રાજકોટ,તા.26
‘આગામી ચૂંટણીમાં તું ફોર્મ ભરી જો’ કહી કાંગશીયાણીના પૂર્વ સરપંચ પર ચાર શખ્સોએ હુમલો કર્યો હતો. જ્યારે સામાપક્ષે પણ પૂર્વ સરપંચે બે યુવક પર હુમલો કરતાં સામસામી શાપર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી.
બનાવ અંગે ફરિયાદી રમેશભાઇ વાઘજીભાઈ પરમાર (ઉ.વ.46), (રહે.કાંગશીયાણી,લોધીકા) એ આરોપી તરીકે, તેજસ, વિપુલ, નીરજ અને જ્યેન્દ્ર પઢીયારના નામ આપી જણાવ્યું હતું કે, તેઓ બીલ્ડીંગ મટીરીયલ્સનો વેપાર કરે છે. તેઓ તેના ભાણેજ પ્રવીણભાઈ સાથે તા.24 રાત્રીના આઠેક વાગ્યાની આસપાસ વાડીએથી બાઇકમાં ઘરે આવતા હતાં.
ત્યારે હકુભા ચોક પાસે ગામના તેજસ પઢીયારે બોલાવતા તેઓ તેમની પાસે ગયેલ હતાં. દરમિયાન તેજસે કહેલ કે, તુ વાતો કરવાનું બંધ કરી દેજે અને તે આગામી સરપંચની ચૂંટણીમાં સરપંચનું ફોર્મ ભરતો નહી તેવી ધમકી આપી હતી. જેથી તેમને કહેલ કે, હું ચૂંટણીમાં ફોર્મ ભરવા માટે સ્વતંત્ર છે અને કોઇની વાતો કરતો નથી કહેતા તેજસ પરમાર ઉસ્કેરાઇ ગયેલ અને ગાળો આપી ઝપાઝપી કરવા લાગેલ દરમ્યાન વિપુલ પઢીયાર ,નીરજ પઢીયાર અને જ્યેન્દ્ર ઉર્ફે લાલો પઢીયાર પાઇપ લઈ ઘસી આવ્યા હતાં.
નીરજ અને જયેન્દ્રએ પકડી લીધેલ અને તેજસે માથાના પાઇપના બે ઘા ઝીંક્યા હતાં અને વિપુલે પડખાના ભાગે પાઇપ ઝીંકી દેતાં તેઓ નીચે પડી ગયા હતાં.તેમજ જયેન્દ્રએ ઢીકાપાટુનો મારમાર્યો હતો. તેમને બચાવવા વચ્ચે પડેલ તેના ભાણા પ્રવિનભાઈને પણ પાઈપના ઘા ઝીંક્યા હતાં. અને ચારેય શખસો હવે તુ ચૂંટણીમાં ફોર્મ ભરી જો કેમ તુ ફોર્મ ભરે છે તેમ કહી નાસી છૂટ્યા હતાં. બાદમાં ફરિયાદીને આંખમાં ગંભીર ઇજા પહોંચતા 108 મારફતે સારવારમાં રાજકોટ ખસેડયા હતાં.
સામાપક્ષે નીરજ કુમાર રાજેન્દ્રસિંહ પઢીયાર (રહે , કાંગશીયાણી, લોધીકા) એ જણાવ્યું હતું કે, તા.24ના કુળો ચોક પાસે તે તથા તનો નાનો ભાઇ તેજસભાઇ તથા હીતુભા તથા જયદ્રસિંહ સાથે ચા પીતા હતાં ત્યારે અગાઉ કાંગશીયાણી ગામના સરપંચ રમેશભાઇ પરમાર સાથે રાજપથ સોસાયટી ના પૈસા ઉઘરાવવા માટે મનદુખ ચાલતુ હોય જેથી તેના સમાધાન માટે ભેગા થયેલ હતાં. દરમિયાન ફરિયાદીના ભાઈ તેજસ અને રમેશ વચ્ચે બોલાચાલી થઈ હતી. બાદમાં રાત્રીના નવ વાગ્યાની આસપાસ પૂર્વ સરપંચ રમેશભાઇ પરમારનો મીસકોલ આવેલ જેથી સામે ફોન કરતા રમેશભાઇએ સમાધાન કરવા માટે યાકુભા ચોક ખાતે બોલાવેલ હતા.
દરમિયાન ફરિયાદી તેના ભાઈ તેજસ ધર્મેશ સાથે હકુભા ચોક ખાતે ગયેલ અને થોડીવાર બાદ રમેશ અને તેનો ભાણો પ્રવીણ રીક્ષા લઈને આવ્યા હતાં અને કહેલ કે, તમે બધા આઠેક વાગ્યાની આસપાસ શુ પાવર કરતા હતા કહી ગાળો આપવા લાગેલ અને લોખંડના સળીયાથી હાથમાં ઘા ઝીંકી દિધો હતો.
ફરિયાદીને બચાવવા વચ્ચે પડેલ વિપુલભાઇ પરમારને બંને શખ્સોએ સળિયાથી ફટકાર્યા હતાં. જે બાદ દેકારો મચી જતાં બન્ને શખસો નાસી છૂટ્યા હતા. જે બાદ ઇજાગ્રસ્તોને સારવારમાં રાજકોટ ખસેડાયા હતાં. બનાવ અંગેની સામસામી ફરિયાદ પરથી શાપર પોલીસ મથકના પીએસઆઇએ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.