ભાવનગરમાં પટેલ પરિવારની જમીન ઉપર કબ્જો જમાવનાર છ શખ્સોની ધરપકડ કરાઇ

26 May 2023 12:07 PM
Bhavnagar Crime
  • ભાવનગરમાં પટેલ પરિવારની જમીન ઉપર કબ્જો જમાવનાર છ શખ્સોની ધરપકડ કરાઇ

(વિપુલ હિરાણી) ભાવનગર, તા.26 : ભાવનગરના એરપોર્ટ રોડ, પટેલપાર્ક વિસ્તારમાં રહેતા પરિવારની રુવા ગામમાં આવેલ 9 વીઘા જમીન ઉપર ગેરકાયદે કબજો જમાવી જમીનનો કબજો છોડી દેવા હથિયારો બતાવી ધાકધમકી આપતા પોલીસે છ શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી તેને ઝડપી લીધા છે. પ્રાપ્ત વિગત મુજબ ભાવનગરના એરપોર્ટ રોડ, મહિલા કોલેજ પાસે આવેલ પટેલ પાર્ક, ગોવિંદ મુખીની ચાલીમાં રહેતા અને પાન-મસાલાનો ધંધો કરતા ધર્મેશભાઈ દામોદરભાઈ પટેલે ઘોઘારોડ પોલીસ મથકમાં એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે, રવા ગામમાં આવેલ સર્વે નં. 72 ખાતા નં. 379 ની 9 વિધા જમીનમાં તેઓ તથા તેમના માતા-પિતા અને ભાઈ ખાતેદાર હોય જેમાં ખેતી કામ કરે છે.

દરમિયાન ગત તા. 15/5 ના રોજ તેમના પિતા દામોદરભાઈ તેમની જમીન ખેડવા માટે ગયા ત્યારે તેમની જમીનમાં દાડીયા તરીકે વર્ષોથી કામ કરતા ચીથરભાઈ મંગાભાઈનો દીકરો રામા એ આવીને આ જમીન ભાગવી રાખવાની માંગણી કરતા દામોદરભાઈએ તેને ના પાડી હતી. જેથી રામો એકદમ ઉશ્કેલાઈ ગયો હતો અને હવે તમે આ જમીન ખેડી જુઓ, હું પણ જોઈ લઈશ એવી ધમકી આપી હતી. બીજા દિવસે ધર્મેશભાઈ તથા તેમના પિતા તેમની વાડીએ ગયા ત્યારે ત્યાં હાજર લાલાભાઇ અમરાભાઇએ હવે આ જમીન અમારી થઈ તમે અહીં દેખાતા નહીં તેમ કહીને ધમકી આપી હતી. આ ઉપરાંત તેમના દીકરા અંકુશ અને અભી પણ તેમના પાનના ગલ્લે આવીને ધમકી આપતા હતા.

ગઈકાલે સાંજે ધર્મેશભાઈ અને તેના પિતા તેમની વાડીએ ગયા ત્યારે ત્યાં પતરાની મોટી ઝૂંપડી બનાવી નાખવામાં આવી હતી અને જમીન ફરતે તાર ફેન્સીંગ કરવા માટેની સામાન પણ મૂકી દેવાયો હતો. દરમિયાન બે કારમાં આવેલા લાલાભાઇ અમરાભાઇ, તેનો દીકરો અભી, યુવરાજસિંહ જાડેજા, વિજય આલગોતર સહિતના એ લોખંડના પાઇપ, તલવાર,ધોકા સાથે રાખી ધર્મેશભાઈ તથા તેમના પિતાને હવે પછી અહીંયા આવ્યા તો જીવતા જવા નહિ દઈએ તેવી ધમકી આપી હતી. ઘોઘા રોડ પોલીસે લાલા અમરાભાઈ,અંકુશ લાલાભાઇ, અભી લાલાભાઇ,રામા ચીંથરભાઈ, યુવરાજ જાડેજા અને વિજય આલગોતર વિરુદ્ધ ગુનો નોંધી પાંચ આરોપીઓને ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી છે.


Related News

Advertisement
Advertisement