રાજકોટ : ‘સાંજ સમાચાર’માં દર શનિવારે પ્રસિદ્ધ થતી ક્રિકેટ ક્લાસિકસ્ કોલમના લેખક, સૌરાષ્ટ્ર રણજી ટીમના પૂર્વ કેપ્ટન, નિવૃત્ત ઈનકમ ટેક્સ આસિસ્ટન્ટ કમિશનર, BCCI પેનલ મેચ રેફરી પ્રકાશ ભટ્ટ હવે એક અનેરી સિધ્ધિ હાંસલ કરવા જઈ રહ્યા છે. અગાઉ આઈપીએલ ના અનેક મેચમાં બખૂબી મેચ રેફરી તરીકે સેવા આપ્યા બાદ હવે તેઓ આંતરરાષ્ટ્રીય મેચ માટે જવાબદારી નિભાવવા માટે જઈ રહ્યા છે. તેઓ આગામી 19 સપ્ટેમ્બર થી ચીનના હંગઝાઉમાં યોજાનાર એશિયન ગેમ્સમાં મહિલા એન પુરુષ ક્રિકેટ ટુર્નામેન્ટ માટે મેચ રેફરી રહેશે.
► અગાઉ આઈપીએલ ના મેચ માટે મેચ રેફરી રહ્યા હતા, હવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચમાં રેફરી રહેશે
એશિયન ક્રિકેટ કાઉન્સિલ અને ભારતીય ક્રિકેટ બોર્ડ દ્વારા પ્રકાશ ભટ્ટની મેચ રેફરી તરીકેની નિયુક્તિ કરવામાં આવી છે. પ્રકાશ ભટ્ટ 15 સપ્ટેમ્બર ના રોજ રાજકોટ થી હોંગકોંગ થઈને પહોંચે જેમાં સૌ પ્રથમ 19 સપ્ટેમ્બરના મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટ શરૂ થશે જે 28 સપ્ટેમ્બર ના રોજ પૂર્વ થશે અને ત્યારબાદ પુરુષોની ક્રિકેટ ટુર્નામેન્ટ શરૂ થશે. ઉલ્લેખનીય છે કે એશિયન ગેમ્સમાં 37 સ્પોટર્સ માંથી સૌપ્રથમ વખત જ ક્રિકેટ એક સ્પર્ધાત્મક રમત તરીકે સમાવેશ કરવામાં આવે છે. એશિયાની કુલ 18 ટીમ ભાગ લેશે. ઇન્ડિયા પાકિસ્તાન શ્રીલંકા બાંગ્લાદેશ જેવી ટીમો સીધા ક્વોટર ફાઈનલ મેચ રમશે. આ ટી 20 સ્પર્ધા હોંગઝાઉ યુનિવર્સિટી ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાશે.
► ભારતમાંથી એક માત્ર મેચ રેફરી તરીકે એશિયન ક્રિકેટ કાઉન્સિલ તથા ભારતીય ક્રિકેટ બોર્ડ દ્વારા નિયુક્તિ કરાઇ : એશિયન ગેમ્સમાં સૌપ્રથમ વખત જ ક્રિકેટ રમાશે
ભારત તરફથી ઋતુરાજ ગાયેકવાડ ટીમની કેપ્ટનશિપ કરશે. પ્રકાશ ભટ્ટ ભારતમાંથી એકમાત્ર મેચ તરીકે સેવા આપવા માટે પસંદગી પામેલ છે. આ પહેલા પણ તેઓએ આઈપીએલ દરમિયાન દુબઈ અને ભારતમાં રમાયેલ મેચો માટે મેચ રેફરી તરીકે ફરજ બજાવી હતી. પ્રકાશ ભટ્ટ સૌરાષ્ટ્ર રણજીત ટીમના ભૂતપૂર્વ કેપ્ટન રહી ચૂક્યા છે અને ઇન્કમટેક્સ વિભાગમાં તેઓ આસિસ્ટન્ટ કમિશનર તરીકે ફરજ બજાવી ચૂક્યા છે અને હાલમાં જ તેઓ નિવૃત્ત થયા છે.