ગીરગઢડાનાં રસુલપરાની સીમમાં ભરબપોરે બે ખેડૂતો પર દીપડાનો હુમલો

26 May 2023 12:44 PM
Junagadh
  • ગીરગઢડાનાં રસુલપરાની સીમમાં ભરબપોરે બે ખેડૂતો પર દીપડાનો હુમલો

બંનેને હાથ-પગમાં ઈજા: બૂમાબૂમ કરી દીપડાથી મહામહેનતે છુટકારો મેળવ્યો: વન વિભાગે પાંજરૂ ગોઠવીકેદ કર્યો

ઉના,તા.26 : ગીરગઢડાના રસુલપરા ગામે દીપડાએ બે વ્યક્તિ પર જીવલેણ હુમલો કર્યો...ખૂંખાર દીપડા ગણતરીની કલાકમાં પાંજરામાં કેદ કર્યો હતો. ગીરજંગલ બોર્ડર નજીક આવેલ સીમ વાડી વિસ્તારમાં વન્યપ્રાણી અવાર નવાર આવી ચઢતા હોય છે. ત્યારે ગીરગઢડાના રસુલપરા ગામ જે ગીરજંગલ બોર્ડ નજીક આવેલ હોય આ ગામની સીમમાં ખેતી ધરાવતા ખેડૂત રામજીભાઇ ભીમાભાઇ બલદાણીયા તેમજ લગરભાઇ ખીમાભાઇ કલસરીયા બપોરના સમયે પોતાના ખેતરમાં આવેલ મકાન પાસે વડલા નીચે સુતા હોય

ત્યારે અચાનક દીપડો આવી ચઢતા પ્રથમ લગરભાઇ પર હુમલો કરતા રામજીભાઇએ હાકલા પડકારો કરતા તેના પર પણ દીપડાએ હુમલો કરી દેતા બન્ને રાડારાડ કરવા લાગતા હતા. અને દીપડો ત્યાંથી નાશી છુટ્યો હતો. આ ઘટનામાં બન્નેને માથામાં, હાથ પગના ભાગે ગંભીર ઇજા પહોચી હતી. આ ઘટનાની જાણ તેમના પરીવારજનોને તેમજ આજુબાજુના લોકોને થતા બન્ને ઇજાગ્રસ્તોને સારવાર માટે તાત્કાલીક બાઇક પર બેસાડી ગીરગઢડા સરકારી હોસ્પીટલે ખસેડવામાં આવ્યા હતા.

આ અંગેની જાણ વનવિભાગ કરાતા જશારેન્જના આર એફ ઓ એલબી ભરવાડ સહીતનો ફોરેસ્ટ સ્ટાફ તાત્કાલીક ઘટના સ્થળે દોડી ગયેલા અને આ વિસ્તારમાં પાંજરૂ ગોઠવી દેવામાં આવ્યુ હતું. જોકે હુમલાની ઘટનાની ગણતરીની કલાકોમાંજ ખૂંખાર દીપડો પાંજરામાં કેદ થઇ ગયેલ હતો. જેથી આ વિસ્તારના ખેડૂતોમાં ભય ફેલાઇ ગયેલ સાથે દીપડો પાંજરે પુરાતા રાહનો શ્વાસ લીધેલ હતો. અને ખૂંખાર દીપડાને જશાધાર એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવેલ છે.


Advertisement
Advertisement