રન બનાવ્યા હતા જેમાં બે સદી પણ સામેલ છે. આઈપીએલ પહેલાં કોહલીએ ઑસ્ટ્રેલિયા વિરુદ્ધ સદી બનાવીને ટેસ્ટ ક્રિકેટમાં પોતાની સદીના દુકાળને પણ પૂર્ણ કર્યો હતો. અત્યારે તે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના ફાઈનલ માટે લંડનમાં છે.