(વિપુલ હિરાણી) ભાવનગર, તા.26 : તળાજાના ડુંગર ઉપર આવેલ ખોડીયાર માતાજીના મંદિરના સળિયા તોડી અજાણ્યો શખ્સ મંદિરમાં પ્રવેશ કરી માતાજીને ચડાવેલા સોના-ચાંદીના ઘરેણા અને રોકડ રકમ મળી કુલ રૂ. 86 હજારની મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયો હતો.પ્રાપ્ત વિગત મુજબ ભાવનગર જિલ્લાના તળાજાના પ્રસિદ્ધ તાલધ્વજ ડુંગર ઉપર આવેલ ખોડીયાર માતાજીના મંદિરના સળિયા તોડી અજાણ્યો શખ્સ મંદિરમાં પ્રવેશ્યો હતો અને માતાજીની મૂર્તિનો ચાંદીનો મુગટ, ચાંદીના કુંડળ, ચાંદીના છત્તર, સોનાની નથ અને સોનાની સર તેમજ રોકડા રૂ.1000 મળી કુલ રૂ. 86,000 ની મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયો હતો. મંદિરમાં લગાવેલા સી.સી.ટી.વી. કેમેરામાં ગત રાત્રીના 12:30 વાગ્યા આસપાસ અજાણ્યો શખ્સ મોઢા ઉપર કપડું બાંધી મંદિરમાં પ્રવેશ કરતો હોવાનું તેમજ કેમેરા ઉપર કપડું ઢાંકી દીધેલું જોવામાં આવ્યું હતું, ત્યારબાદ આ શખ્સ સવા બે વાગ્યા આસપાસ મંદિરની બહાર નીકળતો જોવામાં આવ્યો હતો. ચોરીની આ ઘટના અંગે મંદિરના પૂજારી કૃણાલભાઈ નટુભાઈ અગ્રાવતે ફરિયાદ નોંધાવતા તળાજા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
ભાવનગર જિલ્લાના તળાજાના ડુંગરપુર ખોડિયાર મંદિરમાં તસ્કર માતાજીનો મુગટ છત્તર-રોકડની ચોરી કરી નાસી છૂટયા હતા. સી.સી.ટી.વી. કેમેરામાં બૂકાનીધારી નાસ્તિક કેદ થયેલ છે. (તસ્વીર : વિપુલ હિરાણી)