નવી દિલ્હી તા.13 : કોરોના સંક્રમણ હવે ભલે મહામારી ન રહ્યું હોય પણ બે વર્ષ પછી પણ પોસ્ટ કોરોનાના લક્ષણ જોવા મળી રહ્યા છે. દિલ્હીથી માંડીને પટણા સુધી લોકોનાં ફેફસા નબળા થવાથી લોહીની ઉધરસ જેવી પરેશાનીઓ વધી છે. શ્વાસ લેવામાં મુશ્કેલી, થાક, હાંફ, અસ્થમા, એટેક, છાતીમાં દુ:ખાવો અને એન્ઝાઈટી જેવી મુશ્કેલીઓ આવી રહી છે.
આ બાબતે ‘નેચર’ પત્રિકામાં પણ એક અધ્યયન પ્રકાશીત થયુ છે. જેમાં 1.40 લાખ લોકો એવા સામેલ કરાયા હતા જેમને કોરોના થયો હતો.જયારે 60 લાખ એવા લોકોની પણ તુલના કરવામાં આવી હતી જેમને સંક્રમણ નહોતું થયુ. એમ્સ દિલ્હીમાં શ્વાસ રોગ વિભાગનાં પૂર્વ અધ્યક્ષ ડો.જી.સી.ખિલનાનીનું કહેવુ છે કે લોંગ કોરોનાથી પીડીત એવા અનેક દર્દીઓ સતત બહાર આવી રહ્યા છે.
આ સ્થિતિમાં ડોકટરો માટે પણ પોસ્ટ કોરોનાના લક્ષણ (કોરોના થયા પછીનાં લક્ષણો) સમજવામાં સાવધાની જરૂરી છે. પટણાના ડોકટરોનાં જણાવ્યા મુજબ પીડીતોમાં 12 વર્ષથી નાની વયના પણ છે એમ્સ પટણા અને પીએમસીએચમાં પણ સતત દર્દીઓ પહોંચી રહ્યા છે. પારસી હોસ્પીટલનાં પલ્મોનરી હેડ ડો.પ્રકાશે જણાવ્યું હતું કે એવા ઘણા દર્દીઓ છેલ્લા દોઢ વર્ષથી સ્વસ્થ જીવન વ્યતિત કરી રહ્યા હતા પહેલા મામુલી શરદી-ઉધરસ થયા. એક સપ્તાહ બાદ તકલીફ એથી વધી ગઈ કે કફની સાથે લોહી આવી ગયુ હતું.
સંશોધનમાં ચોંકાવનારા ખુલાસા: નેચરમાં પ્રકાશીત એક અધ્યયન અનુસાર કોરોનાના કારણે હોસ્પીટલમાં દાખલ થયેલા 65 ટકા દર્દીઓમાં બે વર્ષ પછી પણ લક્ષણ જોવા મળી રહ્યા છે.ઘરમાં કોરોનાની સારવાર કરાવનાર 31 ટકા લોકોમાં પણ બે વર્ષ બાદ હળવા લક્ષણ જોવા મળી રહ્યા છે.
ગંભીર બિમાર લોકોને વધુ ખતરો: નેશનલ લાઈબ્રેરી ઓફ મેડીસીનનાં રિપોર્ટ મુજબ જે લોકો ગંભીર કોરોનાથી પીડીત રહ્યા છે અથવા ગંભીર બીમાર કે વેકસીન લીધા વગરના અને કિડની અને મસ્તિષ્ક જેવા અંગોમાં સોજાની પરેશાનીનો સામનો કરી રહ્યા છે. તેમનામાં પોસ્ટ કોવીડ સિન્ડ્રોમનો ખતરો વધુ છે.
દર્દીઓને નવી મુશ્કેલીઓ: ડોકટરોનાં જણાવ્યા અનુસાર અનેક દર્દીઓમાં એકથી વધુ લક્ષણો બહાર આવી રહ્યા છે. જેમાં 7 ટકા દર્દીઓમાં હૃદય અને શ્વાસની બિમારી, 36 ટકામાં પેટ સાથે જોડાયેલી તકલીફો, 15 ટકામાં કિડનીની બિમારીઓ 75 ટકામાં માનસીક બિમારીઓ અને 50 ટકા દર્દીઓમાં ન્યુરો અને યાદદાસ્તની બિમારીઓની તકલીફ હતી.