‘પુષ્પા’ ઝૂકેગા નહીં!: ડિસેમ્બરમાં શાહરુખની ‘ડંકી’ને ટકકર આપશે

26 May 2023 04:15 PM
Entertainment
  • ‘પુષ્પા’ ઝૂકેગા નહીં!: ડિસેમ્બરમાં શાહરુખની ‘ડંકી’ને ટકકર આપશે

મુંબઈ: સાઉથના સુપરસ્ટાર અલ્લુ અર્જુનની ‘પુષ્પા’ને બોકસ ઓફિસ પર મળેલી સફળતાના પગલે ‘પુષ્પા-2’ના ધમાકેદાર આગમનની તૈયારી થઈ ચૂકી છે. પુષ્પારાજના રોલમાં અલ્લુ અર્જુનનો ડાયલોગ ‘ઝૂકેગા નહીં’ ઝડપથી લોકપ્રિય થયો હતો અને તેના પર હજારો મીમ્સ પણ બની હતી. રીલ લાઈફની જેમ રીયલ લાઈફમાં પણ ‘પુષ્પા’એ પોતાના આ સદાબહાર ડાયલોગને સાર્થક કરી બતાવ્યો છે. 22મી ડિસેમ્બરે શાહરૂખ ખાનની ‘ડંકી’ રિલીઝ થઈ રહી છે ત્યારે તેનો મુકાબલો કરવા ‘પુષ્પા-2’નું આગમન નિર્ધારિત થયું છે.

પાછળા મહિને ‘પુષ્પા: ધ રુલ’નું ટીઝર રિલીઝ થયું હતું. ફિલ્મમાં પુષ્પાના એકશન પેકડ અંદાજને જોયા બાદ રિલીઝ ડેટ અંગે અટકળો થઈ રહી હતી. હવે 400 કરોડની આ ફિલ્મને 22 ડિસેમ્બરે રિલીઝ કરવાની તૈયારીઓ થઈ રહી છે. પુષ્પા: ધ રાઈઝમાં લીડ રોલ કરનારા અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદાનાને સીકવલમાં પણ યથાવત રખાયા છે. પોલીસ ઓફીસર ફહાદ ફાસિલનો રોલ પણ યથાવત રખાયો છે. પહેલી ફિલ્મે બોકસ ઓફીસ પર રૂા.300 કરોડનું કલેકશન મેળવ્યું હતું. ઓછા બજેટમાં બનેલી પુષ્પા: ધ રાઈઝને વધારે ભવ્ય અને રોમાંચક સ્વરૂપે ‘પુષ્પા: દ રુલ’માં રજૂ કરવામાં આવશે. સીકવલમાં એકશન સીકવન્સ, વીએફએકસ પર તોતીંગ ખર્ચ કરવામાં આવ્યો છે અને સ્ટાર કાસ્ટમાં પણ બોલીવુડના સ્ટાર્સને ઉમેદરવામાં આવ્યા છે.

રિપોટર્સ મુજબ, સરપ્રાઈઝ એલિમેન્ટમાં રણવીરસિંહ પણ જોડાયા છે. તેઓ પોલીસ ઓફીસરનો રોલ કરવાના છે. અલ્લુ અર્જુનનો પણ આ ફિલ્મમાં નવો અવતાર છે. ટીઝર મુજબ, પોલીસ સાથે અથડામણમાં પુષ્પારાજ મૃત્યુ પામ્યો હોવાનું કહેવાય છે, પણ પુષ્પા જીવિત છે અને તેનો વીડિયો બહાર આવે છે. પુષ્પા અને પોલીસની આ અથડામણને રણવીરસિંહ વધારે અસરકાર બનાવશે. અલ્લુ અર્જુને તાજેતરમાં ડાયરેકટર આદિત્ય ધરની ફિલ્મ ‘ઈમમોર્ટલ અશ્ર્વત્થામા’ માટે પણ વાતચીત શરૂ કરી છે. અલ્લુને સ્ક્રિપ્ટ પસંદ આવી છે, પરંતુ આખરી નિર્ણય હજુ લેવાયો નથી. આ ફિલ્મ પણ મોટા બજેટમાં બની રહી છે. ‘પુષ્પા-2’ની રિલીઝ બાદ તેનું શૂટિંગ શરૂ થઈ શકે છે.

અલ્લુ અર્જુન પાસે આ સિવાય પણ પાન ઈન્ડિયા રિલીઝ માટે મોટા બજેટની ફિલ્મો છે અને અલ્લુનું કોન્ફિડન્સ લેવલ પર વધેલું છે. તેની સીધી અસર ફિલ્મની રિલીઝ ડેટ પર જોવા મળે છે. રાજકુમાર હિરાણીએ શાહરૂખ ખાન સાથે બનાવેલી ફિલ્મ ‘ડંકી’ 22 ડિસેમ્બરે રિલીઝ થવાની છે. ‘પઠાણ’ની સફળતા સાથે શાહરૂખ ખાને ફરી એકવાર બોકસ ઓફિસ પર દબદબો પુરવાર કર્યો છે. શાહરૂખની ફિલ્મો સામે ટકકર લેવાનું બોલિવુડ ટાળી રહ્યું છે ત્યારે સુકુમારના ડાયરેકશનમાં બનેલી ‘પુષ્પા: ધ રુલ’ને પણ એ જ દિવસે રિલીઝ કરવાનો નિર્ણય લેવાયો છે.


Related News

Advertisement
Advertisement