► આજથી 10 ગામોમાં ગ્રામસભા : દસાડાના ધારાસભ્ય પી.કે.પરમાર આ મુદ્દે ભૂગર્ભમાં ! પૂર્વ ધારાસભ્ય નૌશાદ સોલંકી પણ 10 ગામના લોકોના સમર્થનમાં
(ફારૂક ચૌહાણ) વઢવાણ, તા.26
સરકાર દ્વારા વર્ષ 2015-16 તથા 2016-17ની નવી બાબતોમાં રાજયના જુદા જુદા વિસ્તારોમાં મંજુર 41 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ને સામુહિક આરોગ્ય કેન્દ્રમાં અપગ્રેડ કરવાની મંજુરી આપવામાં આવેલ. આ 41 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો પૈકી કુલ 14 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને સ્થળફેર કરવા કમીશ્નરશ્રી, આરોગ્ય તબીબી સેવા અને તબીબી શીક્ષણ, ગાંધીનગર દ્વારા દરખાસ્ત કરવામાં આવેલ, જે અન્વયે વિભાગ દ્વારા તા. 14/12/2018 ના ઠરાવથી 14 પૈકી 7 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને સ્થળ ફેરફાર કરવામાં આવેલ. બાકી રહેલ 7 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ને સ્થળ ફેર કરવા અંગેની દરખાસ્ત સરકારશ્રીના વિચારણા હેઠળ હતી.
સરકાર દ્વારા ઉપરોક્ત સંદર્ભીત ઠરાવથી ગુજરાતના રાજયપાલશ્રીના હુકમથી અને તેમના નામે બાકી રહેલા 7 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને સ્થળફેર માટે મંજુરી આપવામાં આવેલ. આ બાકી રહેલ 7 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો પૈકી 1 દસાડા તાલુકાના દસાડા ખાતે આવે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને જૈનાબાદ ખાતે સ્થળફેર કરવા ઉપરોકત સંદર્ભીત ઠરાવથી મંજુરી આપવામાં આવેલ છે. માનનીય આરોગ્ય મંત્રી દ્વારા તા. 28/04/2022ની ફાઇલ ઉપરની નોંધથી મળેલ અનુમતી અન્વયે ઉપરોકત સંદર્ભીત ઠરાવ ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવેલ છે.
જાણવા મળેલ છે કે દસાડા વિધાનસભાના ધારાસભ્ય દ્વારા રાજકિય પૂર્વગ્રહ રાખી ઉપરોકત ઠરાવ રદ્દ કરી જૈનાબાદ ના બદલે વડગામ ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સ્થળફેર કરવા રજુઆત કરવામાં આવેલ છે. અત્રેએ નોંધવુ જરૂરી છે કે દસાડા ખાતે સામુહિક આરોગ્ય કેન્દ્ર કાર્યરત છે, જે વડગામથી માત્ર 7 કી.મી. ના અંતરે આવેલ છે. જ્યારે વડગામથી આદરીયાણા ખાતે આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માત્ર 10 કી.મી.ના અંતરે આવેલ છે. આમ આદરીયાણાથી દસાડા સ્ટેટ હાઇવે વચ્ચે વડગામ એક નાનુ ગામ આવેલ છે.
જેની કનેકટીવીટી આદરીયાણા અને દસાડા સાથે ખુબ સરસ રીતે સ્થપાયેલ છે. આમ એક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને સામુહિક આરોગ્ય કેન્દ્ર વચ્ચે એક જ રોડ ઉપર નવુ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મંજુર કરવાનુ કોઇ જ તાર્કીક કે વ્યવહારીક રીતે જરૂરીયાત છે નહી જ્યારે બીજી તરફ જૈનાબાદ એક ખુબ જ મોટું ગામ છે, તેમજ તેની આજુબાજુમા આવેલ ગામો જેવા કે ચિકાસર, મીઠાગોઢા, મુલાડા, અહેમદગઢ, રસુલાબાદ, રૂસ્તમગઢ, નગવાડા, વિસાવડી સરેરાશ 5 થી 7 કી.મી. અંતર ધરાવતા ગામોને નજીકમાં કોઇજ સામહિક આરોગ્ય કેન્દ્ર કે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ની સવિધા મળતી નથી. આ ઉપરાંત જૈનાબાદ એક ખુબ અગત્યનું વ્યવસાયીક બે મોટા સ્ટેટ હાઇવેને જોડતુ કેન્દ્ર છે.
યાત્રાધામ શંખેશ્વર તેમજ સમસ્ત ઝાલ ક્ષત્રીય સમાજનાં આસ્થાનાં કેન્દ્ર એવા ધામા જતા પગપાળા યાત્રીઓ માટે પણ જૈનાબાદ ખુબ ઉપયોગી સેન્ટર છે. આથી સરકારના વિવિધ વિભાગો દ્વારા ખુબ ગંભીરતા પૂર્વક વિચારણા ના અંતે દસાડાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો સ્થળ ફેર કરવા માટે જૈનાબાદની પસંદગી કરવામાં આવેલ છે. જૈનાબાદની આજુબાજુના ગામોના લોકો દ્વારા આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની ખુબ લાંબા સમય થી કરવામાં આવતી માંગણી સદર ઠરાવથી પૂર્ણ થયેલ છે. માત્ર રાજકીય પૂર્વગ્રહના કારણે આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનુ પુન: સ્થળફેર કરવુ સંપૂર્ણપણે અન્યાયકારી છે, જેનો અમો ઉગ્રથી ઉગ્ર વિરોધ કરાશે.
