સિહોર તા.પં.ના ચાર સભ્યોની એકાએક ધરપકડ સામે હાઇકોર્ટમાં ધા

14 September 2023 11:21 AM
Ahmedabad Gujarat
  • સિહોર તા.પં.ના ચાર સભ્યોની એકાએક ધરપકડ સામે હાઇકોર્ટમાં ધા

પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણીમાં મતદાનથી વંચિત રાખવાનો આરોપ : બંધારણીય હકકના મામલે પોલીસ રીપોર્ટ-રીટનો આદેશ કરતા ચીફ જસ્ટીસ

અમદાવાદ, તા. 14
સિહોર તાલુકા પંચાયતની ચૂંટણીમાં એક રાજકીય પક્ષના સભ્યોની મતદાનથી વંચિત રાખતો લોકશાહીના ચીરહરણ જેવો કિસ્સો હાઇકોર્ટ સમક્ષ બુધવારે આવ્યો હતો. જેમાં ચીફ જસ્ટીસ સમક્ષ માત્ર મૌખિક રજુઆતના આધારે કોર્ટે ભાવનગર એસ.પી.નો તાબડતોબ રીપોર્ટ મંગાવ્યો હતો. તયારબાદ આ સમગ્ર ઘટનાની ગંભીર નોંધ લેતા પોલીસ ઉચ્ચ વગનો દુરૂપયોગ કર્યાની સૂચક અને આકરી ટીકા પણ કરી હતી સાથે જ આ સમગ્ર મામલે બે દિવસમાં રીટ પીટીશન દાખલ કરવાની છુટ પણ અરજદારોને આપી છે. રજીસ્ટ્રીને પણ આદેશ કરવામાં આવ્યો છે કે આ અરજી દાખલ કરીને યોગ્ય કોર્ટ સમક્ષ સુનાવણી માટે મુકવામાં આવે.

બુધવારે ચીફ જસ્ટીસની કોર્ટ સમક્ષ આ કેસના અસામાન્ય સંજોગો એડવોકેટ બી.એમ.માંગુકિયા દ્વારા મૌખિક રીતે કોઇપણ પ્રકારની પિટિશન વિના રજુ કરાયા હતા. જમાં એવી રજુઆત કરાઇ હતી કે સિહોર તાલુકા પંચાયના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીના મતદાનના કલાકો પહેલા પોલીસે ચાર સભ્યોની ધરપકડ કરી છે અને તેમને મતદાનના અધિકારથી વંચિત રાખી ચૂંટણીને પ્રભાવિત કરવાનો પ્રયત્ન કર્યો છે. તેથી લોકશાહીના રક્ષણ માટે આ મામલો ધ્યાને લેવો જોઇએ.

ચીફ જસ્ટીસ સુનિતા અગ્રવાલની ખંડપીઠે મામલાની ગંભીર નોંધ લઇ એવી ટકોર કરી હતી કે આ તો પોલીસની વગના દુરૂપયોગનો મામલો જણાય છે ત્યારબાદ સરકારને તાત્કાલીક એક વાગ્યા સુધી રીપોર્ટ રજુ કરવાનો આદેશ કર્યો હતો. એક વાગ્યે સરકારે મૌખિક રીતે જણાવ્યું હતું કે આ ચારેય સભ્યો વિરૂધ્ધ અપહરણની પોલીસ ફરીયાદ થઇ છે અને એ અપહરણ પણ ચેરમેનનું કરાયૂં છે. તેથી પોલીસે તેમની ધરપકડ કરી છે. ત્યારે કોર્ટે એવી માર્મિક ટકોર કરી હતી કે કોઇ વ્યકિત આરોપી હોય તો પણ તેને મતદાનનો અધિકાર તો હોય જ છે અમે તેમને મુકત કરવાનો આદેશ કરતા નથી પરંતુ તેમને મતદાન કરવા દો.

જોકે એડવોકેટ માંગુકીયા કહ્યું હતું કે મતદાનનો સમય પૂર્ણ પણ થઇ ગયો છે તેથી કોર્ટે ટકોર કરી હતી કે જો મતદાન પૂર્ણ થઇ ગયું હોય તો હવે આ મામલે કંઇ ન થઇ શકે. અઢી વાગ્યે પોલીસનો રીપોર્ટ આવે ત્યારબાદ જોઇશું.

