વડોદરામાં ગણેશની મૂર્તિને ગાયના છાણમાંથી બનેલી 1 લાખ અગરબત્તીનો શણગાર

15 September 2023 12:06 PM
Vadodara Gujarat
  • વડોદરામાં ગણેશની મૂર્તિને ગાયના છાણમાંથી  બનેલી 1 લાખ અગરબત્તીનો શણગાર

અગરબત્તીથી સજેલી મૂર્તિ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની

વડોદરા, તા. 15
ટુંક સમયમાં ગણેશોત્સવનું આગમન થઇ રહ્યું છે ત્યારે વડોદરામાં એક ગણેશ મંડળે 1 લાખથી વધુ અગરબત્તીથી ગણેશજીની મૂર્તિથી સજાવી છે. શહેરના દાંડિયાબજાર પીરામીતા રોડ વિસ્તારના પ્રગતિ યુવક મંડળના આયોજકો દ્વારા આ વર્ષે ગાયના છાણમાંથી બનાવેલી એક લાખથી વધુ અગરબત્તીનો ઉપયોગ કરી શ્રીજીની 8 ફૂટની મનમોહક મૂર્તિનું ડેકોરેશન તૈયાર કરવામાં આવ્યું છે. અગરબત્તીમાંથી ડેકોરેશન થયેલી આ ગણેશજીની મૂર્તિ ભક્તોમાં આકર્ષણનું કેન્દ્ર બની છે.

પ્રગતિ યુવક મંડળ દ્વારા વર્ષોથી અહીં ગણેશજીનું સ્થાપન કરવામાં આવે છે. આ મંડળમાં 20 જેટલા સભ્યો છે, જેમાં કેટલાક નોકરી કરે છે તો કેટલાક અભ્યાસ કરે છે. ગણેશજીની મૂર્તિના શણગાર માટે ગાયના છાણમાંથી વિશેષ ચોરસ આકારમાં બનાવવામાં આવેલી અગરબત્તીનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

દાંડિયા બજાર પ્રગતિ યુવક મંડળના સભ્ય મનીષ રાણાએ જણાવ્યું હતું કે અમારી ગણપતિની 8 ફૂટની મૂર્તિ છે. એના પર એક લાખથી વધુ અગરબત્તી ચોંટાડીને ડેકોરેશન કર્યું છે. છેલ્લા 45 દિવસથી ડેકોરેશન માટેનું કામ ચાલુ છે. અગરબત્તી ગાયના છાણમાંથી બનેલી છે અને તેને ગણપતિની પ્રતિમા પર ફેવિકોલથી ચોંટાડવામાં આવી છે.

તેમણે વધુમાં ઉમેર્યુ હતું કે 1990થી આ પ્રકારે અમે ગણપતિની પ્રતિમાને અલગ-અલગ પ્રકારનું ડેકોરેશન કરીએ છીએ. સૌથી પહેલા અમે દિવાસળીથી ગણેશજીનું ડેકોરેશન કર્યું હતું. ત્યાર બાદ મીણબત્તી, અગરબત્તી અને રાખડીથી ડેકોરેશન કર્યું હતું. આ વર્ષે ફરી અમે અગરબત્તીથી ડેકોરેશન કર્યું છે અને આવતા વર્ષે તમને કંઇક અલગ ડેકોરેશન જોવા મળશે.


Related News

Advertisement
Advertisement
Advertisement