♦ સુરતમાં પત્રકારો સાથે વાતચીત : વિશ્વભરમાં સનાતન ધર્મના પ્રચાર કરવાનો જ એકમાત્ર ઉદ્દેશ : ગુજરાતમાં મને મારો પરિવાર મળ્યો છે
સુરત, તા. 26
ગુજરાતના પાંચ શહેરોમાં દિવ્ય દરબાર યોજવા આવેલા બાબા બાગેશ્વરે કહ્યું કે પોતે કોઇપણ રાજકીય પક્ષ સાથે સંકળાયેલા કે જોડાયેલા નથી અને માત્ર બજરંગબલીના પાર્ટીના સભ્ય છે.
ગુરૂવારે અમદાવાદ આવી પહોંચેલા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીનો આજે સુરતમાં દિવ્ય દરબાર છે. સુરતમાં પત્રકારો સાથેની વાતચીતમાં તેઓએ સ્પષ્ટ કહ્યું હતું કે પોતે વિશ્વભરમાં માત્ર સનાતન ધર્મનો પ્રચાર કરી રહ્યા છે અને બાકી કોઇ ઉદ્દેશ્ય નથી. રાજકીય વિવાદ વિશે તેઓએ એવું સ્પષ્ટ કર્યુ હતું કે રાજકીય પક્ષના નેતાઓ ભલે આક્ષેપો કરતા હોય પરંતુ પોતે કોઇપણ રાજકીય પક્ષ સાથે જોડાયેલો નથી અને માત્ર હનુમાન કથા સાથે બજરંગબલીની પાર્ટી સાથે જ સંકળાયેલો છું.
ગુજરાતના પ્રવાસનને વિખ્યાત કરનારા બોલીવુડ અભિનેતા અમિતાભ બચ્ચનની સ્ટાઇલમાં તેઓએ જણાવ્યું હતું કે ‘કુછ દિન ગુજારેંગે ગુજરાત મેં’ ગુજરાતમાં મને મારો પરિવાર મળ્યો છે. હનુમાન કથાના કાર્યક્રમ એવા દિવ્ય દરબારમાં તમામને જોડાવાનું આહવાન છે અને સનાતન ધર્મનો પ્રચાર જ એકમાત્ર આશય છે. હું હંમેશા હિન્દુ ધર્મ સાથે જોડાયેલો રહ્યો છું અને સદૈવ હિન્દુ ધર્મ સાથે જ રહીશ.
બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી ગુજરાતના પાંચ શહેરોના પ્રવાસે આવ્યા હોવાનું અને દેશ વિદેશમાં જાણીતા બનેલા તેમના દિવ્ય દરબાર યોજવાનું હોવાનું અત્રે ઉલ્લેખનીય છે. બે દિવસ સુરતમાં દિવ્ય દરબાર યોજયા બાદ તેઓ અમદાવાદ અને ગાંધીનગર તથા વડોદરામાં પણ કાર્યક્રમ કરવાના છે. રાજકોટમાં પણ આગામી 1 અને ર જુનના રોજ બે દિવસના કાર્યક્રમ રાખવામાં આવ્યા છે જેના માટે રેસકોર્ષ મેદાનમાં પુરજોશપૂર્વક તૈયારી કરવામાં આવી રહી છે.
ભાજપ સહિતના આગેવાનો કાર્યક્રમની તૈયારીમાં સામેલ રહ્યા છે. કોંગ્રેસ બાગેશ્વર બાબા ભાજપના એજન્ડા સાથે આગળ ધપી રહ્યા હોવાનો આક્ષેપ કરી રહ્યો છે. રાજકીય વિવાદ વચ્ચે ખુદ બાગેશ્વર બાબાએ કોઇ પક્ષ સાથે સંકળાયેલો ન હોવાનું સ્પષ્ટ કર્યુ છે.