રાજ્ય સરકારનાં કર્મચારીઓને સાતમા પગાર પંચ મુજબનાં લાભો આપવા મહામંડળની માંગ

26 May 2023 11:25 AM
Ahmedabad Gujarat
  • રાજ્ય સરકારનાં કર્મચારીઓને સાતમા પગાર પંચ મુજબનાં લાભો આપવા મહામંડળની માંગ

રાજ્ય કર્મચારી મહામંડળ દ્વારા મુખ્યમંત્રી, નાણામંત્રીને પત્ર પાઠવી રજૂઆત કરાઇ

ગાંધીનગર, તા.26
ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ દ્વારા રાજયના કર્મચારીઓને સાતમા પગાર પંચ મુજબ બાકી રહેતા લાભો જેવા કે, એલટીસી, મુસાફરી- દૈનિક ભથ્થું, ચાર્જ એલાઉન્સ, વતન પ્રવાસ ભથ્થા, બદલી વળતર ભથ્થા વગેરે આપવા અંગે મુખ્યમંત્રી, નાણામંત્રી, મુખ્ય સચિવને પત્ર લખીને રજૂઆત કરવામાં આવી છે.

ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળના પ્રમુખ સતિશ પટેલ અને મહામંત્રી ભરત ચૌધરી દ્વારા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાણામંત્રી કનુભાઈ દેસાઇ, મુખ્ય સચિવ રાજકુમાર, નાણાં વિભાગના અધિક મુખ્ય સચિવ જે. પી. ગુપ્તા અને નાણાં વિભાગના અગ્ર સચિવ (આર્થિક બાબતો)ને પત્ર લખવામાં આવ્યા છે. જેમાં રાજ્ય કર્મચારી મહામંડળ દ્વારા એવી રજૂઆત કરવામાં આવી છે કે, કેન્દ્ર સરકારના ધોરણે રાજ્ય સરકારના અધિકારી-કર્મચારીઓને પગારપંચ તેમજ અન્ય લાભો લાગુ પાડવાનું રાજ્ય સરકારે સૈદ્ધાંતિક રીતે સ્વીકારેલું છે. કેન્દ્ર સરકાર દ્વારા સાતમાં પગારપંચ મુજબના તમામ નિયત કરેલા લાભો જેવા કે, એલટીસી, મુસાફરી-દૈનિક ભથ્થું, ચાર્જ એલાઉન્સ, વતન પ્રવાસ ભથ્થું, બદલી વળતર ભથ્થું વગેરે તા. 1-1-2016થી આપવામાં આવે છે.

કર્મચારી મહા મંડળ દ્વારા વધુમાં જણાવાયું છે કે, ઉક્ત પૈકીનાં મોટાભાગના લાભો મોટાભાગના રાજ્યોએ પણ કેન્દ્ર સરકારના ધોરણે તેમના કર્મચારીઓને આપ્યા છે. જ્યારે આર્થિક રીતે સમૃદ્ધ એવા ગુજરાતના કર્મચારીઓને હજુ પણ છઠ્ઠા પગારપંચ મુજબ આ તમામ લાભો ચૂકવાય છે. ત્યારે ગુજરાતનાં કર્મયોગીઓને આ લાભોથી વંચિત રાખવા જરાપણ ઉચિત નથી.

તેમણે વધુમાં જણાવ્યુ છે કે, ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ તથા ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચાના આંદોલન સમયે થયેલા સમાધાનમાં સાતમા પગારપંચના તમામ લાભો કેન્દ્રના ધોરણે આપવાનું ચર્ચાએલું હતું. પરંતુ એચઆરએના નિયત કરેલા લાભો પણ કેન્દ્રમાં નક્કી કરેલા ધારાધોરણો મુજબ ન આપતાં ફક્ત એક નિયત દર નક્કી કરાયેલો છે. પરંતુ કેન્દ્ર મુજબ જેમ મોંઘવારી 25% વધે તેમ તેમ આ નિયત દરમાં 3:2:1 ના પ્રમાણમાં વધારો કરાય છે. જ્યારે પરિવહન ભથ્થાં પર કેન્દ્રમાં મોંઘવારી ભથ્થું ચૂકવાય છે. જે ગુજરાત રાજ્યના કર્મચારીઓને ચૂકવાતું નથી. આ બાબતમાં થયેલી વિસંગતતાઓને દૂર કરવા માટે મહામંડળ દ્વારા રજૂઆત પણ કરાઇ છે. તો સરકાર દ્વારા વહેલી તકે આ લાભો રાજ્યના કર્મયોગીઓને ચુક્વવામાં આવે તેવી માંગણી કરાઇ છે.


Related News

Advertisement
Advertisement