ઓસ્ટ્રેલિયાની વધુ બે યુનિવર્સિટીએ ગુજરાતના વિદ્યાર્થીઓ પર પ્રતિબંધ મુકયો

26 May 2023 12:34 PM
Gujarat India
  • ઓસ્ટ્રેલિયાની વધુ બે યુનિવર્સિટીએ ગુજરાતના વિદ્યાર્થીઓ પર પ્રતિબંધ મુકયો

♦ દર 4 માંથી 1 વિઝા અરજીમાં ફ્રોડ

♦ ગુજરાતના વિદ્યાર્થીઓ અધવચ્ચે જ અભ્યાસ છોડી જતા હોવાનું પણ કારણ

નવી દિલ્હી: વિઝા અરજીઓમાં ફ્રોડની નવેસરની ચિંતાને પગલે ઓસ્ટ્રેલિયાની વધુ બે યુનિવર્સિટીએ ગુજરાત સહિતના કેટલાંક રાજયના વિદ્યાર્થીઓના પ્રવેશ પર પ્રતિબંધ મુકયો છે. વિકટોરીયાની ફેડરેશન યુનિવર્સિટી અને ન્યુ સાઉથ વેલ્સની વેસ્ટર્ન સિડની યુનિવર્સિટીએ ગયા અઠવાડીયે એજયુકેશન એજન્ટોને પત્ર લખીને પંજાબ, હરિયાણા, ગુજરાત, ઉતરાખંડ અને ઉતરપ્રદેશ તેમજ જમ્મુ અને કાશ્મીરના વિદ્યાર્થીઓને પ્રવેશ ન આપવા સૂચના આપી હતી.

સિડની મોર્નિંગ હેરાલ્ડના રિપોર્ટ મુજબ દેશના ગૃહ વિભાગે દરેક ચારમાંથી એક અરજી ફ્રોડ જણાઈ છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ત્રણ દિવસની ઓસ્ટ્રેલિયાની મુલાકાત પહેલા આ પ્રતિબંધની જાહેરાત થઈ હતી. મોદીની મુલાકાત દરમિયાન બંને દેશોએ વિદ્યાર્થીઓ, ગ્રેજયુએટસ, સંશોધકો અને બિઝનેસમેનના એકસચેંજને પ્રોત્સાહન આપવા માટે માઈગ્રેશન એન્ડ મોબીલીટી પાર્ટનરશીપ સમજુતી પર હસ્તાક્ષર કર્યા હતા.

ફેડરેશન યુનિવર્સિટીએ 19મેએ એજન્ટોને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે ભારતના કેટલાંક રાજયોના વિદ્યાર્થીઓની અરજીઓને ગૃહ વિભાગે નકારી કાઢી હોય તેવા પ્રમાણમાં વધારો થયો છે. અમને આશા હતી કે આ ટુંકા ગાળાનો મુદ્દો સાબીત થશે, પરંતુ હવે તે સ્પષ્ટ છે કે એક ટ્રેન્ડ ઉભરી રહ્યો છે.

વેસ્ટર્ન સિડની યુનિવર્સિટીએ એજન્ટને પત્ર લખીને જણાવ્યું હતું કે તે પંજાબ, હરિયા અને ગુજરાતના વિદ્યાર્થીઓને ભરતી કરશે નહીં, કારણ કે 2022માં કોર્સ ચાલુ કરનારા ભારતીય વિદ્યાર્થીઓમાંથી મોટી સંખ્યામાં ડ્રોપ આઉટ થયા છે. ગુજરાત, હરિયાણા અને પંજાબના વિદ્યાર્થીઓમાં અભ્યાસ છોડીને જતાં રહેવાનો દર સૌથી ઉંચો રહ્યો છે. આ બાબતની એજન્સીને ધ્યાનમાં યુનિવર્સિટીએ ભારતમાં આ પ્રદેશોમાંથી ભરતીને તાકીદે થોભાવવાનો નિર્ણય લીધો છે.

ગયા મહિને, વિકટોરીયા યુનિવર્સિટી, એડીથ કોવાન યુનિવર્સિટી, ટોરેન્સ યુનિવર્સિટી અને સધર્ન ક્રોસ યુનિવર્સિટી સહિતની ઓસ્ટ્રેલિયન યુનિવર્સિટીઓએ કેટલાક ભારતીય રાજયોના વિદ્યાર્થીઓ પર પ્રતિબંધ અથવા નિયંત્રણો મુકયાં હતા.


Related News

Advertisement
Advertisement