રાજકોટ,તા.26
જુના માર્કેટ યાર્ડમાં દોઢેક મહિના પહેલા શાકભાજી વિભાગની એક પેઢીના કબાટમાંથી રોકડા રૂ.1.70 લાખ તથા બેંકની ચાર ચેક બૂક, પર્સ સહિતની ચોરી થઇ હતી.આ ગુનાનો ભેદ બી-ડિવીઝન પોલીસે ઉકેલી મોરબીના એક સગીરને પકડયો છે.તે રાજકોટ ક્રિકેટ રમવા આવતો હતો અને બાદમાં યાર્ડમાં જમવા આવતો જતો હોઇ શાકભાજી વિભાગની પેઢીમાં વેપારી આડાઅવળા થાય ત્યારે છુટક રકમ ચોરી લેતો હતો.
1.70 લાખ જ્યાંથી ચોર્યા ત્યાંથી અગાઉ પણ છુટક રકમ ઉઠાવી ગયો હતો પણ ત્યારે વેપારીએ ત્યારે ફરિયાદ કરી નહોતી.આ સગીર બીજીવાર હાથફેરો કરવા આવ્યોને પકડાઈ ગયો હતો.વધુ વિગતો મુજબ,કુવાડવા રોડ લાલપરી-4માં રહેતાં મહેશભાઇ વિનોદભાઇ તલસાણીયાની યાર્ડમાં શાકભાજી વિભાગમાં કમિશન એજન્ટ તરીકેની પેઢી હોઇ તા.13/3ના રોજ તેમાં આવેલા કબાટથી રોકડ સહિતની ચોરી થઇ હતી.
આ ગુનાનો ભેદ ઉકેલવા બી-ડિવીઝન પોલીસની ટીમના પીએસઆઇ કે.ડી.મારુ,અજયભાઈ બસિયા,પોપટભાઈ ગમારા,જયદીપસિંહ બોરાણા અને ટીમને માહિતી મળી હતી.તેના આધારે સગીરને પકડી પુછતાછ કરતાં તેણે દોઢ મહિના પહેલા યાર્ડની પેઢીમાંથી ચોરી કર્યાની કબુલાત આપી હતી.પોલીસે તેની પાસેથી 70 હજારનું બાઇક અને 1 લાખ રોકડા કબ્જે કર્યા છે.બાકીના 70 હજારમાંથી નવા કપડા ખરીદ કરી મિત્રો સાથે મોજશોખમાં ઉડાવી દીધાનું તેણે રટણ કર્યુ હતું.