♦ ગઈકાલે સાંજે સાંસદ રામભાઈ મોકરિયા એરપોર્ટની મુલાકાતે ગયા, સફાઈ - પાણીની વ્યવસ્થા અંગે અધિકારીઓને કડક સૂચના અપાઇ
રાજકોટ : શહેરથી 30 કિમી. દૂર રાજકોટ એરપોર્ટ પર પ્રાથમિક સુવિધાઓના અભાવના કારણે હાલ ચર્ચામાં છે. અનેક મુસાફરો જે એરપોર્ટ પર પહોંચે છે તે લક્ઝરી નહિ પણ બેઝિક જરૂરિયાત પ્રમાણે સુવિધાઓની અપેક્ષા કરે છે. ત્યારે ટોઇલેટમાં પાણી ન હોવું, પીવાના પાણીની પૂરતી વ્યવસ્થા ન હોવી, પાર્કિંગ માટેની વ્યવસ્થા ન હોવી, તે ખૂબ જ નિરાશાજનક છે અને ખરાબ પ્લાનિંગ હોવાની સાબિતી આપે છે.
મુસાફરો જ્યારે ટિકિટના પૈસા ખર્ચીને એરપોર્ટ પર પહોંચે છે અને તેમના વિમાનમાં બેસવાની રાજ જોવે છે ત્યારે તેમની માટે પ્રાથમિક અને પાયાની સુવિધાઓ જોવી આવશ્યક છે. પરંતુ નવું એરપોર્ટ જે 27 જુલાઈના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના હસ્તે લોકાર્પણ થયું અને ત્યારબાદ દોઢ મહિના બાદ કાર્યરત થયું તેમ છતાં હજુ સુધી સુવિધાઓ ગોઠવી નથી શક્યા.
ગઈકાલે પ્રફુલ પટેલ રાજકોટ એરપોર્ટ પર પહોંચ્યા, ઓથોરીટી - એરલાઇન્સ વચ્ચે સંકલનના અભાવે તેમને રીસિવ કરવા કોઈ ન પહોચ્યું
રાજકોટ : દીવ દમણના એડમીનીસ્ટ્રેટર, ગુજરાતના પૂર્વ ગૃહ મંત્રી પ્રફુલ પટેલ ગઈકાલે દમણ થી રાજકોટ હેલિકોપ્ટર મારફત પહોંચ્યા હતા. અને ત્યારબાદ તેઓ દિલ્હી માટે ફ્લાઇટમાં રવાના થયા હતા. આ સમયે એરપોર્ટ ઓથોરિટી દ્વારા આવેલ મેસેજ કોઈ એરલાઇન્સને ફોરવર્ડ જ ન થયો અને તેમને પ્રોટોકોલ મુજબ રિસીવ કરવા ન પહોંચી શક્યા. આ સમયે તેઓએ અધિકારીઓને ખખડાવ્યા હોવાની વાત સામે આવી છે. સાંસદ રામભાઈ મોકરિયા પણ ત્યારે દિલ્હી જવા રવાના થયા હતા.
બોલો લ્યો.. એરપોર્ટ ઊભુ થઈ ગયું પણ ... પાણીની ટાંકી જ નથી કરી
પાણીનો સંગ્રહ થાય તેવું આયોજન નથી : આમાં પણ ફરી ટેમ્પરરી ટર્મિનલનો બચાવ થશે ?
રાજકોટ : રાજકોટ શહેરથી 30 કિમી. દૂર હીરાસર ગામે આવેલ નવું ઇન્ટરનેશનલ એરપોર્ટને લઈને ઘણો વિવાદ ચાલી રહ્યો છે. ગત 10 સપ્ટેમ્બરના રોજ એરપોર્ટ શરૂ થઈ ગયું અને ત્યારબાદ પ્રાથમિક સુવિધા જેમને ટોઇલેટમાં પાણી, પીવાના પાણી, સહિતની સુવિધાનો અભાવ હોવાથી મુસાફરોમાં રોષ જોવા મળ્યો હતો. જોકે ભાજપ નેતાઓ દ્વારા વિડિયો અપલોડ કરી બચાવ કરાયો હતો કે આ ફકત એક કામચલાઉ (ટેમ્પરરી) બિલ્ડિંગ છે અને મુખ્ય ટરમીનલ એપ્રિલ સુધીમાં તૈયાર થશે.
પણ હકીકત એ છે કે, આ ટર્મીનલ બિલ્ડિંગમાં અંદર પાણી પહોંચે તે માટે કોઈ પાઇપ લાઈન અથવા પાણીનો વ્યવસ્થિત સંગ્રહ થાય તેવી વ્યવસ્થા જ નથી કરાઇ. હાલ જે પણ પાણી આવે છે તે બોર, અથવા અન્ય પાણીના ટેન્કર મંગાવી અને કામચલાઉ વ્યવસ્થા ઉભી કરાઈ છે. તેથી ઘણી વખત ફોર્સ વગર પાણી આવું અથવા પાણી આવતું જ ન હોવાની ફરિયાદ આવે છે. કોઈ પણ નવી વ્યવસ્થા કરાઇ તેમાં કોમન સેન્સ છે કે સૌપ્રથમ પાણીનો સંગ્રહ થાય તેવી વ્યવસ્થા પહેલા ઊભી કરવાની હોય છે.
