સોમવારથી સંસદનું ખાસ સત્ર: રાજકીય ઉતેજના- સસ્પેન્સ વધ્યા

16 September 2023 11:28 AM
India Politics
  • સોમવારથી સંસદનું ખાસ સત્ર: રાજકીય ઉતેજના- સસ્પેન્સ વધ્યા

► કાલે સંસદના નવા ભવન પર ત્રિરંગો લહેરાવશે બન્ને ગૃહોના અધ્યક્ષ

► ગણેશ ચતુર્થીના દિને નવા ભવનમાં બેસશે સંસદ: મોદી બંધારણની પ્રત લઈને દાખલ થશે

નવી દિલ્હી: દેશમાં પાંચ રાજયોની ધારાસભા ચુંટણી અને આગામી વર્ષની લોકસભા ચૂંટણી પુર્વે જ કેન્દ્રની મોદી સરકારે સોમવારથી સંસદના પાંચ દિવસના ખાસ સત્રના મર્યાદીત જાહેર થયેલા એજન્ડા અને વધેલી અટકળોથી રાજકીય ઉતેજના વધી ગઈ છે. તા.18થી22 સુધી ચાલનારા આ સત્રમાં દિલ્હીના સેન્ટ્રલ વિસ્ટામાં નિર્માણ કરાયેલા સંસદના નવા ભવન પર કાલે પ્રથમ વખત રાષ્ટ્રધ્વજ લહેરાવાશે. લોકસભા અધ્યક્ષ શ્રી ઓમ બિરલા રાજયસભાના સભાપતિ તથા ઉપરાષ્ટ્રપતિ જયદીપ ધનખડ નવી સંસદનાં ગજદ્વાર પર તિરંગો ફરકાવશે

► પાંચ દિવસના સત્રના જાહેર થયેલા એજન્ડા કરતા પણ કંઈક વધું આશ્ચર્ય સર્જશે મોદી સરકાર: વિપક્ષોને ચિંતા

અને તે સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંભવત: હાજર રહેશે. શ્રી મોદી નવી સંસદમાં જયારે પ્રવેશ કરશે તે સમયે તેઓ પોતાની સાથે દેશના બંધારણની એક નકલ પણ લઈ જશે. જે બાદમાં નવી સંસદના સંવિધાન હોલમાં જે દેશની આઝાદી અને ત્યારબાદની સંસદીય કાર્યપ્રણાલીનો ઈતિહાસ દર્શાવાયો છે ત્યાં રાખવામાં આવશે. તા.19ના મંગળવારે ગણેશ ચતુર્થીના દિને સંસદના નવા ભવનમાં તમામ સાંસદોના પ્રવેશ થશે અને સોમવારે જૂની સંસદમાંજ પ્રથમ દિવસની કામગીરી થશે અને એનડીએએ તેમના તમામ સાંસદોને આ સત્રમાં ખાસ અને સતત હાજર રહેવા માટે વ્હીપ આપ્યા છે. સરકારે આ સત્ર માટે ખાસ એજન્ડા જાહેર કર્યા છે.

► સોમવારે સંસદીય યાત્રાના 75 વર્ષની બન્ને ગૃહોમાં ચર્ચા સાથે જૂના ભવનને અલવિદા કહેવાશે: એનડીએનું વ્હીપ: વિપક્ષો વ્યુહ વગરના

પ્રથમ દિવસે જૂના ભવનમાં રાજયસભા અને લોકસભામાં સંસદની 75 વર્ષની યાત્રા પર ચર્ચા થશે તો બાદમાં ચુંટણી કમિશ્નરની નિયુક્તિ અને તેની સેવા-સંબંધી શરતો વિ.નું વિધેયક રજૂ થશે. ઉપરાંત લોકસભામાં પોષ્ટ ઓફીસ બિલ 2026 એડવોકેટ સંશોધન વિધેયક 2023 અને પ્રેસ રજીસ્ટ્રેશન ઓફ પીટીયોડીકલ જે રાજયસભામાં રજૂ થશે પરંતુ વિપક્ષોને હજું ચિંતા છે કે સરકાર આ પાંચ દિવસના ખાસ સત્રમાં કોઈ મહત્વની જાહેરાત કે પછી પ્રસ્તાવ રજુ કરી શકે છે. જે અંગે ભારે સસ્પેન્સ છે અને તેમાં વહેલી ચુંટણીનો દાવ પણ ખેલાઈ શકે છે. આમ હવે આગામી સપ્તાહ રાજકીય રીતે પણ ભારે સસ્પેન્સ ભર્યુ બની રહેશે.

