ડીપ્લોમા ઈજનેરીની 32 હજાર બેઠકો ખાલી રહેશે

26 May 2023 12:30 PM
Ahmedabad Gujarat
  • ડીપ્લોમા ઈજનેરીની 32 હજાર બેઠકો ખાલી રહેશે

જીપેરી સહિતની નવી કોલેજોને મંજૂરી અપાતા બેઠકોની સંખ્યા વધીને 68500 થશે

અમદાવાદ તા.26
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ-2023માં લેવાયેલ ધો.10ની પરીક્ષાના ગઈકાલે જાહેર કરાયેલા પરિણામમાં એ-વન ગ્રેડમાં પાસ થનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં ખાસ્સો ઘટાડો થવા પામેલ છે. આ વખતે પણ ડીપ્લોમા ઈજનેરીની 40 ટકા બેઠકો ખાલી રહેવાની શકયતા છે.

ધો.10નું પરિણામ આવ્યા પહેલા જ ડિપ્લોમા ઈજનેરીમાં પ્રવેશ માટે રજિસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. ડિગ્રી ઈજનેરીમાં હાલમાં 68 હજાર બેઠકો ઉપલબ્ધ છે. ચાલુ વર્ષે જીટીયુ સાથે જોડાયેલી જીપેરીમાં પણ ડિપ્લોમા ઈજનેરી કોલેજ શરૂ થાય તેવી શકયતા છે. જેના કારણે અંદાજે 300 બેઠકોનો વધારો થશે.

આ જ રીતે અન્ય કોલેજ કે બ્રાન્ચમાં બેઠકો વધતાં કુલ 500 બેઠકોનો વધારો થતાં 68500 બેઠકો ઉપલબ્ધ થાય તેમ છે. ગત વર્ષે ડિપ્લોમા ઈજનેરીમાં અંદાજે 30 હજાર બેઠકો ખાલી પડી હતી. ડિપ્લોમા પ્રવેશ સમિતિના સૂત્રો કહે છે કે, ચાલુ વર્ષે પણ 30થી 32 હજાર બેઠકો ખાલી પડે તેમ છે. કારણ કે, રેન્કિંગ ધરાવતા વિદ્યાર્થીઓને ધો.11-12 કરવા માટે પ્રોત્સાહન આપવામાં આવતું હોય છે. આ વર્ષે રેન્કિંગમાં પણ ગત વર્ષ કરતા ઘટાડો નોંધાયો છે. સી-1, સી-2 અને ડીમાં પાસ થનારા વિદ્યાર્થીઓની સંખ્યા સૌથી વધુ છે.

સામાન્ય રીતે એવરેજ વિદ્યાર્થીઓ ધો.10 પછી ડિપ્લોમા ઈજનેરી કરે તે હિતાવહ હોવા છતાં જાગૃતિના અભાવના કારણે વિદ્યાર્થીઓ ધો.11-12માં પ્રવેશ મેળવી લેતા હોય છે. ડિપ્લોમા ઈજનેરી પૂર્ણ કર્યા બાદ વિદ્યાર્થીઓને ડિગ્રીમાં પ્રવેશ માટે બ્રાન્ચ બદલવાની મંજૂરી પણ આપી દેવામાં આવી છે. આ સ્થિતિમાં વિદ્યાર્થીઓ હવે એક બ્રાન્ચમાં ડિપ્લોમા કર્યા બાદ અન્ય બ્રાન્ચમાં ડિગ્રી ઈજનેરી પણ કરી શકે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. એક, બે કે ત્રણ માર્કશીટ ધરાવતા વિદ્યાર્થીઓ પણ ડિપ્લોમ ઈજનેરીમાં પ્રવેશ માટે લાયક ગણવામાં આવે છે.

આમ, પૂરક પરીક્ષામાં પાસ થયેલા વિદ્યાર્થીઓને પણ ડિપ્લોમા ઈજનેરીમાં પ્રવેશ આપવામાં આવતો હોવાથી વધુ બેઠકો ભરાઈ તેવી શકયતા છે. ડિપ્લોમા ઈજનેરીમાં વધુમાં વધુ વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવે તે માટે સમિતિ દ્વારા છેલ્લા કેટલાય સમયથી માર્ગદર્શન કાર્યક્રમ સહિતના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આમ છતાં ગત વર્ષે જેટલી જ 40 ટકા બેઠકો ખાલી રહે તેવી સ્થિતિ જોવા મળી રહી છે.


Related News

Advertisement
Advertisement