દિવાળી વેકેશનમાં વિદેશ પ્રવાસ મોંઘો પડશે: 1લી ઓકટોબરથી ટીસીએસ લાગુ થશે

14 September 2023 12:11 PM
India Travel
  • દિવાળી વેકેશનમાં વિદેશ પ્રવાસ મોંઘો પડશે: 1લી ઓકટોબરથી ટીસીએસ લાગુ થશે

પ્રવાસન સીઝન ટાણે જ ભારતીયોને ફટકો પડશે: શિક્ષણ-સારવાર જેવા ક્ષેત્રોને પણ અસર થશે

નવી દિલ્હી તા.14 : તહેવારોની સીઝન શરૂ થવાની સાથે જ લોકો દિવાળી વેકેશનના પ્રવાસનાં પ્લાનીંગ કરવા લાગ્યા છે. પરંતુ આ વખતે ખાસ કરીને વિદેશ પ્રવાસ મોંઘો પડવાનો છે.1લી ઓકટોબરથી વિદેશમાં સાત લાખથી વધુનાં ખર્ચ પર ટેકસ કલેકશન એટ સોર્સ (ટીસીએસ) લાગુ પડનાર હોવાથી વિદેશ પ્રવાસ મોંઘો પડશે. પહેલી ઓક્ટોબર 2023થી ટીસીએસ એટલે કે ટેક્સ કલેક્શન એટ સોર્સના નવા રેટ અમલમાં આવી રહ્યા છે. તેના કારણે લોકોએ વિદેશમાં જે કોઈ ખર્ચ થાય તેના પર જંગી ટેક્સ ચુકવવાની તૈયારી રાખવી પડશે.

વિદેશ પ્રવાસ, ફોરેન એજ્યુકેશન, વિદેશમાં ડેબિટ કાર્ડ કે ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ, અન્ય પેમેન્ટ વગેરે એક લિમિટથી વધારે હશે તો 20 ટકા સુધી ટીસીએસ ચૂકવવાની તૈયારી રાખવી પડશે. વિદેશમાં મૂડી રોકાણ કરો અથવા વિદેશી શેર કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ પર પણ ટીસીએસ લાગશે. આ માટે વાર્ષિક લિમિટ સાત લાખ રૂપિયા નક્કી કરવામાં આવી છે. તેનાથી ઉપર જે પેમેન્ટ થાય તે ટીસીએસને આધિન રહેશે. લિબરલાઈઝ્ડ રેમિટન્સ સ્કીમ હેઠળ વિદેશથી એક વર્ષમાં 2.50 લાખ ડોલર સુધી સ્વદેશ મોકલાવી શકો છો. વિદેશમાં મોકલવામાં આવેલી તમામ રકમ માટે ઓક્ટોબરથી 7 લાખની લિમિટ હશે.

આખા વર્ષમાં 7 લાખ રૂપિયાથી વધારે રકમ મોકલાય તો તેના પર 20 ટકા ટીસીએસ લાગુ પડશે. તેમાંથી મેડિકલ અને એજ્યુકેશનના હેતુ માટે મોકલાયેલી રકમ બાકાત છે. એજ્યુકેશન માટે તમે એક વર્ષમાં 7 લાખ રૂપિયા સુધી બહાર મોકલો તો તેના પર કોઈ ટીસીએસ નથી. પરંતુ કોઈ નાણાકીય સંસ્થામાંથી લોન લઈને એક વર્ષની અંદર એજ્યુકેશન માટે 7 લાખ રૂપિયાથી વધારે રકમ વિદેશ મોકલવામાં આવે તો તેના પર 0.5 ટકા ટીસીએસ લાગશે. એજ્યુકેશન માટે 7 લાખથી વધારે રકમ રેમિટ કરવામાં આવે અને તે લોન લીધેલી નહીં હોય તો 5 ટકા ટીસીએસ લાગશે. મેડિકલ ટ્રીટમેન્ટ માટે વિદેશમાં મૂડી ખર્ચવામાં આવે તેના પર 5 ટકાના દરે ટીસીએસ લાગશે

અને તેની લિમિટ વાર્ષિક 7 લાખ રૂપિયાની રહેશે. એજ્યુકેશન અને મેડિકલ સારવારને લગતા નાના-મોટા ખર્ચ માટે વિદેશમાં જે રેમિટન્સ કરવામાં આવે તેના માટે એટલો જ ટીસીએસ લાગુ પડશે જે મેડિકલ ટ્રીટમેન્ટ માટે લાગુ પડે છે. વિદેશી ટુર પેકેજમાં ટીસીએસમાં કોઈ રાહત નહીં મળે ભલે પછી તેમાં સાત લાખ રૂપિયા કરતા ઓછો ખર્ચ થયો હોય. એક વર્ષમાં 7 લાખ રૂપિયા સુધીનો વિદેશી ટુર પેકેજ પર 5 ટકા ટીસીએસ લાગશે અને સાત લાખ રૂપિયાથી વધારે ખર્ચ થશે તો તેના પર 20 ટકા ટેક્સ લાગશે. વિદેશમાં મૂડી રોકાણ માટે રેમિટન્સ કરવામાં આવે

તો સાત લાખ સુધીના રોકાણ પર 20 ટકા ટીસીએસ લાગશે. પરંતુ એક વર્ષમાં શેર કે મ્યુચ્યુઅલ ફંડ માટે 7 લાખથી વધારે ખર્ચ કરવામાં આવે તો તે વધારાની રકમ પર પણ 20 ટકા ટેક્સ લાગશે. તેમાં પ્રોપર્ટી, ક્રિપ્ટોકરન્સી, મ્યુચ્યુઅલ ફંડ કે શેરમાં થયેલું રોકાણ સામેલ છે. જોકે, તમે વિદેશી શેરોમાં એક્સપોઝર ધરાવતા ડોમેસ્ટિક મ્યુચ્યુઅલ ફંડમાં મૂડી રોકશો તો તેના પર ટીસીએસ લાગુ નહીં થાય. વિદેશમાં ક્રેડિટ કાર્ડના ટ્રાન્ઝેક્શન પર કોઈ ટીસીએસ લાગુ નહીં થાય. પરંતુ ડેબિટ કાર્ડ કે ફોરેક્સ કાર્ડથી પેમેન્ટમાં 7 લાખ રૂપિયા સુધીના વાર્ષિક પેમેન્ટ પર 20 ટકા ટીસીએસ ભરવો પડશે.


Related News

Advertisement
Advertisement
Advertisement