રાજકોટ તા.26 : દેશ-વિદેશમાં કેરીનાં શોખીનોમાં સૌથી લોકપ્રિય કેસર કેરીને 89 ર્વે પુરા થયા છે 25 મે 1934 ના રોજ જુનાગઢનાં નવાબ મહબતખાન દ્વારા નામકરણ કરવામાં આવ્યું હતું. મહત્વની વાત એ છેકે કેસર કેરીનો પ્રથમ વખત સ્વાદ ચાખતાની સાથે જ નવાબ એટલા પ્રભાવીત થયા હતા કે બગીચાનાં માળીના પગારમા-3 રૂપિયામાં વધારો કરી દીધો હતો.
કેસર કેરીને લગતી કેટલીક અન્ય રસપ્રદ વિગતો પણ બહાર આવી રહી છે. જુનાગઢનાં નવાબનાં વઝીર શેલભાઈ ઈદી વંથલી નજીક આંબાનો નાનકડો બગીચો ધરાવતા હતા. તેમના અમુક મિત્રોએ સાહેબને પણ પાકી કેરી મોકલી હતી જેને પગલે શેખ દ્વારા કેરીને શેલભાઈની આઝાદી નામ આપવામાં આવ્યું હતું. રસપ્રદ વાત એ છે કે શેલભાઈએ ઉછેરેલા 155 વર્ષ જુના આંબામાં હજુ કેરી આવે છે તલાલા નજીકનાં ગામમાં આ આંબો છે.
કેસર કેરીનો ઈતિહાસ ચકાસવામાં આવે તો કેરીના સ્વાદનો ચસ્કો લાગી જવાને પગલે જુનાગઢના નવાબે બગીચાનાં સુપ્રિન્ટેન્ડન્ટ અયંગરને કેરીના અભ્યાસ માટે ભારતના વિવિધ ભાગો ઉપરાંત ઈન્ડોનેશીયા, મલેશીયા, સિંગાપોર તથા ચીન પણ મોકલ્યા હતા. આ વિદેશ પ્રવાસ પાછળ 534 રૂપિયાનો ખર્ચ થયો હતો. જોકે કેસર જેવો સ્વાદ અન્ય કયાંય માલુમ પડયો ન હતો.
આ પછી તેઓએ માંગરોળમાં પહોંચીને અભ્યાસ કર્યો હતો અને 75 આંબા વાવ્યા હતા. ત્રણ વર્ષે ફળ મળવા લાગ્યા હતા. જે નવાબને પહોંચાડવામાં આવ્યા હતા.જુનાગઢ કૃષિ યુનિવર્સીટીનાં પ્રો.ડી.કે.વરૂના કહેવા પ્રમાણે કેરીનાં સ્વાદથી પ્રભાવીત થઈને જુનાગઢનાં નવાબે જ તેનું નામ કેસર પાડયુ હતું.1935 માં જુનાગઢમાં દેશભરની કેરીનો મેગા શો યોજવામાં આવ્યો હતો અને માં કેસરને પ્રથમ ઈનામ મળ્યુ હતું. તબકકાવાર વંથલી, માંગરોળ, ચોરવાડ, તાલાલા, માળીયા, ઉના, વિસાવદર, માણાવદર તથા ધારીમાં પણ આંબાનાં બગીચા ઉભા થવા લાગ્યા હતા.