થાનમાં વ્યાજખોરોના ત્રાસથી યુવાનનો આપઘાતનો પ્રયાસ

26 May 2023 12:42 PM
Surendaranagar
  • થાનમાં વ્યાજખોરોના ત્રાસથી યુવાનનો આપઘાતનો પ્રયાસ

(ફારૂક ચૌહાણ) વઢવાણ, તા.26 : સુરેન્દ્રનગર જિલ્લાના થાનમા વધુ એક વખત વ્યાજખોરોનો આંતક સામે આવ્યો છે. જેમાં થાનના યુવકને વ્યાજે પૈસા આપ્યા બાદ પઠાણી ઉઘરાણી કરવામા આવતા યુવકે ઝેરી દવા પી લઈ અને અને આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. જેમાં મળતી માહિતી અનુસાર સુરેન્દ્રનગર જિલ્લાના થાન પંથકમા રહેતા હરેશભાઈ નામના યુવકે ઝેરી દવા પી લઈ અને આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. થોડા સમય પહેલા 50,000 રૂપિયા વ્યાજવા લીધા હતા.

અને વ્યાજે લીધેલા પૈસા પરત ન આપી શકતા અને વ્યાજખોર દ્વારા સતત માનસિક ત્રાસ આપવામાં આવતો હોય અને ટોર્ચર કરવામાં આવતો હોવાના કારણે યુવાને ઝેરી દવા પી લઇ આત્મહત્યાનો પ્રયાસ કર્યા હોવાનું સગા સંબંધીઓ દ્વારા જણાવવામાં આવી રહ્યું છે. હાલમાં યુવકને પ્રાથમિક સારવાર માટે સરકારી હોસ્પિટલ બાદ વધુ સારવાર અર્થે રાજકોટ રીફર કરવામાં આવ્યો છે. ત્યારે આ ચકચારી ઘટનાના પગલે ફરી એક વખત સુરેન્દ્રનગર જિલ્લાના થાન પંથકમાં વ્યાજખોરોનો આંતક સામે આવ્યો છે. થાન અમરાપર રોડ ઉપર આવેલી એક સીરામીક ઉદ્યોગના કારખાનામાં ઝેરી દવા પી લઈ અને યુવક આપઘાતનો પ્રયાસ કરતા ચકચાર મચી જવા પામી છે.

ત્યારે આ મામલે હાલમાં પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. જોકે વ્યાજખોરો પઠાણી ઉઘરાણી કરતા સમયે યુવક પાસે રહેલા આધારકાર્ડ અને પાનકાર્ડ સહિતના ડોક્યુમેન્ટ પણ લઈ ગયા હોવાનું બહાર આવ્યું છે. ત્યારે થાન પંથકમાં યુવકને માનસિક ટોર્ચર આપવા મામલે ઝેરી દવા પીધી હોવાનું પરિવારજનો જણાવી રહ્યા છે. જોકે આ અંગે પોલીસ દ્વારા તપાસ કામગીરી હાથ ધરી અને આ વ્યાજખોર કોણ છે ? તેની સમગ્ર વિગત ઝેરી દવા પી લઈ આત્મહત્યા કરનારો યુવક ભાનમાં આવશે ત્યારબાદ જ સામે આવશે.


Advertisement
Advertisement