જસદણ,તા.26 : જળસંપત્તિ અને પાણી પુરવઠા, અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાને લગતી બાબતોના મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ જસદણ ખાતે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત તાલુકાના વિવિધ ગામોના ઘન કચરા વ્યવસ્થાપન માટેના મિની ટ્રેકટર તથા ઇ - રિક્ષાઓનું લોકાર્પણ કર્યું હતું.
આ પ્રસંગે વક્તવ્ય આપતા મંત્રી બાવળિયાએ તાલુકામાં ટુંક સમયમાં શરૂ થનારા વિવિધ રસ્તાઓના અને અન્ય વિકાસકાર્યોની રૂપરેખા આપતાં જણાવ્યુ હતું કે, વડાપ્રધાનશ્રીના સુંદર અને સ્વચ્છ ગામના વિઝનને સાકાર કરવા રાજ્ય સરકાર ગ્રામ પંચાયતને અદ્યતન સાધનો ફાળવે છે, તેમનો યોગ્ય રીતે ઉપયોગ થાય તે જોવાની સરપંચશ્રીઓ, આગેવાનો અને તલાટીઓની જવાબદારી છે. તેમણે વધુમાં કહ્યું હતું કે આપણા વિસ્તારની પાણીની જરૂરિયાતને પહોંચી વળવા અને જળસંચય માટે લગભગ 28 ગામોના તળાવ ઊંડા કરવાનું કાર્ય પૂરું થઈ ગયું છે,
અને 8 જેટલા તળાવો ઉંડા કરવાનું કામ ચાલુ છે. આદર્શ ગ્રામ બનાવવા માટે યુવા મંડળ, સખી મંડળ પણ આગળ આવે અને તમામ ગ્રામજનો પ્રતિબદ્ધ થાય તે માટે મંત્રીશ્રીએ અપીલ કરી હતી. જસદણ તાલુકા પંચાયત ખાતે યોજાયેલ આ કાર્યક્રમમાં વેરાવળ (સા), દોલતપર, જીવાપર, ઝૂંડાળા, રાણપરડા, જંગવડ, માધવીપુર, મદાવા, રાજાવડલા જામ, જૂના પીપરડા, કનેસરા વગેરે ગામો માટે 11 ઈ - રિક્ષાઓ તેમજ કનેસરા માટે 1 મિની ટ્રેકટરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
3.98 લાખના ખર્ચે મિની ટ્રેકટર તેમજ 1.99 લાખ પ્રતિ યુનિટના ખર્ચે 11 ઈ - રીક્ષા મળીને કુલ 25.92 લાખના ખર્ચે 15માં નાણાંપંચની ગ્રાન્ટમાંથી વસાવાયેલા આ સાધનોની ચાવી સંબંધિત ગામોના સરપંચોને આપીને મંત્રી કુંવરજીભાઇએ આ સાધનોનું લોકાર્પણ કર્યું હતું. જેનાથી જસદણ તાલુકાના ગામોમાં સ્વચ્છતા જાળવી શકાશે.
મહાનુભાવોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરાયા બાદ પ્રાંત અઘિકારી શ્રી રાજેશ આલએ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. આ કાર્યક્રમમાં તાલુકા પંચાયતના પદાધિકારીઓ, ગામના સરપંચશ્રીઓ, નગરપાલિકાના ચીફ ઓફિસર રાજુભાઈ શેખ, તાલુકા વિકાસ અધિકારી જી.એમ.રાઠોડ, મામલતદાર સંજયસિંહ અસવાર, જસદણ ભાજપ ઉપપ્રમુખ જયુભાઈ બોરીચા, સોનલબેન વસાણી, વિજયભાઈ રાઠોડ, નીમેશભાઈ શુકલ, યાર્ડના ડિરેક્ટર પ્રેમજીભાઈ રાજપરા તેમજ સંબંધિત અધિકારીઓ અને બહોળી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.