રાજકોટ,તા.14
સૌરાષ્ટ્ર-ગુજરાતને એકાદ માસ સુધી ધમરોળ્યા બાદ મેઘરાજા છેલ્લા દોઢેક મહિનાથી અદ્રશ્ય છે. પરંતુ હવે વિક એન્ડથી ફરી વરસાદ થવાની સંભાવના છે. હવામાન વિભાગે રીપોર્ટમાં દર્શાવ્યા પ્રમાણે આવતીકાલ સુધી મુખ્યત્વે દક્ષિણ-ઉતરનાં રાજયોમાં છુટોછવાયો વરસાદ થવાની સંભાવના છે.
આ દરમ્યાન અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, જુનાગઢ તથા રાજકોટ જીલ્લામાં પણ કયાંક-કયાંક ઝાપટા પડવાની સંભાવના છે. શનિવારથી વરસાદી ગતિવિધી વ્યાપ વધશે અને વધુ વિસ્તારોમાં વરસાદ પડશે.
રીપોર્ટમાં જણાવાયા પ્રમાણે શનિવારે વલસાડ, છોટા ઉદેપુર, નર્મદા, ડાંગ, નવસારી તાપીમાં કેટલાંક સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે. અમરેલી, ભાવનગર તથા ગીર સોમનાથમાં ગાજવીજ-વિજળીનાં કડાકાભડાકા તથા વીજ પવન સાથે અમુક ભાગોમાં વરસાદ થઈ શકે છે.
તા.17 ને રવિવારે સુરત, ડાંગ, નવસારી, વલસાડમાં અમુક સ્થળે ભારેથી અતિભારે તથા આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, ભરૂચ, તાપીમાં ભારે વરસાદ તથા સૌરાષ્ટ્રનાં ભાવનગર, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી, ગીર સોમનાથ તથા કચ્છમાં ગાજવીજ સાથે હળવો મધ્યમ વરસાદ થઈ શકે છે.