વહેલી લોકસભા ચુંટણી! વિપક્ષો સાવધ છે
મોદી સરકાર એક દેશ એક ચુંટણીના એજન્ડા પર પણ કંઈક ‘નવું’ કરી શકે છે: કોંગ્રેસ નેતા શશી થરૂર
નવી દિલ્હી: દેશમાં આગામી વર્ષે યોજાનારી લોકસભા ચૂંટણી વહેલી આવી શકે છે. એક તરફ મોદી સરકારે એક દેશ એક ચુંટણીના મુદે પુર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના અધ્યક્ષપદે નિયુક્ત કરેલી કમીટીએ તેનું કામકાજ શરુ કરી દીધુ છે અને સંભવત 2024ની લોકસભા ચૂંટણીમાંજ આ એજન્ડા લાગુ કરવા માટે પ્રવાસ કરી શકે છે

તો હાલ જે પાંચ રાજયોની ધારાસભા ચૂંટણીઓ યોજાવાની છે તે વિલંબમાં પડી શકે અને તેની સાથે આગામી વર્ષ જ રાજયોની ધારાસભા ચુંટણીઓ યોજાવાની છે તે વહેલી કરી લોકસભા સાથે 10-12 રાજયની ધારાસભા ચૂંટણીઓ યોજાઈ શકે છે પણ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને સાંસદ શશી થરૂરે કોંગ્રેસ કારોબારીની બેઠક પુર્વે એક વાતચીતમાં જણાવ્યું કે લોકસભા ચુંટણી વહેલી યોજાઈ શકે છે અને આપણે તૈયાર રહેવું પડશે.

તેઓએ કહ્યું કે હજું 6-9 માસની વાર હોવા છતાં પણ સંભવ છે કે સરકાર વહેલી ચુંટણીનો દાવ ખેલી શકે છે જે રીતે વિપક્ષી એકતા બની રહી છે. તેનાથી ભાજપ- એનડીએ ને ચિંતા છે અને તેથી તેઓ ‘ઈન્ડીયા’ નામ સામે પણ પ્રશ્ન ઉઠાવી રહ્યા છે. તેઓએ કહ્યું કે કોંગ્રેસ પક્ષ વહેલી ચુંટણીની શકયતાને પુરી ગંભીરતાથી લઈ રહી છે.

મોદી ફરી બન્યા વિશ્વના સૌથી પસંદગીના રાષ્ટ્રવડા
76% મતો: બાઈડન-સુનકને તેમના જ દેશમાં પોઝીટીવ કરતા નેગેટીવ મતો વધુ
નવી દિલ્હી: જી-20 સમીટની વિશ્વભરનું ધ્યાન ભારત ભણી ખેચીને એક ડિપ્લોમેટ તરીકે પણ પોતાની નવી ઈમેજ બનાવવામાં સફળ રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એક વખત વિશ્વના સૌથી પસંદગીના રાષ્ટ્રવડા બની રહ્યા છે. જી-20 સંમેલન બાદ કરવામાં આવેલા સર્વેમાં 76% લોકોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વની પ્રશંસા કરી હતી.

‘ધ મોર્નિંગ કન્સલ્ટ’ એ વિશ્વભરના રાષ્ટ્રવડાઓનું સાપ્તાહિક રેટીંગ કરે છે. તા.6થી12 સપ્ટેમ્બર વચ્ચે કરવામાં આવેલા સર્વેમાં વડાપ્રધાન મોદીને સર્વાધિક રેટીંગ મળ્યું છે અને 76% લોકોએ મોદીને વૈશ્વિક નેતા ગણાવ્યા હતા અને 18% તેમાં નેગેટીવ વોટ આપ્યો હતો તો સ્વીઝ રાષ્ટ્રપતિ અલેન બસેંટ તે ક્રમમાં નંબર-ટુ રહ્યા છે અને 64% લોકોએ તેને વિશ્વના સૌથી પસંદગીના નેતાનું બિરુદ આપ્યુ છે. રસપ્રદ બાબત એ છે કે અમેરિકાના પ્રમુખ જો બાઈડન અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ એમૈનુલ મેક્રો તથા બ્રિટનના વડાપ્રધાન ઋષી સુનકને તેમના દેશમાં પોઝીટીવ કરતા નેગેટીવ વોટ વધુ મળ્યા છે.


Related News

Advertisement
Advertisement
Advertisement