નવીદિલ્હી,તા.15 : આઈસીસી ઓડીઆઈ રેન્કીંગમાં ભારતે પાકિસ્તાનેન પાછળ રાખી દીધું છે. તો ઓસ્ટ્રેલિયાને ફાયદો થયો છે. હાલ ભારતીય ટીમ રેન્કીંગમાં બીજા સ્થાને પહોંચી ગઈ છે. અને ઓસ્ટ્રેલિયાની ટીમ હજુ પણ પ્રથમ સ્થાને છે. એશિયા કપ 2023માં ભારતે શાનદાર પ્રદર્શન કરી ફાઈનલમાં પોતાની જગ્યા સુનિશ્ર્ચિત કરી દીધી છે. શ્રીલંકાએ પણ પાકિસ્તાનને હારનો સ્વાદ ચખાડી ફાઈનલમાં સ્થાન મેળવ્યું છે. હવે ભારત-શ્રીલંકા વચ્ચે કોલંબોમાં જ ફાઈનલ રમાશે.
ભારત સાથેની કારમી હાર પછી શ્રીલંકા સામે પણ હાર મળ્યા પછી પાકિસ્તાનને ઓડીઆઈ રેન્કીંગ્સમાં ખાસા પોઈન્ટ્સનું નુકસાન થયું છે. પહેલા નંબરથી હવે તેઓ સીધા ત્રીજા નંબરે ધકેલાઈ ગયા છે. એશિયા કપમાંથી પણ તેઓ હવે બહાર થઈ ગયા છે. પાકિસ્તાનને સતત 2 હારથી ખૂબ નુકસાન થયું છે. ટીમ ઈન્ડિયાને એશિયા કપમાં તેના શાનદાર પ્રદર્શનનું પરિણામ મળ્યું છે. ભારતીય ટીમ હવે ત્રીજા સ્થાનેથી બીજા સ્થાને પહોંચી ગઈ છે. ઓસ્ટ્રેલિયાની ટીમ હજુ પણ પ્રથમ સ્થાન પર છે. ભારતીય ટીમ આઈસીસી ઓડીઆઈ રેન્કિંગમાં પણ નંબર 1નું સ્થાન હાંસલ કરી શકે છે.
રેન્કિંગ પર નજર કરીએ તો ઓસ્ટ્રેલિયા 118 રેટિંગ પોઈન્ટ સાથે પ્રથમ સ્થાને છે અને ભારત 116 રેટિંગ પોઈન્ટ સાથે બીજા સ્થાને છે. બંને ટીમો 15 સપ્ટેમ્બરે એક-એક વનડે મેચ રમશે. જ્યાં ટીમ ઈન્ડિયાનો મુકાબલો બાંગ્લાદેશ અને ઓસ્ટ્રેલિયાનો સામનો દક્ષિણ આફ્રિકા સામે થશે. જો ભારત તેની મેચ જીતી જાય છે અને ઓસ્ટ્રેલિયાને દક્ષિણ આફ્રિકા સામે હારનો સામનો કરવો પડે છે તો ટીમ ઈન્ડિયા 116 રેટિંગ પોઈન્ટ સાથે આઈસીસી રેન્કિંગમાં પ્રથમ સ્થાને પહોંચી જશે. જ્યારે ઓસ્ટ્રેલિયાને 115 રેટિંગ પોઈન્ટ્સ મળશે.