♦ મૃત્યુ થયાના કલાકો વીતી ગયા છતાં પરિવારે યુવકનો મૃતદેહ સ્વીકાર્યો નહીં:પોલીસ સ્ટાફ પર મેજીસ્ટેરીયલ ઈન્કવાયરી કરાશે
રાજકોટ,તા.26
શહેરના રજપુતપરા મેઈન રોડ પર આવેલી દુકાનમાંથી રૂા.1.82 લાખનો મુદ્દામાલ ચોરી કરવાના ગુનામાં પકડાયેલા આરોપી અનિલ જેન્તી ચારોલીયા (ઉ.વ.30 રહે. કુબલીયાપરા, ચારબાઈના મંદિર પાસે)એ ગઇકાલે સાંજે જયુબેલી પોલીસ ચોકીમાં પોતાના ગળામાં તિક્ષ્ણ હથિયારનો ઘા ઝીંકી દેતા તેમને હોસ્પિટલમાં લઈ જવાયો હતો પરંતુ તેમને સારવાર મળે તે પૂર્વે જ તેમનું મોત નીપજ્યું હતું.પોલીસ કસ્ટડીમાં બનેલી આ ઘટનાને પગલે એ-ડીવીઝન પોલીસ મથકમાં દોડધામ મચી ગઈ હતી.નિયમ મુજબ આ કેસની મેજીસ્ટેરીયલ ઈન્કવાયરી કરવામાં આવનાર હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.આ બનાવને કલાકો વીતી ગયા છતાં યુવકના મૃતદેહ પરિજનોએ હજુ સુધી સ્વીકાર્યો નથી.
વધુ વિગતો મુજબ,રજપુતપરા મેઈન રોડ પર આવેલી દિપક એન્ડ કંપની નામની દુકાનમાંથી ગઈ તા.20ના રોજ રાત્રે રૂા.1.82 લાખની કિંમતના સેનેટરીવેર અને બાથ ફિટીંગના સામાનની ચોરી થઈ હતી.જે અંગે દુકાનના માલીકે એ-ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.બનાવ અંગે પોલીસે ચોરીમાં સંડોવાયેલા આરોપી અનિલ અને તેના સાગરીત વિકકી ભીખુભાઈ તરેટીયા(ઉ.વ.23 રહે. દેવપરા)ને ઝડપી લીધા હતા.બંને આરોપીઓ સાઈકલ રેકડીમાં ચોરીનો મુદ્દામાલ લઈ નીકળ્યા હોવાની ચોકકસ માહિતીના આધારે બંને આરોપીઓને રામનાથપરાના ભાણજીદાદાના પુલ પાસેથી ઝડપી લીધાનું પોલીસે જાહેર કર્યું હતું. એટલું જ નહીં ચોરીનો તમામ મુદ્દામાલ પણ કબ્જે કર્યો હતો.
પોલીસમાંથી જાણવા મળ્યું હતું કે,ગઈકાલે સાંજે બંને આરોપીઓને તપાસના કામે જયુબેલી પોલીસ ચોકી લઈ જવાયા હતા.જયાં પીએસઆઈ ચૌહાણ ફરજ બજાવે છે.બંને આરોપીઓ નીચે બેઠા હતા. તે વખતે પોલીસ અન્ય કામમાં વ્યસ્ત હતી ત્યારે અચાનક અનિલે કોઈ તિક્ષ્ણ હથિયાર લઈ પોતાનું ગળું કાપી નાખતા જમીન પર લોહીનું ખાબોચિયું ભરાઈ ગયું હતું.જેના પગલે જયુબેલી ચોકીનો સ્ટાફ ડઘાઈ ગયો હતો.તુરંત અનિલને લોહીલુહાણ હાલતમાં સિવિલે લઈ જવાયો હતો જયાં તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.આ બનાવની જાણ થતાં જ એ-ડીવીઝનના ઇ.પીઆઈ જી.એન.વાઘેલા, એસીપી સહિતના અધિકારીઓ જયુબેલી ચોકી અને સિવિલ હોસ્પિટલ દોડી ગયા હતા
.અનિલે બ્લેડનો ઉપયોગ કર્યાની શકયતા પોલીસે દર્શાવી છે.આ ઘટનાને પગલે તુરંત જયુબેલી પોલીસ ચોકીને એફએસએલ તપાસ માટે સીલ કરી દેવામાં આવી છે.મૃતક અનિલ મૂળ વિરમગામનો વતની હતો.પત્ની સાથે મળી ભંગારની ફેરી કરતો હતો.તેઓને સંતાનમાં બે પુત્ર એક પુત્રી છે.તેમજ ત્રણ ભાઈમાં વચેટ છે.તેણે કયા કારણથી આ પગલું ભર્યું તે વિશે કોઈ માહિતી બહાર આવી નથી.ગળા 52ની ધોરી નસ કપાઈ જતા વધુ લોહી વહી જતા તેનું મોત થયાનું પોલીસે જણાવ્યું હતું.પરંતુ પોલીસમાંથી જાણવા મળ્યું હતું કે,અનિલ આ પ્રથમ ગુન્હામાં પકડાયો હોય અને તેમણે જેલમાં જવાના ડરથી આ પગલું ભરી લીધાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું.આ બનાવને કલાકો વીતી ગયા છતાં પણ પરિવારજનોએ મૃતદેહ સ્વીકાર્યો નથી.તેઓએ કહ્યું હતું કે આગેવાનો સાથેની વાત ચિત બાદ જ અમે આ મૃતદેહ સ્વીકારસુ તેવું જણાવ્યું હતું.