સૌરાષ્ટ્ર-ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ: તા.23 સુધી મહેર વરસશે

15 September 2023 03:30 PM
Rajkot Gujarat Saurashtra
  • સૌરાષ્ટ્ર-ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ: તા.23 સુધી મહેર વરસશે

◙ દોઢેક મહિનાથી અદ્દશ્ય મેઘરાજા ફરી ગુજરાતમાં ટકોરા મારશે

◙ જાણીતા વેધર એનાલીસ્ટ અશોકભાઈ પટેલની આગાહી: લો-પ્રેસર, બહોળુ સરકયુલેશન, ચોમાસુ ધરી સહિતના પોઝીટીવ પરિબળો સર્જાયા

◙ સૌરાષ્ટ્રમાં અલગ-અલગ દિવસે 3 ઈંચ સુધી તો કયાંક 5 ઈંચથી વધુ અને ગુજરાતમાં 2થી8 ઈંચ સુધી વરસાદની શકયતા

રાજકોટ,તા.15
દોઢેક મહિના જેવા લાંબા વરસાદી બ્રેક બાદ સૌરાષ્ટ્ર-ગુજરાતમાં ફરી મેઘરાજાનો નવો રાઉન્ડ શરુ થઈ રહ્યો છે. આગામી 23 સપ્ટેમ્બર સુધીમાં રાજયમાં સાર્વત્રિક વરસાદ પડવાની આગાહી જાણીતા વેધર એનાલીસ્ટ અશોકભાઈ પટેલે કરી છે.

તેઓએ આજે વાતચીતમાં જણાવ્યું હતું કે, બંગાળની ખાડીમાં ઉદભવેલુ લો-પ્રેસર ઓડિશા-છતીસગઢ થઈને પૂર્વ મધ્યપ્રદેશમાં પહોંચ્યું છે અને હવે વધુ આગળ વધીને પશ્ચિમ મધ્યપ્રદેશ-ગુજરાત પર આવશે. અનેકવિધ પરિબળોની પોઝીટીવ અસર રહેવાથી મેઘરાજા ફરી જાહેર કરશે.

સૌપ્રથમ વેલમાર્ક લો-પ્રેસરને આનુસાંગીક 3.1 કી.મી.ન લેવલનું અપર એર સાયકલોનીક સરકયુલેશન મધ્યપ્રદેશ પરથી પસાર થશે જયારે 5.8 કીમી લેવલનું અપર એર સાયકલોનીક સરકયુલેશન મધ્યપ્રદેશ-મહારાષ્ટ્ર બોર્ડરથી પસાર થશે. ચોમાસુ ધરી 1.50 કીમીના લેવલે નોર્મલ કે નોર્મલથી દક્ષિણે રહેશે અને તેનો પશ્ચિમ છેડો આવતા દિવસોમાં ગુજરાત સુધી આવી શકે છે.

સિસ્ટમના 3.1 કીમી તથા 5.8 કીમી લેવલના અપર એર સાયકલોનીક સરકયુલેશનનો પશ્ચિમ છેડો ગુજરાત સુધી લંબાશે અને અરબી સમુદ્રનું ટ્રફ પણ સિસ્ટમ સુધી લંબાઈને પસાર થશે.

મોનસુન ટ્રફ દક્ષિણ ગુજરાતથી મહારાષ્ટ્ર-કર્ણાટક સુધી સક્રીય રહેશે. તેઓએ તા.16થી23 સપ્ટેમ્બર સુધીની આગાહી કરતા કહ્યું કે રાજયભરમાં અલગ-અલગ દિવસે સાર્વત્રિક વરસાદ થવાની સંભાવના છે. અનેક ભાગોમાં વરસાદના એકથી વધુ રાઉન્ડ થશે.

સૌરાષ્ટ્ર-કચ્છને લાગેવળગે છે ત્યાં સુધી અલગ-અલગ દિવસે છુટોછવાયો 35થી75 મીમી (દોઢથી ત્રણ ઈંચ) વરસાદ થઈ શકે છે. વધુ વરસાદવાળા વિસ્તારોમાં આ માત્રા 75 થી 125 મીમી (3થી5 ઈંચ) થઈ શકે છે.

ગુજરાત રીજીયનમાં પણ આ દરમ્યાન અલગ-અલગ દિવસોમાં 50થી100 મીમી (બે થી ચાર ઈંચ) વરસાદ થશે જયારો વધુ વરસાદવાળા સેન્ટરોમાં આ માત્રા 100થી200 મીમી અર્થાત 4થી8 ઈંચની પણ શકયતા છે.


Related News

Advertisement
Advertisement
Advertisement