સુરત-રાજકોટમાં ઈન્કમટેકસનું દરોડા ઓપરેશન: ડાયમંડ ઉદ્યોગનાં 3 ગ્રુપ નિશાન

13 September 2023 11:23 AM
Surat Gujarat
  • સુરત-રાજકોટમાં ઈન્કમટેકસનું દરોડા ઓપરેશન: ડાયમંડ ઉદ્યોગનાં 3 ગ્રુપ નિશાન

► સોફટવેર ડેવલપ કરતી રાજકોટની કંપનીનાં બે સ્થળોએ તપાસ

► પાર્થ ઓર્નામેન્ટસ, તીર્થ-અક્ષર ડાયમંડ તથા કાંતિલાલ જવેલર્સનાં 30 જેટલા સ્થળોએ કાર્યવાહી: દરોડાથી કરચોરી ખુલવાની આશંકા: હીરા ઉદ્યોગમાં સન્નાટો

રાજકોટ તા.13 : નવરાત્રી-દિવાળીનાં તહેવારો પૂર્વે આવકવેરા વિભાગ ફરી એક વખત ત્રાટકયુ છે અને સુરત-રાજકોટમાં 30 જેટલા સ્થળોએ સામુહીક દરોડા કાર્યવાહી હાથ ધરવામાં આવતા ખળભળાટ સર્જાયો છે. આવકવેરા વિભાગનાં ટોચના સુત્રોએ જણાવ્યું છે કે સુરતના ડાયમંડ ઉદ્યોગમાં મોટુ નામ ધરાવતા પાર્થ ઓર્નામેન્ટસ તથા તીર્થ ડાયમંડ ગ્રુપ પર આજે સવારથરી મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. માલિક-ભાગીદારોની ઓફીસ-નિવાસસ્થાન તથા ધંધાકીય વ્યવહારો ધરાવતાં 28 થી 30 સ્થાનોને નિશાન બનાવવામાં આવ્યા છે.

આ ડાયમંડ પેઢીનાં સોફટવેર ડેવલપમેન્ટનુ કામ રાજકોટની કંપની સંભાળતી હોવાથી રાજકોટમાં પણ બે સ્થળોએ તપાસ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સુરતમાં હીરા ઉદ્યોગનાં મોટા માથા પર દરોડાની વાત ફેલાતાની સાથે જ ટોચના ધંધાર્થીઓમાં દોડધામ મચી જવા સાથે ફફડાટ ફેલાયો હતો. હીરા ઉદ્યોગમાં કેટલાંક વખતથી મંદી છે. નવરાત્રી-દિવાળીના તહેવારોમાં સીઝન ખુલવાનો આશાવાદ છે તેવા સમયે જ ઈન્કમટેકસ ત્રાટકતા ખળભળાટ સર્જાયો છે. સુરત ઈન્વેસ્ટીગેશન વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલા

આ દરોડા ઓપરેશનમાં અમદાવાદ તથા રાજકોટથી પણ અધિકારીઓની ટીમોને દોડાવવામાં આવી હતી. રાજકોટથી પણ બે ટીમો દરોડામાં સામેલ થઈ છે. ઉપરાંત રાજકોટમાં પણ બે સ્થળોએ અધિકારીઓ ત્રાટકયા છે. સુત્રોના કહેવા પ્રમાણે ડાયમંડનાં ધંધાકીય વ્યવહારો ઉપરાંત બન્ને ગ્રુપનાં રીયલ એસ્ટેટનાં વ્યવહારો દર્શાવતાં દસ્તાવેજો પણ મળી આવ્યા છે. દરોડામાં જંગી રકમની કરચોરી ખુલવાની આશંકા છે. સુત્રોએ કહ્યું કે ડાયમંડ ગ્રુપ ઉપરાંત જવેલરી સાથે સંકળાયેલ કાંતિલાલ જવેલર્સ પર પણ આવકવેરા કાફલો ત્રાટકયો છે.


Related News

Advertisement
Advertisement
Advertisement