રાજકોટ. તા.16 : સૌરાષ્ટ્રમાં બેરોકટોક બાયોડિઝલનો ધંધો સ્થાનિક પોલીસની મીઠી નજર હેઠળ ચાલી રહ્યાનું અવારનવાર સામે આવ્યું છે. થોડાં સમય પેહલાં સ્થાનિક પોલીસને અંધારામાં રાખી ગાંધીનગરથી એસએમસીની ટીમે દરોડો પાડી વિપુલ પ્રમાણમાં બાયોડિઝલનો જથ્થો ઝડપી પાડી શહેર પોલીસને તામસી માર્યો હતો.
ત્યારે ગઈકાલે રાજકોટ ક્રાઇમ બ્રાંચે કુવાડવા રોડ પર આવેલ ત્રીનેત્ર મંદિર નજીક બેરોકટોક ચાલતાં બાયોડિઝલના ધંધામાં દરોડો પાડી અંદાજીત દોઢ લાખ બાયોડિઝલ અને વાહનો મળી કુલ રૂ. બે કરોડ જેટલો મુદ્દામાલ કબ્જે કરી બે શખ્સોને દબોચી લીધાં હતાં. જ્યારે તપાસમાં મુખ્ય સૂત્રધાર તરીકે ભરત રામાણીનું નામ ખુલતાં તેની શોધખોળ હાથ ધરી ગુનો દાખલ કરવા તજવીજ હાથ ધરી હતી. પ્રાપ્ત વિગત મુજબ, બાયોડિઝલ સસ્તું મળતું હોવાથી ભારે વાહનો તેનો ઉપયોગ કરી રહ્યા છે.
પરંતુ આ બાયોડિઝલના કારણે એન્જિનમાં નુકસાની થતી હોવાથી તેની સામે પ્રતિબંધ મુકાયો હતો. ત્યારે બાયોડિઝલ સસ્તુ હોય અને મોટી કમાણી થતી હોવાથી મોટામાથાઓ આ વેપલામાં ઝંપલાવી દીધું છે. ત્યારે રાજકોટના કુવાડવા રોડ પર ત્રિમંદિર પાસે પોલીસની મીઠી નજર હેઠળ ચાલતા બાયોડિઝલના યુનીટ પર ક્રાઈમ બ્રાંચના પી.આઈ. બી. ટી. ગોહિલ સહિતના સ્ટાફે દરોડો પાડ્યો હતો.
સુત્રોના જણાવ્યા મુજબ પોલીસ દરોડામાં આવશે દોઢેક લાખ લીટર જેટલો બાયોડિઝલનો જથ્થો અને વાહનો મળી આશરે બે કરોડ જેટલો મુદ્દામાલ કબજે કર્યો હતો. જ્યારે દિપેશ મહેતા નામના શખ્સ સહિત બેને સકંજામાં લઈ પુછપરછ શરૂ કરી છે. આ બાયોડિઝલનો સુત્રધાર ભરત રામાણી નામનો શખ્સ હોવાનું ખુલ્યું છે. હાલ પોલીસે ગુનો દાખલ કરવા કવાયત શરૂ કરી છે.