રાજકોટ, તા. 26
જુની કલેકટર કચેરીના જન સેવા કેન્દ્રમાં રેશનકાર્ડ તેમજ ઇડબલ્યુએસ આવકના દાખલા સહિતની કામગીરીમાં લોકોને પડતી મુશ્કેલીને ધ્યાનમાં લઇ હવે હેલ્પ ડેસ્ક શરૂ કરવામાં આવનાર છે.
આ માટે વધારાના ટેબલ જન સેવા કેન્દ્રમાં મુકવામાં આવશે તેેમજ પુરતા કર્મચારીઓનો સ્ટાફ પણ આ જન સેવા કેન્દ્ર માટે કલેકટર પ્રભવ જોશી દ્વારા ફાળવવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે.
જન સેવા કેન્દ્રમાં હેલ્પ ડેસ્ક આગામી 1પ દિવસમાં જ શરૂ કરી દેવામાં આવનાર છે. આ બાબતે કલેકટર પ્રભવ જોશી દ્વારા પ્રાંત-1 અને ર અધિકારી સાથે ચર્ચા કરવામાં આવી હતી.
અહીં એ ઉલ્લેખનીય છે કે, જુની કલેકટર કચેરીના જન સેવા કેન્દ્રમાં આવકના દાખલા સહિતના કામો માટે આવતા લોકોને મુશ્કેલી પડતી હોવાની ફરિયાદ ધારાસભ્ય રમેશભાઇ ટીલાળા દ્વારા કરવામાં આવી હતી. જેના પગલે આ જન સેવા કેન્દ્રના અપગ્રેડેશન બાબતે કાયવાહી તાબડતોબ હાથ ધરવામાં આવી છે.
આ ઉપરાંત જુની કલેકટર કચેરીના ઇ-ધરા કેન્દ્રમાં ચોમાસા દરમિયાન છત પાણી ટપકતુ હોવાની ફરિયાદો ઉઠતી રહી છે જેથી આ ઇ-ધરા કેન્દ્રને હવે ચોમાસા પૂર્વે પૂર્વ મામલતદાર કચેરી ઉપર અથવા રાજકોટ ગ્રામ્ય કચેરીમાં શીફટ કરવાનો પણ નિર્ણય લેવાયો છે. આ ઉપરાંત રેકર્ડ રૂમને પણ અદ્યતન બનાવવામાં આવનાર છે.