રાજકોટના જૂના એરપોર્ટનું ફર્નિચર સેટ કરાયું
વડોદરા એરપોર્ટથી બેઠક વ્યવસ્થા માટે ફર્નિચર આવ્યું પણ તકલાદી નીકળ્યું એટલે પાછું મોકલાયું
રાજકોટ : નવા એરપોર્ટ પર મુસાફરોને ચેક ઇન થઈ જાય બાદ બેઠક વ્યવસ્થા ઉભી કરાઈ છે . આ માટે ફર્નિચર રાજકોટના જ જૂના એરપોર્ટ પર થી શિફ્ટ કરાયું છે. આ એક ટેમ્પરરી બિલ્ડિંગ હોવાંથી જૂનું ફર્નિચર વાપર્યું હોય તેવું જણાય છે. પરંતુ આ ઉપરાંત વડોદરા એરપોર્ટ પરથી જૂનું ફર્નિચર આવ્યું જેની ક્વોલિટી બરાબર ન હોવાથી તેને પરત મોકલાયું હતું. હવે નવા ફર્નિચર વ્યવસ્થાની રાહ જોવામાં આવે છે.
આવું છે એસટી શટલ માટેનું બસ સ્ટેન્ડ : કાચું કામ, ધૂળમાં મુસાફરોને બેસવું પડે
રાજકોટ : શહેરથી 30 કિમી દૂર આવેલ રાજકોટ એરપોર્ટ પર રાજકોટ એસટી તંત્ર દ્વારા સિટીમાં આવવા માટે શટલ બસ શરૂ કરવામાં આવી છે. ત્યારે આ શટલ બસ આવે અને મુસાફરોનું પ્લેન લેન્ડ થાય તે વચ્ચે રાહ જોવા માટે બસ સ્ટેન્ડ વ્યવસ્થિત હોવું જોઈએ. પરંતુ કાચું કામ અને ધૂળ તથા કચરા વચ્ચે બેસવાની ફરજ પડાઈ છે. લોકો ગરમી વચ્ચે આ પ્રકારની અસુવિધા થી અકળાયા છે.
2500 એકરનું એરપોર્ટ અને ફકત ટુ લેન રોડ, દરરોજ ટ્રાફિક જામ સર્જાય છે
પાર્કિંગ ટૂંકુ પડે છે, લોકો રસ્તા પર પાર્ક કરે તો મેમો ફટકારવામાં આવે છે
રાજકોટ : શહેરના નવા એરપોર્ટ પર પાર્કિંગને લઈને સમસ્યા ઊભી થઈ છે. 2500 એકરમાં ઉભુ કરાયેલ એરપોર્ટ પર પહોંચવા માટે ફકત ટુ લેઈન રોડ જ બનાવવામાં આવ્યો છે. સ્વાભાવિક છે કે જ્યારે બે ફ્લાઇટ ના મુસાફરો ભેગા થાય ત્યારે પાર્કિંગ ફૂલ થાય છે અને ટ્રાફિક જામ સર્જાય છે. આ ઉપરાંત પાર્કિંગનું ગ્રાઉન્ડ ફૂલ થયા બાદ લોકોને રસ્તા પર વાહનો પાર્ક કરવાની ફરજ પડે છે ત્યારે તેમને મેમો આપવામાં આવે છે.
જૂના એરપોર્ટના અમુક કર્મચારી ફરી કળા દેખાડી ? પોર્ટર, સફાઈના ટેન્ડરથી લઈને અનેક પ્રક્રિયામાં ‘રસ’ લે છે
રાજકોટ : જૂના એરપોર્ટના અમુક કર્મચારી જે અગાઉ પણ અનેક વિવાદમાં આવી ગયા હતા તે નવા એરપોર્ટમાં પોતાની કળા દેખાડી હોવાની વાત સામે આવે છે. એરપોર્ટ ઓથોરિટીના ઉચ્ચ અધિકારી થી અત્યંત ‘નજીક’ એવા આ કર્મચારી તેના વિભાગ ઉપરાંત પણ અનેક વ્યવસ્થાઓમાં રસ દેખાડે છે, એટલું જ નહિ પણ ફેરફાર પણ કરાવતા હોવાની ચર્ચા છે.
આ કર્મચારી પોર્ટર વ્યવસ્થા, સફાઈ વ્યવસ્થા જેવી એજન્સી કોણે અપાઈ, કોને કામ મળે, કેવી રીતે ટેન્ડર ભરાય, કોને ટેન્ડર મળે છે, વગેરે તેવી પ્રક્રિયામાં પોતાનો વિભાગ ન હોવા છતાં ભાગ લે છે અને ગોલમાલ થઈ હોવાની ચર્ચા છે. ઘણા લોકો આ બાબતે નારાજ છે પણ આ વ્યક્તિએ એરપોર્ટ શહેર થી ‘દુર’ હોવાથી તેનો ઘણો ‘નજીક’થી ફાયદો લીધો હોવાની વાત છે.
પાણીના ફકત 20 લીટર ના RO મશીન, વિવાદ થતા 50 લીટરના ત્રણ વધુ મશીન ઓર્ડર કરાયા - બે દિવસમાં આવશે
રાજકોટ : જ્યાં દરરોજ 2500 જેટલા મુસાફરોની આવાગમન થતું હોય ત્યાં પીવાના પાણીની પણ વ્યવસ્થા નથી બરાબર. ફકત બે કૂલર મુકાયા હતા જે માત્ર 20 લીટર કેપેસીટીના હતા. વિવાદ સર્જાતા, અને લોકોનો ફ્લો જોતા હવે 50 લીટરના ત્રણ મશીન ઓર્ડર કરાયા જે હવે બે દિવસમાં આવશે.