અમદાવાદ, તા.26 : કર્ણાટક બાદ તામિલનાડુના ટોચની સહકારી ડેરી અમુલના દૂધની પ્રાપ્તિ સામે ઉઠેલા વિરોધ વચ્ચે કંપનીની લસ્સીમાં ફૂગ હોવાનો વિડીયો વાયરલ થતા નવો વિવાદ સર્જાયો છે. જોકે અમુલ દ્વારા તાત્કાલીક પ્રતિક્રિયા આપીને આ વાયરલ વિડીયો બનાવટી હોવાનો અને ગેરમાર્ગે દોરનારો હોવાની સ્પષ્ટતા કરવામાં આવી છે.
તામિલનાડુમાં જ અમુલ લસ્સીના અમુક પેકીંગમાં ફુગ નીકળી હોવાનો વિડીયો વાયરલ થયો હતો. વિડીયો વાયરલ કરનાર વ્યકિતએ એવો દાવો કર્યો હતો કે આ લસ્સીની એકસપાયરી તારીખ હજુ બાકી હોવા છતાં તેમાં ફુગ માલુમ પડી છે. અમુલ દ્વારા એવી ચોખવટ કરવામાં આવી છે કે આ વિડીયો બનાવટી છે અને ગ્રાહકોમાં ભય અને ચિંતા સર્જવાના બદઇરાદા સાથે વાયરલ કરવામાં આવ્યો હોવાની શંકા છે. ગુજરાતમાં હેડકવાર્ટર ધરાવતી કંપનીએ ટવીટ કરીને કહ્યું કે વિડીયોમાં એવું સ્પષ્ટ માલુમ પડે છે કે લસ્સીના પેક સાથે છેડછાડ કરવામાં આવી છે
અને સ્ટ્રો રાખવાની જગ્યામાં નુકસાન કરવામાં આવ્યું છે. આ જગ્યામાંથી લસ્સીની લીકેજ પણ વિડીયોમાં જોઇ શકાય છે. પેકમાં નુકસાન કરવામાં આવી હોવાના કારણોસર જ લસ્સીમાં ફુગ વળી ગઇ છે અને તેનાથી વિડીયો બનાવનાર પણ સારી રીતે વાકેફ હોવાનું માની શકાય છે. અમુલ લસ્સીની નબળી કવોલીટી વિશે વોટસએપ તથા સોશ્યલ મીડિયામાં બોગસ મેસેજ વહેતા કરવામાં આવ્યા છે. વિડીયો વાયરલ કરનાર વ્યકિતએ ચોખવટ વિશે કંપની સાથે કોઇ સંપર્ક કર્યો નથી કે તેનું લોકેશન પણ જાહેર કરવામાં આવ્યું નથી.
અમુલ લસ્સી બનાવવામાં ગુણવતાના ધોરણોનું કડક રીતે પાલન કરવામાં આવે છે. એટલું જ નહીં પેક પર એવું પણ લખાણ હોય છે કે પેક લીક હોય અથવા ક્ષતિગ્રસ્ત હોય તો તેની ખરીદી ન કરવી આ માટે ગ્રાહકો સંપર્ક કરી શકે તેવા હેતુસર કંપની દ્વારા ટોલ ફ્રી નંબર પણ આપવામાં આવે છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગત નાણાકીય વર્ષમાં કંપનીનો કારોબાર 18.5 ટકા વધીને 55055 કરોડ થયો હતો. કન્ઝયુમર પ્રોડકટના વેચાણમાં 23 ટકાનો અને બટર, ચીઝ, ક્રીમ, પનીર, દહી, છાશ વગેરેમાં 20 થી 40 ટકાનો વધારો થયો હતો.