અમદાવાદ: એશિયાકપમાં ટીમ ઈન્ડીયાના સારા દેખાવથી ફરી એક વખત ક્રિકેટ ફિવર જામવા લાગ્યા છે અને ખાસ કરીને સૌની નજર ભારતમાં રમાનારા આઈસીસી વર્લ્ડકપ પર છે. જેમાં પ્રથમ તથા ફાઈનલ સહિતના પાંચ મેચ અમદાવાદમાં અને ખાસ કરીને ભારત-પાક જંગ અમદાવાદના મોદી સ્ટેડીયમમાં રમાશે તેની ટિકીટની જબરી ડિમાન્ડ છે તથા અહીની ફાઈવસ્ટારની થ્રીસ્ટાર સહિતની હોટેલો પણ બુક થઈ ગઈ છે અને તેથી હજું જે ક્રિકેટ ચાહકો અમદાવાદ આવીને વર્લ્ડકપના મેચ જોવા માંગે છે તેમના માટે અમદાવાદીઓએ તેમના ‘ઘર-ના-દરવાજા’ ખોલી નાખ્યા છે.
મતલબ કે અગાઉ પ્રવાસન વિભાગે જે ‘હોમ-સ્ટે’ પોલીસી સહેલાણીઓને પોતાના ઘરે મહેમાન બનાવીને તેમને રહેવા સહિતની સુવિધા આપવાની ‘કમાણી’ કરવાનો આઈડીયો રાજયમાં આવ્યો છે તે અમદાવાદમાં પોતાના ઘરને ઓનલાઈન ‘સર્વિસ એપાર્ટમેન્ટ’ તરીકે રજુ કરીને બહારથી આવનારા ક્રિકેટ ચાહકોને આવકાર આપવા તૈયાર છે. રાજય સરકારની ‘હોમ-સ્ટે’ વેબસાઈટ પર અચાનક જ આ પ્રકારે ‘હોમ-સ્ટે’ ઓફર વધવા લાગી છે. અન્ય ઓનલાઈન પોર્ટલ પર પણ આ પ્રકારની ઓફર વધી છે.
આ માટે નો પોર્ટલ પર હાલ 90 જેટલી પ્રોપર્ટી છે જે એપાર્ટમેન્ટ, વિલા અને અન્ય પ્રકારે જે ખાનગી આવાસો છે તે દર્શાવાયા છે. પંકજ પટેલ નામના એક સીનીયર સીટીઝને નારંગપુરા ક્ષેત્રમાં તેમના એસ.પી.સ્ટેડીયમ નજીકના બંગલાને ‘હોમ સ્ટે’ પર ઓફર કર્યા છે.
તેઓ કહે છે કે, વર્લ્ડકપના મેચ સમયે આ વધારાની આવક બની શકે છે. તેઓના બંગલામાં વધારાના બેડરૂમ સહિતની સુવિધા છે. આ માટે રૂા.10000 થી રૂા.60000નું ભાડું ‘પર નાઈટ’ વસુલશે. હોસ્પીટાલીટી સર્વિસ ફર્મના સ્થાપક મહીપાલસિંઘ સર્વિસ એપાર્ટમેન્ટને પણ ‘હોમ-સ્ટે’ માટે ઓફર કરે છે.
અમદાવાદમાં ક્રિકેટ મેચ માટે ક્રિકેટ બોર્ડ એ અનેક ફાઈવસ્ટાર હોટેલ વિ. બુક કરાવી છે. અનેક હેરીટેજ હોટેલ તરીકે ઓળખાતી પ્રોપર્ટી પણ અગાઉથી બુક થઈ ગઈ છે.