મોરબી સહિતના 22 નગરોને મહાનગરપાલિકા મળશે : પ્રમુખોના કાંડા કાપીને ચીફ ઓફિસરોની સત્તા વધારાશે

26 May 2023 11:18 AM
Morbi Saurashtra
  • મોરબી સહિતના 22 નગરોને મહાનગરપાલિકા મળશે :  પ્રમુખોના કાંડા કાપીને ચીફ ઓફિસરોની સત્તા વધારાશે

કોર્પો.ના દરજ્જા માટે શકયતા ચકાસતી સરકાર : વહીવટી વડાઓને વધુ સત્તાઓ આપવા માટે સમિતિની રચના

રાજકોટ, તા.26 : રાજયની ઘણી પાલિકાને હવે ટુંકા સમયમાં મ્યુનિ. કોર્પોરેશનનો દરજજો મળે તેવી આશા વધુ પ્રબળ બની રહી છે. છેલ્લા ઘણા વર્ષોથી મોરબી સહિતની નગરપાલિકાને કોર્પોરેશનનો દરજજો મળે તે માટે સ્થાનિક નેતાઓ જોર લગાવી રહ્યા છે. હવે સરકાર રાજયના 22 નગરોને મહાનગરપાલિકાનો દરજજો આપવા શકયતાઓ તપાસી રહી છે. રાજય સરકાર દ્વારા ગયા અઠવાડિયે કેવડિયા કોલોની ખાતે યોજાયેલ 3 દિવસની 10મી ચિંતન શિબિરમાં શહેરી વિકાસ ક્ષેત્રે મહત્વના મુદાઓની ચર્ચા થઇ હતી.

જેમાં રાજયની નગરપાલિકાઓમાં ચીફ ઓફિસર તરીકે ઓળખાતા વહીવટી વડાઓને વધુ સત્તા આપવાની ચર્ચા પણ થઇ હતી. જે માટે ઉચ્ચ અધિકારીઓની સલાહકાર સમિતિ બનાવવામાં આવી છે. ઉપરાંત 22 નગરોની વસતી 3 લાખ ઉપર થઇ ગઇ હોવાથી હાલના નિયમ મુજબ મહાનગરનો દરજજો મળવાપાત્ર હોવાથી તે દિશામાં પણ ચર્ચા થઇ હતી. આવતા દિવસોમાં શહેરી વિકાસ ક્ષેત્રે મહત્વના ફેરફારો આવી રહ્યા છે.પ્રાદેશિક નગરપાલિકા કમિશ્નરોને ચીફ ઓફિસરોની જે તે ઝોનમાં બદલીની સત્તા આપવા રજુઆત થઇ હતી. મહાનગરોમાં કમિશ્નર પાસે વિશાળ સત્તા છે પરંતુ નગરપાલિકામાં ચીફ ઓફિસર પાસે એકદમ મર્યાદિત સતા છે. નગરપાલિકાઓમાં પ્રમુખ પાસે વધારે સતા છે

તેમાં ફેરફાર કરી સરકાર ચીફ ઓફિસરોને વધુ સતા આપવા માંગે છે. પ્રમુખ હસ્તકની કેટલીક સતામાં કાપ મુકાય તેવી શકયતા છે. ચીફ ઓફિસરોની સતા વધારવા માટે સૂચનો-અભિપ્રાયો મેળવવા સરકારે નગરપાલિકા ક્ષેત્રના વર્ગ-1ના 4 અને વર્ગ-2ના પાંચ અધિકારીઓની સમિતિ બનાવી છે. જેમાં નરેશ પટેલ, સંજય સોની, રૂદ્રેશ હુદડ, નીતિન બોડાત, સતિષ એન. પટેલ અને રૂપલ ખેતિયાનો સમાવેશ થાય છે. મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, ભરૂચ, વાપી, નડિયાદ સહિત 22 નગરોની વસતી 3 લાખથી વધુ થઇ ગઇ છે. તેથી આવી 22 અથવા તે પૈકી સૌથી વધુ વસ્તી ધરાવતી કેટલીક નગરપાલિકાઓને મહાનગરપાલિકાનો દરજજો આપવાની શકયતા સરકાર તપાસી રહ્યાની વિગતો સપાટી પર આવી રહી છે.


Related News

Advertisement
Advertisement