દસાડા ધારાસભ્ય લોકોના ફોન પણ ઉપાડતા નથી !
દસાડાના ધારાસભ્ય પી.કે.પરમાર પાસે આ બાબતે ટેલીફોનિક રીતે આજુબાજુના ગ્રામજનો દ્વારા અને જાગૃત નાગરિકો દ્વારા જાણ કરવામાં આવી હતી ત્યારબાદ ધારાસભ્ય પીકે પરમારે ફોન જ ઉપાડવાના બંધ કરી દીધા હોય તેવી માહિતી સૂત્રો પાસેથી મળી રહી છે જે લોકોએ ધારાસભ્ય બનવા માટે મત આપ્યા તેના ફોન ઉપાડવા આવે ધારાસભ્ય તૈયાર નથી ત્યારે સ્થાનિક લોકોમાં પણ આ બાબતે રોષ વ્યાપ્યો છે અને હાલની પરિસ્થિતિ મુજબ ધારાસભ્ય ભૂગર્ભમાં આ બાબતે ઉતરી ગયા હોય તેવું લાગી રહ્યું છે કારણકે જે ઠરાવ જે તે સમયે પાસ કરી અને જેનાબાદ ને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ફાળવવામાં આવ્યું હતું તે વડગામ લઈ જવા માં આવ્યા મુદ્દે ધારાસભ્ય પણ મૌન સેવી રહ્યા છે જેને લઇને 10 ગામોના લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે
આરોગ્ય કેન્દ્ર જૈનાબાદમાં જ બનશે
વડગામ ખાતે ખસેડવામાં આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મુદ્દે 10 ગામના લોકો એકત્રિત થઈ અને તંત્રને રજૂઆત કરી છે તે છતાં પણ તંત્ર એ કોઈ નમતું જોખવા માટેની તૈયારીઓ હજુ સુધી દેખાડી નથી ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના પાટડીના 10 ગામોના લોકો આ મામલે જૈનાબાદ ખાતે જ આરોગ્ય કેન્દ્ર બને તેવું ઇચ્છિ રહ્યા છે. ત્યારે આ જ મામલે આગેવાન વિક્રમભાઈ રબારી સાથે વાતચીત કરવામાં આવતા તેમના જણાવ્યું છે કે આરોગ્ય કેન્દ્ર જૈનાબાદ ગામે બનશે તો 10 ગામોના લોકોને આરોગ્યની સુવિધામાં મોટો લાભ થઈ શકે તેવું છે અને આસાનીથી દરેક રોગનો ઈલાજ લોકો કરાવી શકે તેવું છે પરંતુ તંત્ર આવું થવા દેવા તૈયાર નથી હવે આ મામલે આજથી આજુબાજુના દસ ગામોમાં ગ્રામ સભા નું આયોજન કરવામાં આવ્યું છે ગ્રામજનોની ઉપસ્થિતિમાં સરપંચ લેટરપેડ ઉપર આ બાબતે સંમતિ આપવાના છે.
જૈનાબાદમાં ફાળવેલ આરોગ્ય કેન્દ્ર યથાવત રહેવા દો : 10 ગામના ગ્રામજનો
આરોગ્ય વિભાગ દ્વારા થોડા સમય પહેલા દસાડા ખાતે આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ફેરફાર કરીને દસાડા ખાતે આવેલા આરોગ્ય કેન્દ્રને જેનાબાદ ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બનાવવા અંગે સૂચન અને ઠરાવ પાસ કરવામાં આવ્યો હતો પરંતુ અમુક રાજકીય અને જે લોકોને પ્રજા મત દઈ અને ચુટીને લાવી છે તેવા લોકો દ્વારા આરોગ્ય કેન્દ્રને વડગામ ખાતે ફેરવવાનું નક્કી કરવામાં આવ્યું છે જેને લઇને હાલની પરિસ્થિતિ મુજબ 10 ગામોના લોકોમાં રોષ છવાયો છે આ મુદ્દે તંત્ર સમક્ષ 10 ગામોના લોકો રજૂઆત કરવા દોડી ગયા છે ત્યારે રજૂઆત કરવા આવેલા સરપંચો સહિતના આગેવાનો દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ રજૂઆત ખોટી નથી જો વડગામમાં આરોગ્ય કેન્દ્ર બનાવવું હોય તો નવું કેન્દ્રપાસ કરાવો પરંતુ જે મંજૂર થયેલું જેનાબાદનું આરોગ્ય કેન્દ્ર છે તે યથાવત રહેવા દો જો આવંબ નહીં કરવામાં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.