(વિપુલ હિરાણી) ભાવનગર, તા.26 : કોઇપણ વ્યવસ્થામાં નિવૃત્તિએ અફર નિયમ છે. પરંતુ આ નિવૃત્તિ કેટલી માનભેર થાય છે તે તમારા સમગ્ર જીવનકર્મનો સાર છે. સારું કાર્ય કર્યું હોય તો સારી અને યાદગાર વિદાય મળે જ છે. નિવૃત્તિના દિવસે બોલાયેલા શબ્દો નિવૃત્તકર્મી માટે જીવનભરનું સંભારણું બની રહેતું હોય છે.
આવી જ એક સામાન્ય પરંતુ જવલ્લે જ જોવા મળતી ઋણાનુબંધની કથની આજે વાસ્તવમાં સાકાર થઇ. માનવીય સંવેદનાને ઉજાગર કરતો આવા જ એક પ્રેરણાદાયી વિદાયના કિસ્સાની આજે વાત કરવી છે. સામાન્ય ડ્રાયવરની કે, જેમણે ઘાટલોડિયા, નારણપુરા, ચાણક્યપુરી વિસ્તારમાં રહેતા અને ગાંધીનગર સચિવાલયમાં નોકરી કરતાં કર્મચારીઓ-અધિકારીઓને સતત 15 વર્ષ સુધી ‘પોઇંટની સોમનાથ થી સચિવાલયની પોઇંટ બસ’ (સરકારી કર્મચારીઓને સચિવાલય પહોંચાડતી બસ) ના સારથી (ડ્રાયવર) બની સમયસર તેમના ગંતવ્યસ્થાને પહોંચાડ્યા છે
તેવા ડ્રાયવર ઇલ્યાસભાઇ શેખનું અગાઉ કોઇ ડ્રાયવરનું ન થયું હોય તેવું સન્માન કરીને સમાજ માટે ‘કર્મનું ફળ’ મળે જ છે તેવાં ભારતીય સંસ્કૃતિની ઉક્તિ અને સંસ્કારોને ઝળકાવ્યા હતા.ઇલ્યાસહુસેન ગુલામહુસેન શેખ... કે જેમણે સતત 15 વર્ષ સુધી સરકારી કર્મચારીઓને તાપ, ઠંડી અને વરસાદ તથા ટ્રાફિક જેવા અન્ય ટાળી ન શકાય તેવા સંજોગોમાં પણ ગાંધીનગર સમયસર પહોંચાડ્યા છે.
આ વિચારને અનુમોદન આપતા આ બસના પ્રવાસી કર્મચારીઓએ ’ફુલ નહીં તો ફુલની પાંખડી’ ના ન્યાયે ફાળો ઉઘરાવીને તેમનું શાલ, સાકરનો પડો, સવા રૂપિયો, ફુલની છડી અને ઉપહાર (ગીફ્ટ) આપીને બસમાં જ તેમનું અને તેમના પરિવારજનોનું સન્માન કર્યું હતું. ઇલ્યાસભાઇ તા. 31 મી મે ના રોજ નિવૃત્ત થઇ રહ્યા છે. પરંતુ નિવૃત્તિની ફોર્માલિટી તેમજ તેમનો પરિવાર પણ આ ઉજળા પ્રસંગે ઉપસ્થિત રહી શકે તે માટે આજરોજ તેમને પુરા સન્માન અને ભવિષ્યની સુખમય સફરની મંગલ કામના સાથે તેમને વિદાય આપવામાં આવી હતી.