(કેશુભાઈ માવદીયા) માધવપુર તા.15 : માધવપુર ઘેડ ગામે છેલ્લા ઘણા સમયથી કાયદો વ્યવસ્થા કથળી રહી છે. દારૂડીયાઓ જાહેરમાં દારૂ ઢીચી દાદાગીરી કરતા હોવા છતાં પોલીસ મુક પ્રેક્ષક બની છે ત્યારે દારૂડીયાઓ બેફામ બનતા મહિલાઓએ સ્થાનીક પોલીસની મદદ માંગતા કોઈ મદદ કે જવાબ નહીં મળતા આખરે જીલ્લા કક્ષાએ ફોન કરી એસપી પાસે દાદ માંગતા પોલીસ દોડતી થઈ હતી.
માધવપુર ઘેડ ગામ જાહેરમાં ગુંડાગીરી અને દારૂ પીવાતો હોવાથી નશાખોરો બેફામ બની મહિલા યુવતીઓ અને નિર્દોષ નાગરીકોને હેરાન કરતા અલ્પાબેન દિનેશભાઈ માવદીયાએ સ્થાનીક પોલીસની મદદ માંગતા પોલીસે કોઈ જવાબ કે મદદ નહીં પુરી પાહતા હિંમત એકઠી કરી જીલ્લા પોલીસ વડાના કંટ્રોલ રૂમને ફોન જોડી વાકેફ કરતા આખરે સ્થાનીક પોલીસના પણ નીચે રેલો આવતા તુરત જ દોડી આવી બંદોબસ્ત જાળવ્યો હતો. માધવપુર ઘેડ ગામે ચાલતી અસામાજિક પ્રવૃતિ, ગુંડાગીરી, જાહેરમાં દારૂનું વેચાણ થતુ હોવા છતાં સ્થાનિક પોલીસ કોઈ કાર્યવાહી નહીં કરતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ સરપ્રાઈઝ પેટ્રોલીંગ કરાવે તેવી માંગણી છે.