(દિનેશ જોષી) કોડીનાર,તા.16 : જામવાળા ગીર નજીક આવેલા પૌરાણિક બથેશ્વર મહાદેવના મંદિરની ધાર્મિક જગ્યામાં વનતંત્ર દ્વારા કરવામાં આવેલી પેસ કદમી અને મંદિર ખાતે ભાવિકોને દર્શન કરવા જતા રોકવાના વન ખાતાના કેટલાક અધિકારીઓના જડતાં ભર્યા અને મનસ્વી નિર્ણય સામે કોડીનાર તાલુકા હિન્દુ સંગઠન દ્વારા ગુજરાત ના મુખ્યમંત્રી સહિત સત્તાવાળાઓને પત્રો પાઠવીને વનતંત્રના કેટલાક અધિકારીઓ ના મનસ્વી નિર્ણય સામે આક્રોશ વ્યક્ત કરીને ભાવિકોને શિવ મંદિરે જવા દેવા માટે તેમજ જવાબદાર અધિકારીઓ ના આ નિર્ણય ની સામે તપાસ કરીને કડક પગલાં ભરવા માંગણી કરી છે.
પત્રમાં એવું જણાવવામાં આવ્યું છે કે જામવાળાથી માત્ર બે કિલોમીટર દૂર શિંગોડા/ ધાતરવાડી નદીના કાંઠે આવેલા બથેશ્વર મહાદેવનું પૌરાણિક મંદિર તથા તેની આસપાસ 14 એકર ઉપરાંત જમીન જૂનાગઢના દીવાને કાલિદાસ નામના સાધુને સદાવ્રત ચલાવવા માટે આપી હતી. હાલ આ જગ્યાએ કાલિદાસના વંશજો મંદિરની સેવા પૂજા કરે છે અત્યાર સુધી ભાવિકોને બથેશ્વર મંદિર સુધી જવા - આવવા દેવામાં આવતા હતા પરંતુ છેલ્લા કેટલાક સમયથી વનતંત્રના કેટલાક અધિકારીઓ દ્વારા ભાવિકોને બથેશ્વર મંદિરે દર્શન કરવા જવાની મનાઈ ફરમાવી દીધી છે. પત્રમાં જણાવ્યા મુજબ મંદિરની કેટલીક કિંમતી જમીન ઉપર વનતંત્ર દ્વારા શિબિરના કાર્યક્રમો ચાલવા માટે કબજો કરી લેવામાં આવ્યો છે
અને શિબિરના બહાના હેઠળ ત્યાં ચોક્કસ લોકો ને ભેગા કરી વિવિધ પ્રોગ્રામ કરવામાં આવે છે અને વનતંત્ર દ્વારા તે માટે તગડી રકમ વસૂલ કરાતી હોવાનું પત્રમાં જણાવ્યું છે બથેશ્વર મહાદેવનું મંદિર અભ્યારણમાં આવેલું હોવાનું જણાવી ભાવિકોને પવિત્ર શ્રાવણ માસમાં પણ દર્શન કરવા જવા દીધા નથી ત્યારે ગીર મધ્યમાં આવેલા અન્ય ધાર્મિક સ્થળોએ જવા આવવાનો શ્રદ્ધાળુને નિયમ મુજબ જેટલો અધિકાર છે તેટલો જ અધિકાર બથેશ્વર મહાદેવના મંદિરે જવાનો છે ત્યારે વનતંત્રના કેટલાક અધિકારીઓના મનસ્વી વર્તન ના કારણે ભાવિકો બથેશ્વર મહાદેવના મંદિરે જઈ શક્યા નથી ત્યારે સરકાર દ્વારા તાત્કાલિક અસરથી આ બાબતમાં તપાસ કરી ઘટતા પગલાં લેવા માંગણી ઉઠી છે જો ટૂંક સમયમાં જ આ અંગેના યોગ્ય કરવામાં નહીં આવે તો સમગ્ર ગુજરાતના વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા વનતંત્રના જડ નિયમ સામે છેક સુધી લડી લેવા ચીમકી આપવામા આવી છે.