નવી દિલ્હી તા.26
કેન્સર જેવી બિમારીઓ નોતરતા તમાકુ-સિગારેટનું વ્યસન અટકાવવા માટે સરકાર વધુ એક કદમ ઉઠાવવાની તૈયારીમાં છે. થિયેટર-ટેલીવિઝનની જેમ ઓટીટી પ્લેટફોર્મમાં પણ તમાકુ-સિગારેટ વિરોધી ચેતવણી-ડીસ્કલેઝર ફરજીયાત કરવામાં આવશે. આ માટે કેન્દ્ર સરકાર તુર્તમાં નિયમોમાં સુધારા કરશે.
સિગારેટ તથા અન્ય તમાકુ નિયમ 2004માં સૂચિત સુધારા અંતર્ગત તમાકુનું ચિત્રણ દર્શાવતી ઓનલાઈન પ્લેટફોર્મ કાર્યક્રમની શરૂઆત તથા અધવચ્ચે 30 સેક્ધડની તમાકુ વિરોધી ચેતવણી દર્શાવવી પડશે. તમાકુના દુષ્પ્રભાવની 20 સેકન્ડની કલીપ પણ દર્શાવવી પડશે. ઓટીટી પ્લેટફોર્મ પર વેબસીરીઝ અને ફિલ્મોમાં કોઈ ડીસ્કલેઝર વિના સિગારેટ-તમાકુનો વપરાશ બેરોકટોક દર્શાવાય છે.