રવિવારે માંગલિક-બંધારણીય પ્રસંગ: નવુ સંસદભવન ખુલ્લુ મુકાશે

26 May 2023 11:27 AM
India
  • રવિવારે માંગલિક-બંધારણીય પ્રસંગ: નવુ સંસદભવન ખુલ્લુ મુકાશે

► વિવાદો વચ્ચે પણ સમગ્ર સમારોહ ગૌરવપૂર્ણ બની રહેશે

► વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના હસ્તે ઉદઘાટન પુર્વે પુજા-અર્ચના સાથે ‘સેગોલ’ સ્થાપિત કરાશે: મુખ્ય સમારોહમાં મોદીનું સંબોધન: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનો સંદેશ પણ વાંચી સંભળાવશે ઉપરાષ્ટ્રપતિ

નવી દિલ્હી: રવિવારે સેન્ટ્રલ વિસ્ટામાં નવનિર્મિત સંસદ ભવનનો વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના હસ્તે પ્રારંભ થશે તે સમગ્ર સમારોહ એક જાજરમાન અને ભવ્યની સાથે માંગલીક-શુભપ્રસંગ પણ બની રહે તે ખાસ નિશ્ર્ચિત કરવામાં આવ્યું છે. સંસદભવનને ખુલ્લુ મુકવાનો પ્રથમ કાર્યક્રમ અહી મહાત્મા ગાંધીની પ્રતિમાની નીચે થશે.

મોદી સરકારે સવારે નવ વાગ્યાથી શરૂ થનાર આ કાર્યક્રમ બપોરના 3 વાગ્યા સુધી ચાલુ રહેશે તેવો સંકેત આપ્યો છે અને તેમાં મુખ્ય યજમાન ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ તથા લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા તથા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી નવા ભવનને ખુલ્લુ મુકશે તથા પુરી પુજા વિધિ બાદ તમામ મહાનુભાવો નવા સંસદ ભવનમાં પ્રવેશ કરશે. પુજા અને અનુષ્ઠાન બાદ લોકસભા અધ્યક્ષની ખુરશી પાસેજ પવિત્ર ‘સેગોલ’ સ્થાપિત કરશે. દેશની આઝાદી સમયે આ ‘સેગોલ’ જે સતાના હસ્તાંતરણના પ્રતિક તરીકે છે

તે છેલ્લા અંગ્રેજ શાસક બોર્ડ માઉન્ટબેટને દેશના પ્રથમ વડાપ્રધાન શ્રી જવાહરલાલ નહેરુને સુપ્રત કર્યો હતો જે બાદમાં તામિલનાડુના એક મ્યુઝીયમમાં રખાયુ હતું અને તેના સ્થાન સમયે તેની ડિઝાઈન બનાવનાર મૂળ જૌહરી તથા તામિલનાડુના પુજારી મૌજૂદ રહેશે તથા પૂજા અર્ચના બાદ બપોરના 12 વાગ્યાથી સંસદભવનમાં રાષ્ટ્રગાન સાથે મુખ્ય સમારોહનો પ્રારંભ થશે. જેમાં વડાપ્રધાન સહિતના મહાનુભાવો હાજર હશે અને ઉપરાષ્ટ્રપતિ શ્રી જગદીપ ધનખડ એ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનો એક સંદેશ વાંચી સંભળાવશે.

આ પ્રસંગે વડાપ્રધાન શ્રી મોદી એક ખાસ ભાવ ટિકીટ તથા સિકકો પણ બહાર પાડશે અને તેઓ નવા ભવનના ઉદઘાટન સમારોહને સંબોધન પણ કરશે. આ સમારોહમાં વિપક્ષોના બહિષ્કાર વચ્ચે પણ બીજુ જનતાદળ, એઆઈએડીએમકે, ટીડીપી, આઈએમઆર કોંગ્રેસ તથા અન્ય નાના પક્ષો મૌજૂદ હશે. બહુજન સમાજ પક્ષ તથા અકાલીદળ પણ હાજર રહેશે.

તામિલનાડુના મહંત વડાપ્રધાનને સેંગોલ સુપ્રત કરશે
દેશની સંસદના નવા ભવનમા આઝાદી સમયે સતાના હસ્તાંતરણના પ્રતિક ‘સેંગોલ’ને સ્થાપિત કરવામાં આવશે. આ સેંગોલ તામિલનાડુના મહંત જે સ્થાનિક ભાષામાં ‘આધિનમો’ તરીકે ઓળખાય છે તેમાં આ સેંગોલ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીને સુપ્રત કરશે. આ સેંગોલના સ્થાન સ્થળે પણ ખાસ સ્થાપના વિધિ સવારે 7 વાગ્યે કરવામાં આવશે.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આવતીકાલથી બે દિવસ દિલ્હીમાં : સંસદ ભવનના લોકાર્પણમાં હાજરી આપશે
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આવતીકાલ તા.27 અને રવિવાર તા.28ના રોજ દિલ્હી જશે અને તેઓ શનિવારે યોજાનારી નીતિ આયોગની બેઠકમાં હાજરી આપશે તેમજ રવિવારે તેઓ નવા સંસદ ભવનના લોકાર્પણ કાર્યક્રમમાં પણ ઉપસ્થિત રહેશે. સોમવારે મુખ્યમંત્રી તેમના કાર્યાલય ખાતે મુલાકાતીઓને રાબેતા મુજબ મળશે.

ખાસ રૂા.75નો ચાંદી સહિત મિશ્ર ધાતુનો સિકકો તથા ટપાલ ટિકીટ બહાર પડશે
સંસદભવનના ઉદઘાટનને યાદગાર બનાવાશે
નવી દિલ્હી: દેશના નવા સંસદભવનને ખુલ્લુ મુકવાના સમારોહની યાદગીરી સ્વરૂપે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી ખાસ એક ટપાલ ટિકીટ તથા રૂા.75નો સિકકો પણ લોંચ કરશે. આ સિકકામાં 50% ચાંદી- 40% તાંબુ અને 5% નિકલ અને 5% જસતનું મિશ્રણ હશે. દેશના આઝાદીના અમૃત મહોત્સવ અને નવા સંસદભવનને ખુલ્લુ મુકવાના અવસરને આ રીતે સાંકળી લેવાશે.

તેના પર સંસદ ભવનની તસવીર હશે. 44 મી.મી. વ્યાસનો આ સિકકાનું વજન 35 ગ્રામ હશે જે કોલકતાની ટંકશાળમાં તૈયાર કરાયો છે. સિકકાના ઉપરના ભાગમાં મધ્યમાં અશોક સ્તંભનો સિંહ હશે. જેમાં વચ્ચે સત્યમેવ જયતે લખાયુ હશે અને તેના પર દેવનાગરી લીપીમાં ભારત અને અંગ્રેજીમાં ઈન્ડીયા લખાયેલું હશે અને ઉપરના પરિઘમાં હિન્દીમાં સંસદભવન લખાયુ હશે જે નીચે અંગ્રેજીમાં લખાયું હશે અને તેમાં રૂપિયાના સિમ્બોલ સાથે રૂા.75 લખાયું હશે. આજ રીતે એક ખાસ ટિકીટ પણ બહાર પડાશે.


Related News

Advertisement
Advertisement