(લીતેશ ચંદારાણા દ્વારા) વાંકાનેર તા.26 : વાંકાનેર તાલુકાના મોટા ભાજપરા ગામની સીમમાં સુપ્રીમ સિરામીકની પાછળ આવેલ ખેડુતોના કડબ રાખવાના વાડાઓમાં ગઈકાલે બપોરે એક વાગ્યાની આસપાસ અચાનક કોઈ કારણોસર ભયાનક આગ લાગી હતી, જેના કારણે થોડી જ વારમાં ખેડૂતોએ વાડામાં રાખેલ સુકી કડબ સહિતનો જથ્થો બળીને ખાખ થઈ ગયો હતો.
આ બનાવ અંગે પ્રાપ્ત વિગત મુજબ મોટા ભોજપરા ગામની સીમમાં સુપ્રીમ સીરામીકની બાજુમાં આવેલ ખેડૂતોના કડબ રાખવાના વાડામાં ગઈકાલે બપોરે પોણા એક વાગ્યાની આસપાસ અચાનક ભયાનક આગ લાગી હતી. જેમાં ત્યાં આજુબાજુમાં આવેલ ખેડૂતોના દસ કરતા વધુ જેટલા વાડાઓના એક સાથે આગ લાગવાથી ભયાનક દ્દશ્ય સર્જાયા હતા. જેમાં ખેડૂતોએ વાડામાં રાખેલ સુકી કડબ સહિતનો મોટાભાગનો જથ્થો બળીને ખાખ થઈ ગયો હતો. આ ઘટનામાં ફાયરબ્રિગેડે પાણીના મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી.