અલ્પેશ ઢોલરીયા રાજકોટ જિલ્લા ભાજપના અત્યાર સુધીના સૌથી ‘યુવા’ પ્રમુખ : ગોંડલને ફરી તક

26 May 2023 12:13 PM
Rajkot
  • અલ્પેશ ઢોલરીયા રાજકોટ જિલ્લા ભાજપના અત્યાર સુધીના સૌથી ‘યુવા’ પ્રમુખ : ગોંડલને ફરી તક

♦ રાજકોટ જિલ્લા ભાજપ સંગઠનમાં ફેરફારની એકાદ મહિનાથી ચાલતી રાજકીય અટકળો છેવટે સાચી પડી

♦ આવતીકાલે સવારે 9 વાગ્યે વિધિવત ચાર્જ સંભાળશે : અલ્પેશ ઢોલરીયાને એક જ દિવસમાં બે ખુશીના પ્રસંગ : પ્રમુખ પદ ઉપરાંત આજે બપોરે કોર્પોરેટ ગોંડલ યાર્ડનું ઉદ્ઘાટન : સંગઠનમાં અન્ય ફેરફારો વિશે હવે પછી નિર્ણય લેવાના નિર્દેશ

રાજકોટ, તા. 26
લોકસભાની ચૂંટણી પૂર્વે છેવટે રાજકોટ જિલ્લા ભાજપના સંગઠનમાં ફેરફાર કરવામાં આવ્યો હોય તેમ પ્રમુખ પદે મનસુખ ખાચરીયાને બદલાવીને યુવા નેતા અલ્પેશ ઢોલરીયાને કમાન સોંપવામાં આવી છે. અલ્પેશ ઢોલરીયા અત્યાર સુધીમાં રાજકોટ જિલ્લા ભાજપના પ્રમુખોમાં સૌથી યુવાન છે અને ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાનો અત્યંત વિશ્ર્વાસુ સાથીદારની છાપ ધરાવે છે. ગોંડલના માર્કેટ યાર્ડના પ્રમુખ છે.

રાજકોટ જિલ્લા ભાજપના સંગઠનમાં બદલાવ થવા વિશે છેલ્લા એકાદ મહિનાથી અટકળો ચાલી રહી હતી. પ્રદેશ નેતાગીરી દ્વારા ગઇકાલે બપોરે એકાએક નવા પ્રમુખની જાહેરાત કરી દેવામાં આવી હતી. લોકસભાની ચૂંટણીને હજુ એકાદ વર્ષ જેવો સમય છે. ચૂંટણી પૂર્વે સંગઠન ફેરબદલ અત્યારે જ કરવામાં આવે એ સ્વભાવિક હતું અને તે અંતર્ગત કેટલાક વખતથી રાજકીય અટકળો વ્યકત થઇ જ રહી હતી. મહત્વની વાત એ છે કે વિદાય લેતા પ્રમુખ મનસુખ ખાચરીયાની ટર્મને હજુ ત્રણ વર્ષ પૂર્ણ થયા ન હતા તે પૂર્વે જ તેમને બદલાવી નાખવામાં આવ્યા છે અને અત્યાર સુધીના યુવા પ્રમુખ તૈયાર અલ્પેશ ઢોલરીયાને કમાન સોંપવામાં આવી છે.

ગોંડલ તાલુકાના લીલાખા ગામમાં મુળ વતન ધરાવતા અલ્પેશ ઢોલરીયાએ ર01પમાં ગોંડલ તાલુકા યુવા ભાજપના સભ્ય તરીકે રાજકીય કારકીર્દીની શરૂઆત કરી હતી. તેજાબી વકતવ્ય તથા આગવી કુશળતા ધરાવતા અલ્પેશ ઢોલરીયાએ રાજકારણમાં ખુબ ઝડપી પ્રગતિ કરી હતી અને ગોંડલના તાલુકા ભાજપના પ્રમુખનો હોદ્દો હાંસલ કર્યો હતો.

ઉપરાંત જિલ્લા ભાજપના મંત્રી પદ પણ મેળવ્યું હતું. ગોંડલ ભાજપના મોવડી ગણાતા જયરાજસિંહ જાડેજાના અત્યંત વિશ્ર્વાસુ સાથીદાર બન્યા હતા. સહકારી ક્ષેત્રમાં પણ પગપેસારો કરીને વર્ષો સુધી ગોંડલ યાર્ડના ચેરમેન રહેલા જયંતિ ઢોલના સ્થાને તેઓ યાર્ડના પ્રમુખ બન્યા હતા. ગોંડલ યાર્ડને રાજયના સૌથી ટોચના યાર્ડ તરીકે વિકસીત કર્યુ હતું. સમગ્ર રાજયમાં ગોંડલ યાર્ડને પ્રથમ ક્રમાંકે પહોંચાડવા માટે અથાગ અને અસરકારક પ્રયત્નો કર્યા હતા. મગફળી, ડુંગળી, કપાસ કેરી જેવી કૃષિ પેદાશોમાં ગોંડલને અવ્વલ નંબરે પહોંચાડવામાં સિંહફાળો રહ્યો છે.

રાજકોટ જિલ્લા ભાજપના પ્રમુખ પદે વરણી થતા અલ્પેશ ઢોલરીયાને ગોંડલના ધારાસભ્ય ગીતાબા જયરાજસિંહ જાડેજા સહિતના આગેવાનોએ અભિનંદન આપ્યા હતા. જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે ફરી એક વખત ગોંડલને સ્થાન મળ્યું છે. અલ્પેશ ઢોલરીયાએ આજે ‘સાંજ સમાચાર’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આવતીકાલે સવારે 9 વાગ્યે રાજકોટ સ્થિત જિલ્લા ભાજપ કાર્યાલયે આવશે અને વિધિવત ચાર્જ સંભાળશે.

મહત્વની બાબત એ છે કે, એક જ દિવસે અલ્પેશ ઢોલરીયાને બે ખુશીના પ્રસંગ આવ્યા છે. ગોંડલ યાર્ડમાં આજે મોટો કાર્યક્રમ છે. યાર્ડનું નવીનીકરણ કરવા સાથે કોર્પોરેટ યાર્ડ બનાવવામાં આવ્યું છે. તેનું આજે બપોરે 4 વાગ્યે રાઘવજી પટેલ, કુંવરજી બાવળીયા, સહકારી નેતા અજય પટેલ સહિતના મહાનુભાવોના હસ્તે ઉદઘાટન થવાનું છે.


Related News

Advertisement
Advertisement