અઢી વાગ્યે આ કેસની ફરીથી સુનાવણી નીકળી હતી અને એમાં રાજય સરકાર તરફથી જણાવાયું હતું કે એસ.પી. દ્વારા રીપોર્ટ રજુ કરવામાં આવ્યો છે. જેમાં જણાવ્યું છે કે ચારેય સભ્યો દ્વારા ચેરમેનના પત્નીએ આ અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે ચારેય સભ્યોની ધરપકડ કરી હતી જયારે કે અરજદારો તરફથી દાવો કરાયો હતો કે કોઇનું પણ અપહરણ થયું જ નથી. કેમ કે ચેરમેને પણ મતદાન કર્યુ છે.

ત્યારબાદ ખંડપીઠે આદેશમાં નોંધ્યું હતું કે આ મામલો ચાર વ્યકિતઓના મતદાનના અધિકારનો વિષ્ય છે. માત્રને માત્ર મતદાનના અધિકારનો મામલો અમારી સમક્ષ છે અને અમે એ મુદ્દે જ અરજી રજિસ્ટર કરવાની મંજુરી આપી રહ્યા છીએ. એસ.પી. ભાવનગરનો રિપોર્ટ રેકર્ડ પર લેવામાં આવ્યો છે. આ સમગ્ર ઘટના સરકાર પ્રેરીત હોવાનો અરજદારોનો આક્ષેપ છે. આ સમગ્ર ઘટના સરકાર પ્રેરીત હોવાનો અરજદારોનો આક્ષેપ છે અને તેથી જ ચાર સભ્યોની ધરપકડ કરવામાં આવી હતી. એ ચાર પૈકી બે સભ્યોને પોલીસે મુકત કર્યા હોવાથી તેથી મતદાન કરી શકતા હતા. જયારે કે અન્ય કે સભ્યોને મતદાનથી વંચિત રખાયા હતા અને તેઓ હાલ પણ પોલીસની કસ્ટડીમાં છે.

♦ સિહોર તાલુકા ન્યાય સમિતિના ચેરમેનનું ચાર શખ્સોએ કર્યું અપહરણ
► આરોપીઓ કારમાં ઉપાડી ગયા : પત્નીએ નામજોગ નોંધાવી ફરિયાદ

(વિપુલ હિરાણી)
ભાવનગર તા.14

ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના અમરગઢ ગામમાં રહેતા સિહોર તાલુકા ન્યાય સમિતિના ચેરમેનનું ગઈકાલે સાંજના સમયે કારમાં આવેલા ચાર શખ્સો કોઈ કારણોસર અપહરણ કરીને લઈ જતા સોનગઢ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

બનાવ અંગે પ્રાપ્ત વિગત મુજબ સિહોર તાલુકાના અમરગઢ (જીથરી) ગામમાં રહેતા અને સેન્ટીંગ કામ કરતા તેમજ સિહોર તાલુકા ન્યાય સમિતિમાં ચેરમેન તરીકે સેવા આપતા વલ્લભભાઈ દુદાભાઈ મકવાણા ગામમાં આવેલ જગદંબે પાન નામની દુકાન પાસે બેઠા હતા ત્યારે સફેદ કલરની કારમાં આવેલા બટુક ભુપતભાઈ મકવાણા રહે. વરલ, ચંદુ મોહનભાઈ ગોહિલ રહે. ઘાંઘળી, ભોજરાજસિંહ રહે. ટાણા અને કરણભાઈ મોરી રહે. બોરડી એ વલ્લભભાઈ સાથે કોઈ વાતચીત કર્યા બાદ બળજબરીપૂર્વક તેમને કારમાં બેસાડી અપહરણ કરીને લઈ ગયા હતા.

આ બનાવ અંગે વલ્લભભાઈના પત્ની ગૌરીબેન મકવાણાએ ચાર શખ્સ વિરૂદ્ધ તેમના પતિનું અપહરણ કર્યાની ફરિયાદ નોંધાવતા સોનગઢ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.


Related News

Advertisement
Advertisement
Advertisement