રાજકોટ,તા.14
ઓઈલ કંપનીઓએ છ વર્ષથી પેટ્રોલ, ડીઝલના ડીલર માર્જિનમાં વધારો નહીં કરતા તેમજ સીએનજીના ડીલર માર્જિન 17 મહિનાથી નહીં ચુકવાતા આવતીકાલે તા.15ના રોજ રાજકોટ સહિત રાજયભરના ડીલરો પેટ્રોલ-ડીઝલની ખરીદી નહીં કરે જો કે તમામ પેટ્રોલ પંપો પર ઈંધણનું વેચાણ શરૂ રહેશે. ગ્રાહકોને કોઈ તકલીફ નહીં પડે.
ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલીયમ ડીલર્સ એસો.નાં અરવિંદભાઈ ઠકકર અને જનરલ સેક્રેટરી ધીમંત ઘેલાણી, સીએનજીના ગોપાલભાઈ ચુડાસમાની સંયુકત યાદીમાં જણાવ્યા મુજબ ડીલરોના ઘણા સમયથી પડતર પ્રશ્નો છે. વખતોવખત સેન્ટ્રલ ગવર્મેન્ટ પેટ્રોલીયમ મંત્રાલય સુધી રજૂઆતો કરવા છતા છેલ્લા 6 વર્ષથી ડીલર માર્જીનમાં વધારો થયો નથી.
સીએનજી માર્જીન પણ 17 મહિનાથી મળેલ નથી. બ્રાન્ડેડ પેટ્રોલ-ડીઝલ ફરજીયાત વેચવા કંપનીઓ ડીલરો પર દબાણ કરી પરેશાન કરે છે પેટ્રોલ પંપો ચલાવવા અને કર્મચારીઓને પુરતુ વેતન આપવું મુશ્કેલ બનતા કાલે તા.15ને શુક્રવારે ડીલરો પેટ્રોલ-ડીઝલ નહીં ખરીદવા નિર્ણય લઈ તેની જાણ ઓઈલ કંપનીઓ અને પુરવઠા ખાતુ ગાંધીનગરને કરેલ છે. જોકે તમામ પેટ્રોલ પંપો પર ગ્રાહકોને તકલીન ન પડે તે માટે પેટ્રોલ ડીઝલનું વેચાણ શરૂ રહેશે.