(મિલાપ રૂપારેલ) અમરેલી, તા.26
અમરેલી શહેરમાં છેલ્લા 15 દિવસથી દબાણ હટાવ ઝૂંબેશને લઈને ચાલતી અટકળો પર એક દિવસની ઝૂંબેશ બાદ પૂર્ણવિરામ મુકાયું છે. એક દિવસ ચાલેલી ઝૂંબેશ બાદ અચાનક જ તંત્રએ દબાણ હટાવ ઝૂંબેશ બંધ કરવાનો નિર્ણય લેતા ભારે આશ્ચર્ય ફેલાયું છે.અમરેલી શહેરમાં જો કે પાલિકાનાં શાસકોએ શરૂઆતમાં જ જાહેરાત કરી હતી કે ટ્રાફિકને નડતરરૂપ છાપરા, ઓટલા, બોર્ડ, કેબિનો કે રેંકડિયો જ હટાવાશ મહાકાય દબાણો દૂર કરવાની કાર્યવાહી વિચારાધીન છે અને જાહેરાત બાદ મોટાભાગનાં દબાણકર્તાઓએ સ્વૈચ્છિક રીતે દબાણ દૂર કરી દીધું.
બાદમાં ગઈકાલે તંત્રએ એક જ દિવસમાં 700 જેટલા નાના-મોટા દબાણો દૂર કરીને મોડી રાત્રિએ દબાણ હટાવ ઝૂંબેશ બંધ કરી દીધી હતી. હવે શહેરમાં અનેક દબાણો દૂર થયા હોય પાલિકાનાં શાસકો ઘ્વારા જાહેર માર્ગો, સાર્વજનિક પ્લોટ ઉપર કે વગર મંજૂરીએ ઉભા થયેલ બાંધકામો દૂર કરવા માટે કયારે કાર્યવાહી શરૂ કરે છે તેના પર સૌની નજર મંડાયેલી છે. ગઈકાલે એક જ દિવસ ચાલેલી દબાણ હટાવ ઝૂંબેશ દરમિયાન તંત્ર અને નાગરિકો અને આગેવાનો વચ્ચે સામાન્ય રકઝક થઈ હતી તો આક્ષેપ-પ્રતિઆક્ષેપનો મારો શરૂ થયો હતો.
ગાંધીનગર અને નવી દિલ્હી સુધી મોબાઈલ રણકી ઉઠયા હતા. સવારથી રાત સુધીમાં તંત્રને પણ ભારે દબાણ હેઠળ કામગીરી કરવી પડી હતી અંતે ઘીનાં ઠામમાં ઘી પડી ગયું હતું.અત્રે એ ઉલ્લેખનીય છે કે, ડો. જીવરાજ મહેતા ચોકમાં ર મળાની મંજૂરી છતાં પણ ફાયર સેફટી અને પાર્કિંગ સુવિધા વગર 6 માળનું રોયલ પેરેડાઈઝ બિલ્ડીંગ પાલિકાની નોટિસ બાદ પણ અડિખમ ઉભું હોય પાલિકાનાં શાસકો ઘ્વારા પેરેડાઈઝ બિલ્ડીંગ દૂર કરવામાં આવે છે કે કેમ તેના પર સમગ્ર શહેરીજનોની નજર મંડાયેલી છે.